<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th October 2026

NEET PG ના ઉમેદવારોની આતુરતાનો અંત: પ્રથમ રાઉન્ડના કાઉન્સેલિંગનો આજથી ધમાકેદાર પ્રારંભ, ૧૨ થી ૨૧ ઓક્ટોબર સુધી ચાલશે રજીસ્ટ્રેશન!

મેડિકલ કાઉન્સેલિંગ કમિટી (MCC) દ્વારા સત્તાવાર કસમયપત્રક જાહેર: MD અને MS ની બેઠકો માટે ઉમેદવારો mcc.nic.in પર કરી શકશે ઓનલાઇન અરજી : સીટ મેટ્રિક્સ વેરિફિકેશન પૂર્ણ!

નવી દિલ્હી:  NEET PG ૨૦૨૬ ની પ્રવેશ પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરનારા દેશભરના હજારો તબીબી ઉમેદવારો માટે લાંબા સમયથી ચાલી રહેલી આતુરતાનો આખરે અંત આવ્યો છે. દેશની ટોચની મેડિકલ કોલેજોમાં પોસ્ટ ગ્રેજ્યુએટ (MD, MS અને અન્ય PG કોર્સ) અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે મેડિકલ કાઉન્સેલિંગ કમિટી (MCC) દ્વારા પ્રથમ રાઉન્ડની ઓનલાઈન કાઉન્સેલિંગ પ્રક્રિયા આજથી એટલે કે ૧૨ ઓક્ટોબરથી સત્તાવાર રીતે શરૂ કરી દેવામાં આવી છે. લાયક ઉમેદવારો નિર્ધારિત સમયમર્યાદામાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે.

૨૧ ઓક્ટોબર સુધી રજીસ્ટ્રેશન અને પસંદગીની તક
મેડિકલ કાઉન્સેલિંગ કમિટીના જાહેર કરાયેલા સત્તાવાર સમયપત્રક મુજબ, પ્રથમ રાઉન્ડ માટેની ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા ૧૨ ઓક્ટોબરથી શરૂ થઈને ૨૧ ઓક્ટોબર સુધી ચાલુ રહેશે. પ્રવેશ ઈચ્છુક ઉમેદવારો MCC ના સત્તાવાર પોર્ટલ mcc.nic.in ની મુલાકાત લઈને પોતાની અરજી સબમિટ કરી શકે છે. આ રજીસ્ટ્રેશન દરમિયાન ઉમેદવારોને પોતાની પસંદગીની કોલેજ અને શાખા (કોર્સ) પસંદ કરવાની તક મળશે. કાઉન્સેલિંગના આ પ્રથમ તબક્કા પૂર્વે ૧૦ થી ૧૨ ઓક્ટોબર દરમિયાન સીટ મેટ્રિક્સ ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.


કાઉન્સેલિંગ પ્રક્રિયા અંગે સ્પષ્ટતા કરતા અધિકારીઓએ જણાવ્યું છે કે માત્ર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાથી ઉમેદવારની સીટ કન્ફર્મ ગણાશે નહીં. સીટ ફાળવણી સંપૂર્ણપણે ઉમેદવારના ઓલ ઈન્ડિયા રેન્ક, તેની શૈક્ષણિક લાયકાત, સંબંધિત કોલેજમાં બેઠકોની ઉપલબ્ધતા અને ઉમેદવાર દ્વારા પસંદ કરવામાં આવેલા વિકલ્પો ના આધારે જ કરવામાં આવશે. કાઉન્સેલિંગનો પ્રારંભ થતાં જ પરિણામો અને સીટ એલોટમેન્ટ માટે પણ તબક્કાવાર પ્રક્રિયા આગળ વધશે.

(10:05 PM IST)