તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
News of Friday, 2nd October 2026
સપ્ટેમ્બરમાં અસહ્ય બફારાથી વીજળીનો વપરાશ ભડકે બળ્યો: ૧૧ ટકાના ઉછાળા સાથે વપરાશ ૧૬૨ અબજ યુનિટને પાર!
ગરમી અને ભેજવાળા હવામાનને કારણે AC તેમજ કૂલિંગ ઉપકરણોનો ધૂમ વપરાશ: પીક પાવર ડિમાન્ડ પણ ૨૬૯ ગિગા વોટે પહોંચી, ઓક્ટોબરમાં તહેવારોને પગલે વીજમાગ વધુ વધવાની શક્યતા

નવી દિલ્હી : ગત સપ્ટેમ્બર મહિનામાં સમગ્ર દેશમાં વાતાવરણમાં ભેજ અને અસહ્ય બફારાનું પ્રમાણ ખૂબ જ ઊંચું રહેતાં વીજળીની માગમાં સનસનાટીભર્યો ઉછાળો જોવા મળ્યો છે. એર કન્ડિશનર (AC) સહિતના કૂલિંગ એપ્લાયન્સીસના બહોળા વપરાશને કારણે સપ્ટેમ્બર ૨૦૨૫ ના ૧૪૫.૬૬ અબજ યુનિટની સરખામણીએ આ વર્ષે વીજ વપરાશ ૧૧.૩૫ ટકા વધીને ૧૬૨.૧૯ અબજ યુનિટની વિક્રમી સપાટીએ પહોંચી ગયો છે.
ભેજવાળા હવામાને વધારી કૂલિંગ સાધનોની માગ
ઊર્જા ક્ષેત્રના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, સપ્ટેમ્બરના પ્રારંભિક અઠવાડિયામાં વાસ્તવિક તાપમાન કરતાં ભેજને કારણે અનુભવાતી ગરમીનું પ્રમાણ ઘણું વધારે હતું. આ ભેજવાળા હવામાનથી બચવા લોકોએ AC અને કૂલર્સનો ઉપયોગ મોટા પાયે ચાલુ રાખ્યો હતો, જેના પરિણામે વીજળીની માગમાં આકસ્મિક વધારો થયો હતો. જોકે, સપ્ટેમ્બરના બીજા પખવાડિયામાં વાતાવરણમાં થોડીક રાહત મળતાં વીજમાગમાં આંશિક ઘટાડો નોંધાયો હતો.
પીક પાવર ડિમાન્ડ ૨૬૯ ગિગા વોટને આંબી ગઈ
ગત સપ્ટેમ્બર મહિનામાં દેશની સર્વોચ્ચ વીજ માગ (પીક પાવર ડિમાન્ડ) સપ્ટેમ્બર ૨૦૨૫ ના ૨૨૯.૧૫ ગિગા વોટ સામે વધીને ૨૬૯.૦૬ ગિગા વોટની ઊંચી સપાટીએ નોંધાઈ હતી. જોકે, આ આંકડો ચાલુ વર્ષના મે મહિનામાં નોંધાયેલી ૨૭૦.૮૨ ગિગા વોટની આલ ટાઈમ હાઈ રેકોર્ડ માગ કરતાં સહેજ ઓછો રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે, પાવર મંત્રાલયે ૨૦૨૬ ના ઉનાળા માટે ૨૭૦ ગિગા વોટની પીક પાવર માગનો અંદાજ મૂક્યો હતો, જેની ખૂબ નજીક આ આંકડો પહોંચી ગયો છે.
ઓક્ટોબરમાં તહેવારો અને ગરમીને કારણે વધુ માગનો અંદાજ
હવામાન વિભાગ (IMD) ના પૂર્વાનુમાન મુજબ, ઓક્ટોબર મહિનામાં દેશમાં વરસાદ સાધારણ કરતાં ઓછો રહેવાની અને મહત્તમ તથા લઘુતમ તાપમાન સામાન્ય કરતાં ઊંચું રહેવાની સંભાવના છે. બીજી તરફ, ઓક્ટોબરમાં નવરાત્રી અને દિવાળી જેવા મુખ્ય તહેવારો આવી રહ્યા હોવાથી ઔદ્યોગિક તેમજ વાણિજ્યિક (Commercial) પ્રવૃત્તિઓ પૂર્ણ ધમધમાટ સાથે ચાલશે. તાપમાન ઊંચું રહેવાની સાથે તહેવારોની રોશની અને ઉદ્યોગોના ધમધમાટને કારણે ઓક્ટોબરમાં પણ વીજળીની માગ મક્કમ ધોરણે ઊંચી રહેવાનો આશાવાદ વર્તાઈ રહ્યો છે.
(8:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
