તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 5th July 2026
ઈરાનમાં આયાતુલ્લા અલી ખમેનીની અંતિમવિધિમાં ભાવુક દ્રશ્યો: ત્રણ પુત્રો હાજર રહ્યા, પરંતુ નવા સર્વોચ્ચ નેતા મુજતબાની ગેરહાજરીએ જગાવ્યા અનેક સવાલો
તેહરાનમાં હજારોની મેદની વચ્ચે યોજાયેલ રાજ્યકક્ષાની અંતિમવિધિમાં ખમેનીના પરિવારના અન્ય સભ્યોના પણ અંતિમ સંસ્કાર: યુદ્ધમાં ઘવાયેલા હોવાની ચર્ચાઓ વચ્ચે નવા ઉત્તરાધિકારીનું જાહેરમાં ન દેખાવું ચર્ચાનો વિષય

તેહરાન:ઈરાનના દિવંગત સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખમેનીના સન્માનમાં આયોજિત સપ્તાહભરના શોક અને અંતિમવિધિના કાર્યક્રમો તેહરાનમાં અત્યંત ભાવુક અને ગંભીર માહોલમાં આગળ વધી રહ્યા છે. ઈમામ ખોમેની ગ્રાન્ડ મોસલ્લા ખાતે આયોજિત પ્રાર્થના સભામાં ઈરાનના ટોચના નેતાઓ અને લાખોની સંખ્યામાં શોકગ્રસ્ત જનમેદની ઉમટી પડી હતી. આ અંતિમવિધિ દરમિયાન દિવંગત નેતાના ત્રણ પુત્રો – મોસ્તફા, મેયસમ અને મસૂદ ખમેની – તેમના પિતાની મૈયત પાસે પ્રાર્થના કરતા જોવા મળ્યા હતા. જોકે, આ સમગ્ર સમારોહમાં સૌથી વધુ ચર્ચાનો વિષય તેમના પુત્ર અને ઈરાનના નવા સર્વોચ્ચ નેતા તરીકે નિયુક્ત થયેલા મુજતબા ખમેનીની ગેરહાજરી રહી છે.
આયાતુલ્લા અલી ખમેનીનું આ વર્ષે ફેબ્રુઆરીના અંતમાં અમેરિકા અને ઈઝરાયેલના સંયુક્ત હવાઈ હુમલામાં નિધન થયું હતું, જેમાં તેમના પરિવારના અન્ય સભ્યો પણ માર્યા ગયા હતા. રવિવારે યોજાયેલી આ પ્રાર્થના સભામાં મસૂદ ખમેની અત્યંત ભાવુક જોવા મળ્યા હતા અને પોતાની આંખો લૂછતા નજરે પડ્યા હતા. રાજ્ય ટીવી પર પ્રસારિત થયેલા દ્રશ્યોમાં ઈરાનના વર્તમાન રાષ્ટ્રપતિ મસૂદ પેઝેસ્કિયન અને સંસદના સ્પીકર મોહમ્મદ બાઘેર ઘાલીબાફ પણ ઉપસ્થિત રહ્યા હતા.
મુજતબા ખમેનીની સતત ગેરહાજરી અંગે રાજકીય વર્તુળોમાં અટકળોનો દોર શરૂ થયો છે. મળતી માહિતી મુજબ, જે હુમલામાં આયાતુલ્લા ખમેનીનું અવસાન થયું હતું, તે જ ઘટનામાં મુજતબા ખમેની ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમના ચહેરા પર ઈજાઓ અને પગમાં ગંભીર ઈજાઓ હોવાથી તેઓ જાહેર કાર્યક્રમોમાં દેખાવાનું ટાળી રહ્યા છે. માર્ચ મહિનામાં સર્વોચ્ચ નેતા તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદથી મુજતબા જાહેરમાં જોવા મળ્યા નથી, જે ઈરાનના રાજકીય માળખામાં તેમની સ્થિતિ અને સ્વાસ્થ્ય અંગે અનેક પ્રશ્નો ઊભા કરી રહ્યા છે.
આ અંતિમવિધિ માત્ર એક ધાર્મિક અને પારિવારિક વિધિ નથી, પરંતુ ઈરાન માટે પોતાની એકતા અને તાકાત પ્રદર્શિત કરવાનો અવસર બની ગઈ છે. આયાતુલ્લા ખમેનીના પાર્થિવ દેહને તેહરાનથી કૌમ, નજફ, કરબલા અને અંતે તેમના વતનમાં મશહદ ખાતે લઈ જવામાં આવશે, જ્યાં તેમને ગુરુવારે રાજ્ય સન્માન સાથે દફનાવવામાં આવશે. આ યાત્રા દરમિયાન ઈરાની શાસન પશ્ચિમી દેશો સામે પોતાના વિરોધ અને ક્રાંતિકારી આદર્શોનો સંદેશ વહેતો કરવા માંગે છે. અત્યારે સમગ્ર ઈરાનમાં આ શોકયાત્રાને કારણે વ્યાપક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે અને લાખો લોકો આ ઐતિહાસિક વિદાય સમારોહમાં જોડાયા છે.
(5:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
