News of Friday, 8th May 2026
એલોન મસ્કની 'DOGE' સમિતિને અમેરિકી કોર્ટની જોરદાર લપડાક: સેંકડો માનવતાવાદી ગ્રાન્ટ્સ રદ કરવાનો નિર્ણય ગેરબંધારણીય અને 'ભેદભાવપૂર્ણ' જાહેર
ChatGPT ના સહારે લીધેલા નિર્ણયો માન્ય નથી: કોર્ટે કહ્યું- 'સરકાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો બચાવ કરીને પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં'

વોશિંગ્ટન: તા.૦૮ અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર અને અબજોપતિ એલોન મસ્કની આગેવાની હેઠળની 'ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ એફિશિયન્સી' (DOGE) ને કાનૂની મોરચે મોટો પરાજય મળ્યો છે. એક ફેડરલ જજે ચુકાદો આપ્યો છે કે ગત વર્ષે વહીવટીતંત્ર દ્વારા સેંકડો હ્યુમેનિટીઝ ગ્રાન્ટ્સ (માનવતાવાદી અનુદાન) રદ કરવાનો નિર્ણય માત્ર ગેરબંધારણીય જ નથી, પરંતુ તે સ્પષ્ટપણે 'ભેદભાવપૂર્ણ' છે.
ગત એપ્રિલમાં ટ્રમ્પ વહીવટીતંત્રએ ખર્ચમાં કાપ મૂકવાના બહાને ૧,૪૦૦ થી વધુ ગ્રાન્ટ્સ અટકાવી દીધી હતી, જેની કુલ કિંમત આશરે $૧૦૦ મિલિયન (આશરે ₹૮૪૦ કરોડ) હતી. આ ગ્રાન્ટ્સ વિદ્વાનો, લેખકો અને સંશોધન સંસ્થાઓને ફાળવવામાં આવી હતી. યુએસ ડિસ્ટ્રિક્ટ જજ કોલીન મેકમોહને આ નિર્ણયની આકરી ટીકા કરતા જણાવ્યું હતું કે સરકારે લઘુમતી જૂથો, વંશીય સમુદાયો અને ધાર્મિક વિષયોને નિશાન બનાવીને અભિવ્યક્તિની સ્વતંત્રતા (First Amendment) નું ઉલ્લંઘન કર્યું છે.
ચુકાદામાં સૌથી ચોંકાવનારી વિગત એ સામે આવી છે કે DOGE ના સ્ટાફે કઈ ગ્રાન્ટ રદ કરવી અને તેની પાછળનું તર્ક શું આપવું, તે નક્કી કરવા માટે AI ટૂલ 'ChatGPT' નો ઉપયોગ કર્યો હતો. ન્યાયાધીશે આ બાબતે કડક વલણ અપનાવતા કહ્યું કે, "સરકાર ChatGPT ને બલિનો બકરો બનાવીને પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં." ગ્રાન્ટ રદ કરવા માટે જે માપદંડો વપરાયા હતા તેમાં જાતિ, લિંગ, ધર્મ અને ઇમિગ્રેશન સ્ટેટસ જેવા ભેદભાવપૂર્ણ મુદ્દાઓ સામેલ હતા.
ટ્રમ્પ વહીવટીતંત્રનો દાવો હતો કે આ સંસ્થાઓ 'એન્ટી-અમેરિકન' મૂલ્યોને પ્રોત્સાહન આપે છે, પરંતુ કોર્ટે સ્પષ્ટ કર્યું કે DOGE પાસે કાયદેસર રીતે ગ્રાન્ટ રદ કરવાની કોઈ સત્તા નહોતી. માનવ અધિકાર કાર્યકર્તાઓએ આ ચુકાદાને આવકારતા કહ્યું છે કે આનાથી શિક્ષણ અને કલા ક્ષેત્રે દાયકાઓથી થયેલી પ્રગતિને નષ્ટ થતી અટકાવી શકાશે. એલોન મસ્કની ખર્ચ કાપવાની આક્રમક નીતિ માટે આ ચુકાદો એક મોટો આંચકો માનવામાં આવે છે.
(4:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
