News of Friday, 24th April 2026
હિમાચલમાં ચૂંટણીનો શંખનાદ: 4 મ્યુનિસિપલ કોર્પોરેશન કબજે કરવા CM સુખુએ કસી કમર; મંત્રીઓ અને ધારાસભ્યોને સોંપાઈ મહત્વની જવાબદારી
મંડી, સોલન, પાલમપુર અને ધર્મશાલામાં કોંગ્રેસની પ્રતિષ્ઠા દાવ પર; 2027 ની વિધાનસભા ચૂંટણી પૂર્વેની ‘સેમીફાઈનલ’ માટે રણનીતિ તૈયાર; મુખ્યમંત્રીની પત્ની કમલેશ ઠાકુરને પણ મેદાને ઉતાર્યા

શિમલા : હિમાચલ પ્રદેશમાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે. રાજ્યની ચાર મહત્વની મ્યુનિસિપલ કોર્પોરેશન - મંડી, પાલમપુર, ધર્મશાલા અને સોલનની ચૂંટણીઓ માટે કોંગ્રેસે પોતાનો માસ્ટર પ્લાન તૈયાર કરી લીધો છે. શુક્રવારે પાર્ટી દ્વારા હાઈ-પ્રોફાઈલ ચૂંટણી સમિતિઓની રચના કરવામાં આવી છે, જેમાં મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુથી લઈને નાયબ મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રીઓને સીધી જવાબદારી સોંપવામાં આવી છે. આ ચૂંટણીઓને ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીની દિશા નક્કી કરનારી ‘લિટમસ ટેસ્ટ’ માનવામાં આવે છે.
સોલનમાં દિગ્ગજોની ફોજ: બિંદલના ગઢમાં ગાબડું પાડવા તૈયારી
સોલન મ્યુનિસિપલ કોર્પોરેશન માટે કોંગ્રેસે સૌથી શક્તિશાળી સમિતિ બનાવી છે. આ વિસ્તાર ભાજપના પ્રદેશ પ્રમુખ ડૉ. રાજીવ બિંદલનો ગૃહ મતવિસ્તાર હોવાથી કોંગ્રેસે અહીં મુખ્યમંત્રી સુખુ, નાયબ મુખ્યમંત્રી મુકેશ અગ્નિહોત્રી અને ચાર મંત્રીઓ સહિત પાંચ ધારાસભ્યોની આખી ફોજ ઉતારી દીધી છે. ભાજપના આ મજબૂત ગઢને તોડવા માટે કોંગ્રેસે પોતાની તમામ તાકાત લગાવી દીધી છે.
ધર્મશાલા અને મંડીમાં પ્રતિષ્ઠાનો જંગ
ધર્મશાલામાં ચૂંટણી અત્યંત રસપ્રદ બની રહેશે, કારણ કે કોંગ્રેસમાંથી બળવો કરીને ભાજપમાં ગયેલા સુધીર શર્માએ તાજેતરમાં જ પેટાચૂંટણી જીતી છે. આ હારનો બદલો લેવા કોંગ્રેસે પ્રવાસન નિગમના અધ્યક્ષ આર.એસ. બાલી અને કૃષિ મંત્રી ચંદ્ર કુમારને મેદાને ઉતાર્યા છે. બીજી તરફ, મંડીમાં પૂર્વ મંત્રી કૌલ સિંહ ઠાકુર, જેઓ અવારનવાર પોતાની જ સરકારની કામગીરી પર સવાલ ઉઠાવતા રહ્યા છે, તેમને પણ સમિતિમાં સામેલ કરીને જૂથવાદ ખાળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
પાલમપુરમાં CM ના પત્નીને કમાન્ડ
પાલમપુર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસે એક મોટું પગલું ભર્યું છે. આ સમિતિમાં મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુના પત્ની કમલેશ ઠાકુરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. અહીં ટેકનિકલ શિક્ષણ મંત્રી રાજેશ ધર્માણી અને રમતગમત મંત્રી યાદવિંદર ગોમાને ચૂંટણી વ્યૂહરચનાના અમલીકરણની જવાબદારી સોંપાઈ છે.
ઉમેદવારોની પસંદગીમાં પારદર્શિતાનો દાવો
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ વિનય કુમારના જણાવ્યા અનુસાર, આ સમિતિઓનો મુખ્ય હેતુ સંગઠનને મજબૂત બનાવવાનો અને પારદર્શક રીતે લોકપ્રિય ઉમેદવારોની પસંદગી કરવાનો છે. મંત્રીઓ અને ધારાસભ્યોને પોતપોતાના વિસ્તારોમાં પ્રચાર અને રણનીતિ તૈયાર કરવા માટે અત્યારથી જ કામે લગાડી દેવામાં આવ્યા છે.
(8:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
