તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 17th May 2026
રાજધાની એક્સપ્રેસની આગ હોનારતમાં બચાવ કામગીરી કરવા દોડેલી ઇમરજન્સી વાન પલટી: પાંચ રેલવે કર્મચારીઓ લોહીલુહાણ
દિલ્હી જતી ટ્રેનના એસી કોચમાં ભયાનક આગ લાગ્યા બાદ રિપેરિંગ મટીરિયલ લઈને હાઇવે પર દોડતી ગાડી આડે પશુ ઉતરતા સર્જાયો ગમખ્વાર અકસ્માત; એક રેલકર્મીની હાલત અત્યંત નાજુક

રતલામ: મધ્યપ્રદેશના માર્ગો પર રવિવારના વહેલી સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. દિલ્હી જતી હાઇપ્રોફાઇલ રાજધાની એક્સપ્રેસ ટ્રેનના એસી કોચમાં અચાનક આગ ભભૂકી ઉઠ્યા બાદ ઘટનાસ્થળે યુદ્ધના ધોરણે રાહત અને સમારકામની સામગ્રી પહોંચાડવા જઈ રહેલી રેલવે પ્રશાસનની એક ઇમરજન્સી વાન રસ્તામાં જ પલટી મારી ગઈ હતી. આ ભયાનક માર્ગ અકસ્માતમાં વાનમાં સવાર પાંચ રેલવે કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલો મળી રહ્યા છે.
આ સમગ્ર ઘટનાક્રમની વિગત એવી છે કે કોટા રેલવે ડિવિઝન હેઠળ આવતા વિક્રમગઢ અલોટ અને લુનિરિછા સ્ટેશનો વચ્ચેથી પસાર થઈ રહેલી તિરુવનંતપુરમ-હઝરત નિઝામુદ્દીન રાજધાની એક્સપ્રેસના વાતાનુકૂલિત કોચમાં સવારના આશરે સવા પાંચ વાગ્યે અચાનક આગ ફાટી નીકળી હતી. ટ્રેનમાં આગ લાગવાના કારણે મુંબઈ અને દિલ્હીને જોડતા વ્યસ્ત રેલવે ટ્રેક પર દોડતી અનેક ટ્રેનોની અવરજવર થંભી ગઈ હતી અને રેલવે વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો.
ટ્રેક અને ઓવરહેડ ઇલેક્ટ્રિક લાઇનને થયેલા નુકસાનને તાકીદે રીપેર કરવા માટે શ્યામનગરથી જરૂરી ટેકનિકલ સાધનો અને સામગ્રી ભરીને એક વાન અલોટ તરફ પૂરપાટ ઝડપે રવાના કરવામાં આવી હતી. જોકે, આ બચાવ વાન હજુ રસ્તામાં જ હતી તે દરમિયાન અચાનક એક ગાય રસ્તાની મધ્યમાં આવી ગઈ હતી. રસ્તા પર રખડતા પશુને બચાવવાના ચક્કરમાં ચાલકે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને વાન પલટી ખાતાં ચીસાચીસ મચી ગઈ હતી.
પશ્ચિમ મધ્ય રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી હર્ષિત શ્રીવાસ્તવે અકસ્માતની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, વાન પલટી જતાં તેમાં સવાર પાંચ ટેકનિકલ કર્મચારીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માત એટલો આકરો હતો કે એક કર્મચારીને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેની સ્થિતિ અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. તમામ ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે પડોશી રાજ્ય રાજસ્થાનના કોટા ખાતેની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
રેલવેના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાં લાગેલી આગને કારણે સદનસીબે કોઈ મુસાફરને જાનહાનિ થઈ નથી અને તમામ પ્રવાસીઓ સુરક્ષિત છે. પરંતુ ટ્રેનની આગ ઓલવ્યા બાદ ટ્રેક પુનઃ કાર્યરત કરવા દોડેલી રેલવેની આંતરિક ઇમરજન્સી ટીમ જ અકસ્માતનો ભોગ બનતા રેલવે તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે અને હાલ આ રૂટને પૂર્વવત કરવાના પ્રયાસો હાથ ધરાયા છે.
(3:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
