News of Saturday, 9th May 2026
બંગાળમાં TMC નાં ૧૫ વર્ષના શાસનનો અંત : મમતા બેનર્જીની પાર્ટી હવે વિપક્ષમાં : શોભનદેવ ચટ્ટોપાધ્યાયને સોંપાઈ મહત્વની જવાબદારી
ભાજપની ઐતિહાસિક જીત બાદ તૃણમૂલ કોંગ્રેસે વિપક્ષના નેતા તરીકે શોભનદેવના નામ પર મારી મહોર : અસીમા પાત્રા અને નૈના બંદ્યોપાધ્યાય બન્યા ડેપ્યુટી લીડર

કોલકાતા: પશ્ચિમ બંગાળના રાજકીય ઈતિહાસમાં એક મોટો ઉલટફેર જોવા મળ્યો છે. છેલ્લા દોઢ દાયકાથી રાજ્યની સત્તા પર બિરાજમાન મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ (TMC) ને આ વિધાનસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે. સત્તા ગુમાવ્યા બાદ હવે તૃણમૂલ કોંગ્રેસે વિપક્ષમાં બેસવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પાર્ટી દ્વારા સત્તાવાર રીતે વિપક્ષના નેતા અને અન્ય મહત્વના હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવી છે.
શોભનદેવ ચટ્ટોપાધ્યાય વિપક્ષના નેતા
મમતા બેનર્જીએ હાર બાદ વિપક્ષી નેતા તરીકે શોભનદેવ ચટ્ટોપાધ્યાયની પસંદગી કરી છે. તેમને હવે વિધાનસભામાં વિપક્ષના અવાજ તરીકે મહત્વની જવાબદારી નિભાવવાની રહેશે. આ ઉપરાંત, મહિલા પ્રતિનિધિત્વને મહત્વ આપતા શ્રીમતી અસીમા પાત્રા અને શ્રીમતી નૈના બંદ્યોપાધ્યાયને વિપક્ષના ડેપ્યુટી લીડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે ફિરહાદ હકીમને મુખ્ય સચેતક (ચીફ વ્હીપ) ની જવાબદારી સોંપવામાં આવી છે.
ભાજપની બહુમતી સાથેની પ્રથમ સરકાર
બંગાળના ઇતિહાસમાં પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીએ ૨૦૭ બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મેળવીને સરકાર બનાવી છે. ભવાનીપુર બેઠક પરથી મમતા બેનર્જીને હરાવનાર શુભેન્દુ અધિકારી રાજ્યના નવા મુખ્યમંત્રી બન્યા છે. તેમના શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સહિત એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને ભાજપના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા.
ચૂંટણી પરિણામોનું ચિત્ર
૪ મેના રોજ જાહેર થયેલા પરિણામો મુજબ:
ભાજપ: ૨૦૭ બેઠકો
તૃણમૂલ કોંગ્રેસ: ૮૦ બેઠકો
કોંગ્રેસ: ૦૨ બેઠકો
હુમાયુ કબીરની પાર્ટી: ૦૨ બેઠકો
CPIM અને AISF: ૦૧-૦૧ બેઠક
મમતા બેનર્જીનો વિપક્ષી એકતાનો સુર
સત્તા ગુમાવ્યા બાદ મમતા બેનર્જીએ ભાજપ સામે લડવા માટે તમામ વિપક્ષી દળોને એક થવા હાકલ કરી છે. તેમણે ડાબેરી પક્ષો, તમામ વિદ્યાર્થી સંગઠનો અને એનજીઓને એક 'સંયુક્ત મંચ' બનાવી ભાજપનો સામનો કરવા માટે અપીલ કરી છે. બીજી તરફ, ચૂંટણીમાં હાર બાદ પાર્ટીમાં આંતરિક ખેંચતાણ પણ જોવા મળી રહી છે, જેમાં કેટલાક ધારાસભ્યોના બાગી તેવર અને અભિષેક બેનર્જી સામેના નિવેદનોને કારણે પાર્ટીએ પાંચ નેતાઓને કારણદર્શક નોટિસ પણ ફટકારી છે.
(11:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
