<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th November 2026

અંગ્રેજોના જમાનાના ૧૩૨ વર્ષ જૂના જેલ કાયદાનો અંતઃ આંદામાન-નિકોબારમાં જેલ વ્‍યવસ્‍થામાં ઐતિહાસિક પરિવર્તન

જેલોમાં મોબાઇલ રાખવા બદલ ત્રણ વર્ષ સુધીની કેદ, કડક સુરક્ષા સાથે કેદીઓના શિક્ષણ, રોજગાર, આરોગ્‍ય અને પુનર્વસન માટે નવી જોગવાઈઓ

નવી દિલ્‍હી  તા.૧૯: કેન્‍દ્ર સરકારે આંદામાન-નિકોબાર ટાપુઓ માટે જેલ અને સુધારાત્‍મક સેવાઓ અંગેનો નવો કાયદો જાહેર કર્યો છે. રાષ્ટ્રપતિએ ૧૭ નવેમ્‍બરે બંધારણની કલમ ૨૪૦ હેઠળ આ નિયમન બહાર પાડ્‍યું છે. બ્રિટિશ શાસનકાળના બે કાયદા સહિત ત્રણ જૂના કાયદાનું સ્‍થાન લેનારી નવી વ્‍યવસ્‍થામાં જેલોની સુરક્ષા, કેદીઓના માનવાધિકાર, આધુનિક ટેકનોલોજી, મહિલાઓ અને બાળકોના કલ્‍યાણ તથા કેદીઓના પુનર્વસન ઉપર વિશેષ ભાર મુકાયો છે.

કેન્‍દ્ર સરકાર દ્વારા આંદામાન-નિકોબાર ટાપુઓની જેલ વ્‍યવસ્‍થામાં ઐતિહાસિક સુધારો કરવામાં આવ્‍યો છે. ‘આંદામાન એન્‍ડ નિકોબાર આઇલેન્‍ડ્‍સ પ્રિઝન્‍સ એન્‍ડ કરેક્‍શનલ સર્વિસિસ રેગ્‍યુલેશન, ૨૦૨૬' નામનો નવો કાયદો ૧૮૯૪ના પ્રિઝન્‍સ એક્‍ટ, ૧૯૦૦ના પ્રિઝનર્સ એક્‍ટ અને ૧૯૫૦ના ટ્રાન્‍સફર ઓફ પ્રિઝનર્સ એક્‍ટનું સ્‍થાન લેશે. નવા નિયમનમાં ૧૪ પ્રકરણ અને ૭૦ કલમો છે. તેની જુદી જુદી જોગવાઈઓ અમલમાં મૂકવાની તારીખો સ્‍થાનિક પ્રશાસક દ્વારા જાહેર કરવામાં આવશે.

નવા કાયદાનો મુખ્‍ય ઉદ્દેશ જેલને માત્ર ગુનેગારોને કેદ રાખવાનું સ્‍થળ બનાવવાને બદલે સુધારણા અને પુનર્વસનનું કેન્‍દ્ર બનાવવાનો છે. કેદીઓના શિક્ષણ, વ્‍યાવસાયિક તાલીમ, કૌશલ્‍ય વિકાસ અને જેલમુક્‍તિ પછી સમાજમાં પુનઃસ્‍થાપન માટે વિશેષ વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. આ માટે ખુલ્‍લી તથા અર્ધખુલ્‍લી સુધારાત્‍મક સંસ્‍થાઓની જોગવાઈ પણ કરવામાં આવી છે.

જેલોની સુરક્ષામાં આધુનિક ટેક્રોલોજીનો ઉપયોગ વધારવામાં આવશે. સીસીટીવી કેમેરા, બાયોમેટ્રિક ઓળખ, ડિજિટલ રેકોર્ડ, આરએફઆઇડી, વીડિયો કોન્‍ફરન્‍સિંગ અને મોબાઇલ જામર જેવી વ્‍યવસ્‍થાઓનો સમાવેશ કરવામાં આવ્‍યો છે. જેલમાંથી સંગઠિત ગુનાખોરી ચલાવવાની પ્રવૃત્તિઓ રોકવા પણ કડક જોગવાઈઓ કરવામાં આવી છે. કેદીઓ, મુલાકાતીઓ અથવા જેલ કર્મચારીઓ દ્વારા પ્રતિબંધિત મોબાઇલ કે વાયરલેસ સંચાર ઉપકરણો રાખવા અથવા વાપરવાના ગુનામાં ત્રણ વર્ષ સુધીની કેદ અને ૨૫ હજાર રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે.

કેદીઓને તેમના ગુનાની ગંભીરતા, સુરક્ષા જોખમ, ઉંમર, આરોગ્‍ય અને સુધારણાની જરૂરિયાત અનુસાર અલગ અલગ વર્ગમાં રાખવામાં આવશે. આતંકવાદ, સંગઠિત ગુનાખોરી અને ગંભીર હિસક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા જોખમી કેદીઓ માટે વિશેષ સુરક્ષાવાળી જેલો અને કડક દેખરેખની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.

મહિલા કેદીઓ માટે પ્રસૂતિ સંબંધિત સારવાર, વિશેષ આરોગ્‍ય સુવિધાઓ અને જાતીય સતામણીની ફરિયાદોના નિવારણની જોગવાઈ છે. મહિલા કેદીઓનાં છ વર્ષ સુધીનાં બાળકો માતા સાથે રહી શકશે અને તેમના માટે જરૂરી સુવિધાઓ પૂરી પાડવાની વ્‍યવસ્‍થા રહેશે. ટ્રાન્‍સજેન્‍ડર અને દિવ્‍યાંગ કેદીઓ માટે પણ યોગ્‍ય રહેઠાણ, આરોગ્‍યસંભાળ તથા અન્‍ય સુવિધાઓની જોગવાઈ કરવામાં આવી છે.

જેલોમાં જાતિના આધારે કેદીઓ સાથે ભેદભાવ, અલગાવ અથવા કામની ફાળવણી ઉપર સ્‍પષ્ટ પ્રતિબંધ મૂકવામાં આવ્‍યો છે. કેદીઓને તબીબી સારવાર, માનસિક આરોગ્‍યસંભાળ અને કાયદાકીય સહાયની સુવિધા મળે તે માટે પણ જોગવાઈઓ કરવામાં આવી છે.

લાંબા સમયથી જેલમાં રહેલા કાચા કામના કેદીઓના કેસોની સમીક્ષા કરવા દરેક જિલ્‍લામાં જિલ્‍લા અને સેશન્‍સ જજના વડપણ હેઠળ સમિતિ રચવાની જોગવાઈ છે. પાત્ર કેદીઓ માટે પેરોલ, ફર્લો, સજામાં રાહત અને સમય પહેલાં મુક્‍તિની પ્રક્રિયા પણ નક્કી કરવામાં આવી છે.

જેલોમાં પારદર્શિતા વધારવા ન્‍યાયિક અધિકારીઓના વડપણ હેઠળ મુલાકાતી બોર્ડ, નિયમિત નિરીક્ષણ, કેદીઓની ફરિયાદોના નિવારણ અને કસ્‍ટડીમાં થતા મૃત્‍યુ અંગે જાણ કરવાની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. કેદીઓ પરિવારજનો સાથે દેખરેખ હેઠળ પ્રત્‍યક્ષ અથવા વર્ચ્‍યુઅલ સંપર્ક કરી શકશે.

આ સુધારાનું ઐતિહાસિક મહત્ત્વ પણ છે. આંદામાનની સેલ્‍યુલર જેલ ‘કાલાપાણી' તરીકે જાણીતી છે, જ્‍યાં બ્રિટિશ શાસન દરમિયાન સ્‍વાતંત્ર્ય સેનાનીઓએ અમાનવીય યાતનાઓ સહન કરી હતી. હવે એ જ ટાપુઓમાં જેલને સજા અને દમનના પ્રતીકમાંથી માનવતા, સુધારણા અને પુનર્વસનના કેન્‍દ્રમાં પરિવર્તિત કરવાની નવી વ્‍યવસ્‍થા ઊભી કરવામાં આવી રહી છે.

કેદીઓને પેરોલ અને ફર્લોની સુવિધા, સારા વર્તનથી સજામાં રાહત

નવા નિયમન મુજબ પાત્ર કેદીઓને એક વખતમાં વધુમાં વધુ ૩૦ દિવસની નિયમિત પેરોલ મળી શકશે, જે વર્ષમાં બે વખત સુધી મર્યાદિત રહેશે. કટોકટીની સ્‍થિતિમાં પોલીસ સુરક્ષા હેઠળ ૪૮ કલાક સુધીની પેરોલની જોગવાઈ છે. ત્રણ વર્ષની સજા ભોગવ્‍યા પછી પાત્ર કેદીઓને વર્ષમાં ૧૪ દિવસ સુધીની ફર્લો મળી શકશે. સારા વર્તન બદલ સજામાં રાહત અને નિર્ધારિત શરતો હેઠળ સમય પહેલાં મુક્‍તિની ભલામણ કરવાની વ્‍યવસ્‍થા પણ રહેશે.

 

 

જેલમાં મોબાઇલ રાખશો તો ત્રણ  વર્ષની કેદ અને ૨૫ હજારનો દંડ

નવા કાયદા હેઠળ કેદીઓ, મુલાકાતીઓ અને જેલ કર્મચારીઓ માટે પ્રતિબંધિત મોબાઇલ ફોન તથા વાયરલેસ સંચાર ઉપકરણો રાખવા કે વાપરવા ઉપર કડક નિયંત્રણ મુકાયું છે. નિયમભંગ બદલ ત્રણ વર્ષ સુધીની કેદ અને ૨૫ હજાર રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. જેલોમાં સીસીટીવી, બાયોમેટ્રિક ઓળખ, મોબાઇલ જામર અને ડિજિટલ દેખરેખની વ્‍યવસ્‍થા દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવાનો પ્રયાસ થશે.

(10:54 AM IST)