તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 1st June 2026
ભાવગીતોની સમ્રાજ્ઞી અને સૂર સામ્રાજ્યનો અણમોલ સિતારો કાળના પડદા પાછળ છુપાયો : પદ્મભૂષણથી સન્માનિત પીઢ પાર્શ્વગાયિકા સુમન કલ્યાણપુર સૂરમયી સફર સમેટી અનંતમાં વિલીન
મુંબઈમાં ૮૯ વર્ષની વયે અંતિમ શ્વાસ લેતા સંગીત જગતના સુવર્ણ યુગનો અંત : અવિભાજિત ભારતના ભવાનીપુરમાં જન્મેલા અને ગઝલસમ્રાટ તલત મહેમૂદના પારખુ નજરે બોલિવૂડમાં પ્રવેશેલા કલાકારના નિધનથી દેશભરમાં ઘેરો શોક

મુંબઈ: ભારતીય સંગીત જગત અને હિન્દી-મરાઠી સિનેમા સૃષ્ટિમાંથી અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. પોતાના અદ્ભુત, મધુર અને સુશ્રાાવ્ય અવાજથી સાત દાયકાથી વધુ સમય સુધી કરોડો સંગીતપ્રેમીઓના દિલો પર રાજ કરનારા પીઢ પાર્શ્વગાયિકા સસ્વરૂપ સદગત સુમન કલ્યાણપુરનું વૃદ્ધાવસ્થાના કારણે નિધન થયું છે. મુંબઈમાં આવેલા પોતાના નિવાસસ્થાને ૮૯ વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનના સમાચાર વહેતા થતાં જ આખા કલાજગત અને સંગીત વિશ્વ પર ઘેરા શોકની કાલિમા છવાઈ ગઈ છે અને સંગીતના એક સુવર્ણ યુગનો અંત આવ્યો હોવાની લાગણી વ્યાપી છે. કલા ક્ષેત્રે તેમના અમૂલ્ય અને અજોડ પ્રદાનની કદર કરીને કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૨૩માં તેમને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન પૈકીના એક એવા 'પદ્મભૂષણ' પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.
અવિભાજિત ભારતથી શરૂ થયેલી સૂર સફર:
ગાયિકાનો જન્મ ૨૮ જાન્યુઆરી ૧૯૩૭ના રોજ અવિભાજિત ભારતના (હાલના બાંગ્લાદેશ) ભવાનીપુર ખાતે થયો હતો. તેમનું પિયરનું નામ 'સુમન હેમાડી' હતું અને બાળપણથી જ તેમને સંગીત પ્રત્યે ભારે આકર્ષણ અને ગહન લગાવ હતો. લગ્ન પૂર્વે તેમણે આ જ નામે શરૂઆતના અસંખ્ય ગીતો ગાયા હતા અને ભારે લોકપ્રિયતા મેળવી હતી. પાછળથી રામાનંદ કલ્યાણપુર સાથે લગ્નગ્રંથિથી જોડાયા બાદ તેઓ સુમન કલ્યાણપુર નામે સંગીત સૃષ્ટિમાં વિખ્યાત બન્યા હતા.
ગઝલસમ્રાટ તલત મહેમૂદે દૈવી અવાજ ઓળખ્યો:
તેમના સિનેમા સૃષ્ટિના પ્રવેશની કહાની પણ અત્યંત રસપ્રદ છે. એક જાહેર કાર્યક્રમ દરમિયાન ગીત ગાઈ રહેલા સુમનતાઈનો દૈવી અને મધુર અવાજ પ્રખ્યાત ગઝલસમ્રાટ તલત મહેમૂદે સાંભળ્યો હતો. આ અવાજના જાદુથી પ્રભાવિત થઈને તલત મહેમૂદે તેમને પોતાની એક આગામી ફિલ્મમાં પ્લેબેક સિંગિંગ માટેની ઓફર કરી હતી. આ સુવર્ણ તકને ઝડપી લઈને તેમણે ફિલ્મી પડદે સત્તાવાર પદાર્પણ કર્યું અને ત્યારથી તેમની અવિરત સફળતાની સફર શરૂ થઈ હતી. જ્યારે મરાઠી ભાવગીતોની સફર મહાન કવિ ગ. દિ. માડગુળકર (ગદિમા) ના અજરામર ગીતોથી થઈ હતી. તેમણે પંડિત લક્ષ્મણરાવ અમૃતે પાસેથી શાસ્ત્રીય સંગીતની સઘન તાલીમ લીધી હતી.
અનેક ભાષાઓમાં હજારો ગીતો આપ્યા:
હિન્દી અને મરાઠી ઉપરાંત તેમણે ગુજરાતી અને બંગાળી સહિતની અનેક પ્રાદેશિક ભાષાઓમાં હજારો સદાબહાર ગીતો ગાયા છે. મોહમ્મદ રફી ભાઈ સાથેના તેમના યુગલ ગીતો 'ના તુમ હમેં જાનો' અને 'આજકલ તેરે મેરે પ્યાર કે ચર્ચે' આજે પણ સંગીત રસિકોના હોઠે રમતા લોકપ્રિય ગીતો છે. શરૂઆતના સમયમાં તેમનો અવાજ લતા મંગેશકર સાથે ઘણો મળતો આવતો હોવાથી કેટલાક સંગીતકારો તેમને 'બીજી લતા' તરીકે ઓળખતા હતા, તેમ છતાં તેમણે પોતાની એક આગવી અને મૌલિક ઓળખ પ્રસ્થાપિત કરીને અદભુત ગીતો આપ્યા હતા. તેમના નિધન પર દેશના પ્રમુખ રાજનેતાઓ અને સિનેમા જગતની હસ્તીઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. માતા-પિતા શંકરરાવ હેમાડી અને સીતાબાઈના આશીર્વાદથી સંગીત શીખનારા આ મહાન કલાકાર ભલે આજે આપણી વચ્ચે નથી, પરંતુ તેમનો પવિત્ર અને આત્માને સ્પર્શી જતો અવાજ સંગીતના આકાશમાં હંમેશાં અમર રહેશે.
(8:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
