<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th October 2026

સગાઈની ખુશીઓ માતમમાં ફેરવાઈ: નુહમાં ટ્રોલી અને ઈકો વચ્ચેની ભયાનક ટક્કરમાં ત્રણ યુવકોના સ્થળ પર મોત

અકસ્માત એટલો પ્રચંડ કે કારનો કૂચડો બોલાઈ ગયો: મૃતદેહો બહાર કાઢવા માટે પોલીસને જેસીબી બુલડોઝર બોલાવવાની પડી જરૂરિયાત

નુહ : હરિયાણાના નુહ જિલ્લામાં ગઈકાલે મોડી રાત્રે એક કાળજું કંપાવી દેનારો માર્ગ અકસ્માત સર્જાયો. ફિરોઝપુર ઝીર્કામાં આયોજિત સગાઈ સમારોહમાં હાજરી આપી ખુશી-ખુશી ઘરે પરત ફરી રહેલા યુવકોની ઈકો કારને એક બેફામ સ્પીડે આવતી ટ્રોલીએ જોરદાર ટક્કર મારી. આ ગમખ્વાર અકસ્માતમાં કારમાં સવાર ત્રણેય યુવાનોના ઘટનાસ્થળે જ દારૂણ મોત નિપજ્યા. ટક્કર એટલી પ્રચંડ હતી કે ક્ષણવારમાં જ કિલકારીઓ અને ખુશીઓનો માહોલ કરુણ ચીસાચીસમાં ફેરવાઈ ગયો અને સમગ્ર વિસ્તારમાં ભારે અફડાતફડી મચી ગઈ.

અકસ્માતમાં ઈકો કાર સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગઈ હતી અને ત્રણેય મૃતદેહો વાહનના કાટમાળ વચ્ચે એવી રીતે ફસાઈ ગયા હતા કે સામાન્ય રીતે તેને બહાર કાઢવા અશક્ય બની ગયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતા. કાટમાળ ચીરીને મૃતદેહો બહાર કાઢવા માટે તાત્કાલિક બુલડોઝરની મદદ લેવી પડી હતી. કલાકોની ભારે જહમત બાદ બુલડોઝર વડે પતરાં દૂર કરીને ત્રણેય મૃતદેહોને બહાર કાઢી શકાયા હતા, જ્યારે અકસ્માત સર્જીને ટ્રોલી ચાલક પોતાનું વાહન ઘટનાસ્થળે છોડીને ફરાર થઈ ગયો.

મૃતકોની ઓળખ ગુરુગ્રામની ફિરોઝ ગાંધી કોલોનીના રહેવાસી રવિ, સોહનાના રામ મંદિર વિસ્તારના રહેવાસી અનિલ (ઉંમર 26 વર્ષ) અને સોહનાના જ રહેવાસી કાર ચાલક વિવેક તરીકે થઈ. આ ત્રણેય મિત્રો ફિરોઝપુર ઝીર્કામાં સંજય નામના વ્યક્તિના પુત્રની સગાઈ પ્રસંગમાં સામેલ થવા આવ્યા હતા. સમારોહ પૂરો કરીને પરત ફરતી વખતે કાળનો પંજો ત્રાટક્યો હતો. સગાઈના મંગળ પ્રસંગ વચ્ચે અચાનક આ દર્દનાક સમાચાર મળતાં જ મૃતકોના પરિવારો પર આભ તૂટી પડ્યું હતું અને ઘરોમાં માતમ છવાઈ ગયો.

ઘટનાની જાણ થતાં પોલીસે ત્રણેય યુવકોના મૃતદેહોનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા. હાલ પોલીસે અકસ્માત સર્જીને ભાગી છૂટેલા ટ્રોલી ચાલક સામે ગુનો નોંધી તેની ધડપકડ માટે ચક્ર ગતિમાન કર્યા. અકસ્માતની ચોક્કસ વજૂહત જાણવા માટે પોલીસ દ્વારા ટેકનિકલ તપાસ ચલાવવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસ પૂર્ણ થયા બાદ મૃતદેહો વારસદારોને સોંપવામાં આવશે અને ફરાર ડ્રાઈવરની ટૂંક સમયમાં અટકાયત કરી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરાશે.

(10:37 AM IST)