તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 16th June 2026
એલોન મસ્ક સ્વિટ્ઝર્લેન્ડ કરતાં પણ વધુ અમીર બન્યા
મસ્કની કુલ સંપત્તિ ડોલર ૧.૨૭ ટ્રિલિયન થઈ : એક જ દિવસમાં અદાણીની કુલ મિલ્કત કરતાં વધુ સંપત્તિ એકઠી કરી

ન્યૂયોર્ક તા.૧૬: એલોન મસ્ક પર ડોલરનો વરસાદ સતત ચાલુ છે. સોમવારે, તેમની કુલ સંપત્તિ ડોલર ૧૬૪ બિલિયન વધીને તેઓ સ્વિટ્ઝર્લેન્ડ કરતાં પણ વધુ અમીર બન્યા. મસ્કની કુલ સંપત્તિ ડોલર ૧.૨૭ ટ્રિલિયન થઈ ગઈ છે. IMF દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આંકડા મુજબ, સ્વિટ્ઝર્લેન્ડનો GDP ડોલર ૧.૧૫ ટ્રિલિયન છે. વધુમાં, મસ્ક હવે પોલેન્ડ કરતાં પણ વધુ અમીર છે, પોલેન્ડનો GDP ડોલર ૧.૩૩ ટ્રિલિયન છે.
સંપત્તિની દ્રષ્ટિએ, મસ્ક પહેલાથી જ તાઇવાન (ડોલર ૯૭૬.૭૨ બિલિયન), આયર્લેન્ડ (ડોલર ૭૭૯.૩૮ બિલિયન), બેલ્જિયમ (ડોલર ૭૭૬.૭૩ બિલિયન), સ્વીડન (ડોલર ૭૬૦.૪૮ બિલિયન), ઇઝરાયલ (ડોલર૭૧૯.૮૫ બિલિયન) અને આર્જેન્ટિના (ડોલર ૬૮૮.૩૮ બિલિયન) જેવા દેશોને પાછળ છોડી ચૂક્યા છે.
એલોન મસ્કની નેટવર્થ હાલમાં ડોલર ૧.૨૭ ટ્રિલિયન છે. હાલમાં ઓગણીસ દેશો આ આંકડાને વટાવી ગયા છે. સાઉદી અરેબિયાનો GDP ડોલર ૧.૩૯ ટ્રિલિયન છે. ત્યારબાદ નેધરલેન્ડ, ઇન્ડોનેશિયા, તુર્કી, કોરિયા, સ્પેન, મેક્સિકો, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, રશિયા, ઇટાલી, ફ્રાન્સ, ભારત, યુકે, જાપાન, જર્મની, ચીન અને યુનાઇટેડ સ્ટેટ્સ છે.
સોમવારે મસ્કની સંપત્તિમાં વધારો એશિયાના સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીની જીવનકાળની કમાણી કરતા વધુ છે. બ્લૂમબર્ગના મતે, અદાણીની કુલ સંપત્તિ ડોલર ૧૧૫ બિલિયન છે, જ્યારે મસ્કની સંપત્તિમાં એક જ દિવસમાં ડોલર ૧૬૪ બિલિયનનો વધારો થયો છે.
SpaceX IPO પછી શેરમાં ફરી ઉછાળો, બજાર મૂલ્ય ડોલર ૨ ટ્રિલિયનને પાર કરી ગયું
વિશ્વની સૌથી લોકપ્રિય ટેક અને સ્પેસ કંપની SpaceX ના શેરમાં સોમવારે પ્રી-માર્કેટ ટ્રેડિગમાં તીવ્ર વધારો જોવા મળ્યો. કંપનીના શેર લગભગ ૭.૭% વધીને ડોલર ૧૭૩.૩૦ થયા. અગાઉ, શુક્રવારે તેના ઐતિહાસિક IPO પછી શેર ૧૯% ઉછળ્યા હતા.
આ ઉછાળા સાથે, SpaceX ની માર્કેટ કેપ ઼૨ ટ્રિલિયનને વટાવી ગઈ છે, જે તેને વિશ્વની સૌથી મૂલ્યવાન જાહેર કંપનીઓમાંની એક બનાવે છે. મસ્ક SpaceX ના આશરે ૪.૭૬ બિલિયન શેર ધરાવે છે. કંપનીના નવા મૂલ્યાંકનથી તેમની સંપત્તિમાં વધારો થયો છે.
મસ્ક ઇલેક્ટ્રિક કાર નિર્માતા ટેસ્લાના CEO છે અને કંપનીમાં આશરે ૧૧% હિસ્સો ધરાવે છે. જોકે SpaceX હવે તેમની સૌથી મોટી સંપત્તિ છે, ટેસ્લાના શેરની મજબૂતાઈ પણ તેમની સંપત્તિ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. સોમવારે ટેસ્લાના શેરમાં પણ ૧.૧૬ ટકાનો ઉછાળો આવ્યો, જેનાથી એલોન મસ્કની સંપત્તિમાં વધારો થયો.(૩૮.૮)
(9:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
