તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th July 2026
રાજસ્થાનમાં એનર્જી ડ્રિંક્સ પર તવાઈ: રેડ બુલ અને સ્ટિંગ સહિત ૮ દિગ્ગજ બ્રાન્ડના વેચાણ-સંગ્રહ પર પ્રતિબંધ; ૫ લાખથી વધુ બોટલો જપ્ત!
ભ્રામક દાવાઓ અને સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર કંપનીઓ સામે સરકાર લાલઘૂમ; એફએસએસએઆઈ (FSSAI) ના નિયમોના ઉલ્લંઘન બદલ રાજ્યવ્યાપી દરોડા, વેપારીઓને કડક ચેતવણી

જયપુર : રાજસ્થાનમાં યુવાનોમાં અત્યંત લોકપ્રિય બનેલા એનર્જી ડ્રિંક્સ સામે રાજ્ય સરકારે મોટું પગલું ભર્યું છે. ફૂડ સેફ્ટી એન્ડ ડ્રગ કંટ્રોલ કમિશનરેટ દ્વારા રાજસ્થાનભરમાં રેડ બુલ અને સ્ટિંગ જેવી દિગ્ગજ બ્રાન્ડ્સ સહિત કુલ ૮ એનર્જી ડ્રિંક્સના વેચાણ, સંગ્રહ અને પ્રમોશન પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ નિર્ણય માત્ર સ્ટોર્સ પૂરતો જ નહીં, પરંતુ ઓનલાઇન પ્લેટફોર્મ્સ માટે પણ એટલો જ કડક રહેશે.
રાજ્યના ૨૫ થી વધુ શહેરોમાં ફૂડ સેફ્ટી વિભાગની ટીમોએ છેલ્લા એક સપ્તાહમાં આક્રમક દરોડા પાડીને ૫,૦૦,૦૦૦ થી વધુ એનર્જી ડ્રિંક્સના કેન અને બોટલો જપ્ત કરી છે. વેપારીઓને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દેવાયું છે કે જો પ્રતિબંધિત ઉત્પાદનોનો સંગ્રહ કે વેચાણ ચાલુ રાખવામાં આવશે, તો તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
ભ્રામક દાવાઓ અને સ્વાસ્થ્યનું જોખમ
ફૂડ સેફ્ટી વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ કંપનીઓ ગ્રાહકોને ગેરમાર્ગે દોરનારા દાવાઓ કરી રહી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે ઉત્પાદનોના લેબલ પર "શરીર અને મનને ત્વરિત ઉર્જા આપે છે" અને "શારીરિક ક્ષમતામાં વધારો કરે છે" તેવા દાવાઓ કરવામાં આવ્યા હતા, જેની પાછળ કોઈ નક્કર વૈજ્ઞાનિક પુરાવા નથી. FSSAI ના નિયમો મુજબ, આવા દાવાઓને ભ્રામક જાહેરાત ગણવામાં આવે છે.
ફૂડ સેફ્ટી વિભાગના સંયુક્ત કમિશનર વિજય પ્રકાશ શર્માએ જણાવ્યું કે, "અમે રાજ્યવ્યાપી અભિયાન ચલાવીને લાખો કેન જપ્ત કર્યા છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતી કોઈ પણ કંપનીને છોડવામાં આવશે નહીં."
શા માટે આ ડ્રિંક્સ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે?
નિષ્ણાતો અને ફૂડ સેફ્ટી કમિશનર ડૉ. ટી. શુભમંગલાના મતે, આ પીણાંમાં કેફીન અને ખાંડનું પ્રમાણ અત્યંત ઊંચું હોય છે. જોકે તે મગજને કામચલાઉ રીતે સક્રિય કરે છે અને થાક દૂર થયાનો આભાસ કરાવે છે, પરંતુ તેનું લાંબા ગાળાનું સેવન જીવલેણ બની શકે છે.
· ખાસ ચેતવણી: આ ડ્રિંક્સ ખાસ કરીને બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓના સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે.
પ્રતિબંધિત બ્રાન્ડ્સની યાદી:
રાજસ્થાન સરકારે જે ૮ મુખ્ય બ્રાન્ડ્સ પર પ્રતિબંધ મૂક્યો છે તેમાં:
૧. રેડ બુલ (Red Bull)
૨. સ્ટિંગ (Sting)
૩. હેલ એનર્જી (Hell Energy)
૪. કેમ્પા એનર્જી (Campa Energy)
૫. મોન્સ્ટર એનર્જી (Monster Energy)
૬. આફ્ટર શેક (After Shake)
૭. ટ્રોપીકાના (Tropicana)
૮. એડ્રેનાલિન રશ (Adrenaline Rush)
આ કાર્યવાહી બાદ હવે પેપ્સિકો જેવી દિગ્ગજ કંપનીઓને પણ અગાઉ FSSAI દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. રાજસ્થાન સરકારના આ આકરા વલણથી સમગ્ર દેશમાં એનર્જી ડ્રિંક્સના વેચાણ અને તેમના ભ્રામક પ્રચાર સામે એક મોટી ચર્ચા છેડાઈ છે.
(10:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
