<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd October 2026

ઉત્તર પ્રદેશમાં આતંકના સામ્રાજ્યનો અંત: યોગી સરકારની 'સર્જિકલ સ્ટ્રાઈક'માં 303 અપરાધીઓ ઢેર : ₹15,233 કરોડની માફિયા સંપત્તિ પર ફરી વળ્યું બુલડોઝર

2017થી ચલાવાયેલા ભયમુક્ત યુપી અભિયાનના સત્તાવાર ડેટા જાહેર : 23,000થી વધુ ગુનેગારોની ધરપકડ, ગેંગસ્ટર એક્ટ અને NSA હેઠળ કડક કાર્યવાહી સાથે સાયબર ક્રાઈમ સામે પણ ઐતિહાસિક સફળતા

લખનૌ :  ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને મજબૂત બનાવી ગુનાખોરી ડામવા માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વ હેઠળ ચલાવવામાં આવેલા અભિયાનના સત્તાવાર અને ચોંકાવનારા આંકડા શનિવારે જાહેર કરવામાં આવ્યા છે. 20 માર્ચ, 2017થી અત્યાર સુધીના ડેટા અનુસાર, યુપી પોલીસે ગુનેગારો સામે હાથ ધરેલી ઝુંબેશ અને અથડામણોમાં અત્યાર સુધીમાં 303 જેટલા દુરદાંત આતંક અને માફિયા તત્વોને ઠાર માર્યા છે, જ્યારે કાર્યવાહી દરમિયાન 12,202 ગુનેગારો ઘાયલ થયા છે. પોલીસે વોન્ટેડ ભાગેડુઓ સામે સતત શિકંજો કસીને 23,601 ઈનામી અપરાધીઓ સહિત કુલ 23,000થી વધુ ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે, જેણે યુપીના ગુનાખોરીના ઇતિહાસમાં એક નવો અધ્યાય લખ્યો છે.

રાજ્યમાં માફિયા નેટવર્કની આર્થિક કરોડરજ્જુ તોડી પાડવા માટે ગેંગસ્ટર એક્ટનો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા માફિયાઓ અને સંગઠિત ગુનાખોરી સાથે સંકળાયેલા તત્વોની ₹15,233 કરોડથી વધુ કિંમતની ગેરકાયદેસર સ્થાવર અને જંગમ મિલકતો જપ્ત કે જમીનદોસ્ત કરવામાં આવી છે. રાજ્ય સ્તરે ચિહ્નિત કરાયેલા 68 મુખ્ય માફિયાઓ અને તેમના સિન્ડિકેટ સામે 909 કેસ નોંધીને 651 આકાઓની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત 87,83૫ ગુનેગારો સામે ગેંગસ્ટર એક્ટ અને 995 અસામાજિક તત્વો સામે રાષ્ટ્રીય સુરક્ષા કાયદા (NSA) હેઠળ ભીષણ કાનૂની શિકંજો કસવામાં આવ્યો છે, જેનાથી ગુનાહિત સામ્રાજ્ય છિન્નભિન્ન થઈ ગયું છે.

ડિજિટલ ક્રાઈમ સામે લડવા માટે યુપીના તમામ 75 જિલ્લાઓમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનો કાર્યરત કરી દેવાયા છે, જેના થકી પોલીસે ₹874.58 કરોડના સાયબર ફંડને ફ્રીઝ કરીને વસૂલવામાં સફળતા મેળવી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અગાઉની સરકારો પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે 2017 પહેલા યુપીમાં જનતા માફિયાઓથી તંગ હતી અને પોલીસ લાચાર હતી, પરંતુ હવે પોલીસ સુધારા, 14 લાખથી વધુ સીસીટીવી કેમેરા અને ઈન્ટિગ્રેટેડ કમાન્ડ સેન્ટર્સ દ્વારા રાજ્યને 'સેફ સિટી'માં રૂપાંતરિત કરવામાં આવ્યું છે. રાજ્યએ પોતાની જૂની નકારાત્મક ઓળખ છોડીને સુરક્ષા અને વિકાસના નવા સિખરો સર કર્યા છે.

(11:03 PM IST)