<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th May 2026

સહારનપુરમાં એન્કાઉન્ટર: ૧ લાખનો ઇનામી એહસાન કપૂરી ઠાર : બે પોલીસકર્મીને ઇજા

યુપીના ટોપ-૧૦ ગુનેગારોમાં સામેલ અને લૂંટ-ખંડણીના ૩૧ કેસમાં મોસ્ટ વોન્ટેડ હિસ્ટ્રીશીટરને પોલીસે બગીચામાં ઘેરીને કર્યો ઠાર

સહારનપુર:  ઉત્તર પ્રદેશના સહારનપુરમાં પોલીસ અને ગુનેગારો વચ્ચે ફિલ્મી ઢબે થયેલા એક ભયાનક એન્કાઉન્ટરમાં ૧ લાખ રૂપિયાનું ઇનામ ધરાવતો કુખ્યાત બદમાશ એહસાન કપૂરી માર્યો ગયો છે. ચિલકાણા પોલીસ સ્ટેશન વિસ્તારના હરદખેડા પાસે શુક્રવારે બપોરે ૨ વાગ્યે જ્યારે પોલીસે મોટરસાઇકલ પર જઈ રહેલા બે શંકાસ્પદ યુવાનોને રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેઓએ બાઇક ભગાડી મૂકી હતી. પોલીસે પીછો કરતા બદમાશોએ સરકારી વાહન પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો અને નજીકના એક ઔદ્યોગિક વિસ્તારના બગીચામાં ઝાડ પાછળ છુપાઈને મોરચો સંભાળ્યો હતો.

ઘટનાની ગંભીરતા જોતા એસએસપી અભિનંદન સિંહ ભારે પોલીસ ફોર્સ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા અને સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો. આ સામસામે ચાલેલા ગોળીબારમાં બદમાશોની બે ગોળીઓ ચિલકાણા થાણા ઇન્ચાર્જના બુલેટપ્રૂફ જેકેટ પર વાગી હતી, જેના કારણે તેમનો આબાદ બચાવ થયો હતો. જોકે, સરસવા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પ્રવેશ શર્મા અને હેડ કોન્સ્ટેબલ સોનુ શર્માને હાથમાં ગોળી વાગતા તેઓ ઘાયલ થયા હતા. પોલીસની જવાબી કાર્યવાહીમાં મોસ્ટ વોન્ટેડ એહસાન કપૂરી ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેને હોસ્પિટલ લઈ જતા ડોક્ટરોએ મૃત જાહેર કર્યો હતો.

ડીઆઈજી અભિષેક સિંહે જણાવ્યું કે ઠાર મરાયેલો એહસાન કપૂરી વિસ્તારનો નામચીન હિસ્ટ્રીશીટર હતો, જેની સામે લૂંટ, ખંડણી અને હત્યાના પ્રયાસ જેવા ૩૧ ગંભીર ગુના નોંધાયેલા હતા, જેમાં ૧૩ કેસ માત્ર લૂંટના હતા. પોલીસે ઘટનાસ્થળેથી ચાર ગેરકાયદેસર હથિયારો અને મોટી માત્રામાં કારતુસ જપ્ત કર્યા છે. એન્કાઉન્ટર દરમિયાન એહસાનનો બીજો સાથી અંધારા અને પરિસ્થિતિનો લાભ ઉઠાવીને ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો, જેને પકડવા માટે સમગ્ર વિસ્તારમાં પોલીસનું સઘન કોમ્બિંગ ઓપરેશન ચાલુ છે.

(6:36 PM IST)