તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 11th October 2026
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં કટોકટી જાહેર: ઇમરાન ખાનની પીટીઆઈ સરકાર બરતરફ કરાઈ
વધતા આતંકવાદી હુમલા અને બંધારણીય તંત્ર નિષ્ફળ જતાં રાષ્ટ્રપતિ ઝરદારીનો નિર્ણય, રાજ્યપાલ વહીવટી નિયંત્રણ સંભાળશે

ઇસ્લામાબાદ: પાકિસ્તાનના રાજકારણમાં મોટો ભૂકંપ આવ્યો છે, જ્યાં રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ રવિવારે ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં કટોકટીની ઘોષણા કરી દીધી છે. કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિ તથા સતત વધી રહેલા આતંકવાદી હુમલાઓને ધ્યાનમાં રાખીને જેલમાં બંધ ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તેહરીક-એ-ઈન્સાફ (PTI) ના નેતૃત્વ હેઠળની પ્રાંતીય સરકારને બરતરફ કરવાનો મોટો આદેશ આપવામાં આવ્યો છે.
રાષ્ટ્રપતિ ઝરદારીએ પાકિસ્તાનના બંધારણની કલમ 232(1) અને 234(1) હેઠળ આ કટોકટી અંગેનું સત્તાવાર નોટિફિકેશન જારી કર્યું છે. આ આદેશ અમલમાં આવતાની સાથે જ ખૈબર પખ્તુનખ્વાના મુખ્યમંત્રી, તમામ પ્રાંતીય મંત્રીઓ, સલાહકારો, ખાસ સહાયકો અને એડવોકેટ જનરલને તાત્કાલિક અસરથી પોતાના પદ ખાલી કરવા માટે આદેશ આપી દેવાયો છે.
આ આદેશ મુજબ ખૈબર પખ્તુનખ્વા વિધાનસભાની તમામ સત્તાઓનો ઉપયોગ હવે પાકિસ્તાનની સંસદ અથવા તેના દ્વારા અધિકૃત ગૌણ સત્તા દ્વારા કરવામાં આવશે. આ ઉપરાંત, કેન્દ્ર સરકારે રાજ્યપાલને પ્રાંતનો સંપૂર્ણ વહીવટી નિયંત્રણ પોતાના હાથમાં લેવા માટે જરૂરી નિર્દેશ આપ્યા છે. રાષ્ટ્રપતિની ઘોષણામાં સ્પષ્ટ કરાયું છે કે પ્રાંતમાં બંધારણીય તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે અને આતંકવાદી ઘટનાઓની વધતી જતી તીવ્રતા સામાન્ય નાગરિકોના જીવન અને સંપત્તિ માટે ગંભીર ખતરો બની ગઈ છે.
કેન્દ્ર સરકારના આ આક્રમક પગલા બાદ સમગ્ર ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં સુરક્ષા દળો તૈનાત કરી દેવામાં આવ્યા છે. પીટીઆઈ સમર્થકો અને ઈમરાન ખાનના ચાહકો તરફથી આ નિર્ણય સામે ભારે રાજકીય વિરોધ થાય તેવી આશંકા વચ્ચે પાકિસ્તાન સરકાર અને સૈન્ય પ્રશાસન સ્થિતિ પર ઝીણવટભરી નજર રાખી રહ્યા છે, ત્યારે આગામી દિવસોમાં પાકિસ્તાનના આંતરિક રાજકારણમાં મોટો વિસ્ફોટ થવાની સંભાવના સેવાઈ રહી છે.
(3:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
