તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 22nd June 2026
એલોન મસ્કના પ્લેટફોર્મ X પર ‘બ્લેકઆઉટ’: વૈશ્વિક સ્તરે સર્વર ઠપ્પ થતાં વિશ્વભરના લાખો યુઝર્સ મુશ્કેલીમાં મુકાયા
અમેરિકા, બ્રિટન અને ભારત સહિત દુનિયાભરના હજારો યુઝર્સના ફીડ્સ, પોસ્ટ્સ અને હોમપેજ સંપૂર્ણપણે લોડ થતા બંધ : વેબ તેમજ મોબાઈલ એપ્લિકેશન બંને ખોરવાઈ ગયા છે.

નવી દિલ્હી: સોશિયલ મીડિયાના બેતાજ બાદશાહ ગણાતા એલોન મસ્કના પ્લેટફોર્મ X પર \એકાએક મોટો આફતનો પહાડ તૂટી પડ્યો હોય તેમ વૈશ્વિક આઉટેજ (સર્વર ડાઉન) ની ઘટના સામે આવી છે. વિશ્વભરના હજારો યુઝર્સ જેવી જ એપ્લિકેશન ઓપન કરે છે, કે તરત જ તેમની સ્ક્રીન પર 'આ પૃષ્ઠ ડાઉન છે' અથવા 'પેજ નોટ ફાઉન્ડ' નો સંદેશો આવી જાય છે. વેબ બ્રાઉઝર અને મોબાઈલ એપ બંને પર યુઝર્સ માત્ર હોમપેજની ફ્રેમ કે લોગો જ જોઈ શકે છે, પરંતુ નવો કોઈ પણ ડેટા કે ટ્રેન્ડિંગ ટોપિક્સ લોડ થઈ રહ્યા નથી. આ અચાનક સર્જાયેલી સ્તબ્ધતાને કારણે માત્ર મનોરંજન મેળવતા યુઝર્સ જ નહીં, પરંતુ પ્લેટફોર્મ પર નિર્ભર રહેતા લોકો ભારે મૂંઝવણમાં મુકાયા છે.
ઇન્ટરનેટ અને વેબસાઇટ્સના લાઈવ સ્ટેટસ પર નજર રાખતી વૈશ્વિક સંસ્થા 'ડાઉનડિટેક્ટર' (DownDetector) ના અહેવાલો અનુસાર, આ ખામી સર્જાયાની ગણતરીની મિનિટોમાં જ વૈશ્વિક સ્તરે 25,000 થી વધુ યુઝર્સે સત્તાવાર રીતે આઉટેજની ફરિયાદ નોંધી છે. ભારતમાં પણ હજારો યુઝર્સે આ સમસ્યા અંગે રિપોર્ટ કર્યો છે. વારંવાર પેજ રિફ્રેશ કરવા છતાં જૂની પોસ્ટ્સ જ દેખાય છે અને નવી કોઈ પણ પોસ્ટ, કમેન્ટ કે લાઈક્સ પ્રોસેસ થઈ શકતી નથી. પ્રાથમિક અહેવાલો સૂચવે છે કે આ સમસ્યા ક્લાઉડફ્લેર ને લગતી કોઈ વ્યાપક નેટવર્ક ખામીને કારણે હોઈ શકે છે, જેના કારણે X ના આખા સર્વર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર અણધારી બ્રેક વાગી ગઈ છે.
આ ડિજિટલ બ્લેકઆઉટની સૌથી માઠી અસર પત્રકારો, કન્ટેન્ટ ક્રિએટર્સ અને બિઝનેસ એકાઉન્ટ્સ ચલાવતી કંપનીઓ પર પડી છે, જેમના માટે પળેપળની માહિતી મેળવવી કે શેર કરવી અનિવાર્ય હોય છે. એલોન મસ્ક દ્વારા પ્લેટફોર્મ સંભાળ્યા પછી અગાઉ પણ આવા નાના-મોટા આઉટેજ જોવા મળ્યા છે, પરંતુ આ વખતની ટેકનિકલ ખામી ઘણી વ્યાપક અને ગંભીર જણાઈ રહી છે. જો કે, કંપની તરફથી આ આઉટેજના ચોક્કસ ટેકનિકલ કારણ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી, પરંતુ એન્જિનિયરોની ટીમ સિસ્ટમને પુનઃસ્થાપિત કરવા યુદ્ધના ધોરણે કામ કરી રહી હોવાના અહેવાલ છે.
(10:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
