<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th April 2026

દક્ષિણ આફ્રિકામાં સ્ટારલિંક પર પ્રતિબંધને લઈ એલોન મસ્કનો પ્રહાર : માલિકી હક માટેના ‘વંશીય’ કાયદાઓને ગણાવ્યા અત્યાચારી

હું શ્વેત હોવાથી મંજૂરી અપાતી નથી, આ ખુલ્લેઆમ ભેદભાવ છે : મસ્કના ગંભીર આક્ષેપો સામે દક્ષિણ આફ્રિકા સરકારનો વળતો જવાબ - સ્થાનિક નીતિઓનું પાલન કરવું તમામ વિદેશી કંપનીઓ માટે ફરજિયાત

જોહાનિસબર્ગ: વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ અને ટેક ઉદ્યોગપતિ એલોન મસ્કે દક્ષિણ આફ્રિકાની સરકાર પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે તેમના વતનમાં જ તેમની કંપની સ્ટારલિંકને મંજૂરી આપવામાં આવતી નથી કારણ કે તેઓ અશ્વેત નથી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર શ્રેણીબદ્ધ પોસ્ટ્સમાં મસ્કે દક્ષિણ આફ્રિકાના માલિકી હકના કાયદાઓને "ખુલ્લેઆમ વંશીય" અને "દુષ્ટ" ગણાવ્યા છે. આ વિવાદને કારણે વૈશ્વિક સ્તરે દક્ષિણ આફ્રિકાની આર્થિક નીતિઓ ફરી ચર્ચામાં આવી છે.
શું છે વિવાદનું મુખ્ય કારણ?
દક્ષિણ આફ્રિકામાં ૧૯૯૪માં રંગભેદના અંત પછી ઐતિહાસિક અસમાનતાઓને દૂર કરવા માટે 'બ્રોડ-બેઝ્ડ બ્લેક ઇકોનોમિક એમ્પાવરમેન્ટ' (B-BBEE) પોલિસી અમલમાં મૂકવામાં આવી છે. આ કાયદા હેઠળ ટેલિકોમ્યુનિકેશન જેવા ક્ષેત્રોમાં કાર્યરત વિદેશી કંપનીઓએ લાયસન્સ મેળવવા માટે ઓછામાં ઓછી ૩૦ ટકા હિસ્સેદારી અશ્વેત દક્ષિણ આફ્રિકન નાગરિકોને આપવી ફરજિયાત છે. મસ્કનો દાવો છે કે સ્ટારલિંકને આ શરતને કારણે જ અટકાવવામાં આવી રહી છે.
મસ્કના આક્ષેપો અને સરકારનો બચાવ:
એલોન મસ્કે આક્ષેપ કર્યો છે કે સત્તાવાર મંજૂરી માટે તેમને કોઈ અશ્વેત કાર્યકારીને નામમાત્ર હોદ્દો આપવાની અથવા "લાંચ" આપવાની સૂચના અપાઈ હતી, જેનો તેમણે સખત ઈનકાર કર્યો છે. મસ્કે ઉમેર્યું કે, "મારો જન્મ પ્રિટોરિયામાં થયો હોવા છતાં મને મંજૂરી નથી મળતી કારણ કે હું શ્વેત છું." બીજી તરફ, દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિના પ્રવક્તા વિન્સેન્ટ મેગવેન્યાએ સ્પષ્ટ કર્યું છે કે દેશ કોઈ એક કંપની માટે પોતાના નિયમનકારી માળખામાં ફેરફાર કરશે નહીં. તેમણે મસ્કને ટોણો મારતા કહ્યું કે વિશ્વમાં ૧૯૩ દેશો છે, જો અહીં ફાવતું ન હોય તો અન્ય બજારોમાં જઈ શકે છે.
સ્ટારલિંકનો પ્રસ્તાવ અને રાજકીય વિભાજન:
સ્ટારલિંકે હજુ સુધી લાયસન્સ માટે સત્તાવાર અરજી કરી નથી, પરંતુ કંપની કાયદામાં છૂટછાટ મેળવવા લોબિંગ કરી રહી છે. ડિસેમ્બર ૨૦૨૫માં કોમ્યુનિકેશન મિનિસ્ટર સોલી માલાત્સીએ ઇક્વિટી ટ્રાન્સફરના બદલે સામાજિક રોકાણનો વિકલ્પ આપવાની દરખાસ્ત કરી હતી. સ્ટારલિંકે જણાવ્યું છે કે જો મંજૂરી મળે તો તેઓ ૫,૦૦૦ ગ્રામીણ શાળાઓને હાઈ-સ્પીડ ઈન્ટરનેટથી જોડવા માટે ૫૦ કરોડ રેન્ડનું રોકાણ કરશે. જોકે, આફ્રિકન નેશનલ કોંગ્રેસ (ANC) ના નેતાઓ આ છૂટછાટનો વિરોધ કરી રહ્યા છે અને તેને કાયદાનું ઉલ્લંઘન ગણાવી રહ્યા છે.
દક્ષિણ આફ્રિકાના વિદેશ વિભાગના જણાવ્યા મુજબ, ૬૦૦થી વધુ અમેરિકી કંપનીઓ સ્થાનિક કાયદાનું પાલન કરીને સફળતાપૂર્વક વેપાર કરી રહી છે. રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાએ પણ એમ્પાવરમેન્ટ પોલિસીનો બચાવ કરતા તેને નાબૂદ કરવાની માંગને અવાસ્તવિક ગણાવી છે. મસ્ક અને દક્ષિણ આફ્રિકા સરકાર વચ્ચેનો આ ગજગ્રાહ હવે આંતરરાષ્ટ્રીય રાજદ્વારી સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે.

(12:23 AM IST)