તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 30th June 2026
ચૂંટણી પંચનું મહાઅભિયાન: ૫ રાજ્યોમાં ૨૪ વર્ષ બાદ મતદાર યાદી સુધારણાનો ઐતિહાસિક પ્રારંભ : દિલ્હી, મહારાષ્ટ્ર અને કર્ણાટક સહિત લાખો મતદારોની થશે ઘરે-ઘરે ચકાસણી
આગામી ૨૯ જુલાઈ સુધી આ અભિયાન ચાલશે : મુખ્ય હેતુ મતદાર યાદીમાંથી બોગસ કે અયોગ્ય નામો હટાવીને તેને એકદમ સચોટ અને પારદર્શક બનાવવાનો

નવી દિલ્હી: ચૂંટણી પંચ દ્વારા આજથી દેશના પાંચ મહત્વના રાજ્યો – દિલ્હી, મહારાષ્ટ્ર, કર્ણાટક, મેઘાલય અને ઝારખંડમાં "સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન" (SIR) એટલે કે ખાસ સઘન મતદાર યાદી પુનરાવર્તન કાર્યક્રમ શરૂ કરી દેવામાં આવ્યો છે. આ ડિજિટલ યુગમાં પણ લોકશાહીના પાયાને મજબૂત કરવા માટે બૂથ લેવલ ઓફિસર્સ (BLOs) આગામી ૨૯ જુલાઈ સુધી તમારા ઘરે રૂબરૂ મુલાકાત લેશે. આ અભિયાનનો મુખ્ય હેતુ મતદાર યાદીમાંથી બોગસ કે અયોગ્ય નામો હટાવીને તેને એકદમ સચોટ અને પારદર્શક બનાવવાનો છે.
આ પ્રક્રિયા દરમિયાન નાગરિકોએ કેટલીક મહત્વની બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. જ્યારે પણ BLO તમારા ઘરે આવે, ત્યારે ગણતરી ફોર્મ ભરીને તેની એક નકલ તેમને પરત સોંપવી અને તેની સ્વીકૃતિ (પોંચ) મેળવવી અનિવાર્ય છે. જો તમારું ઘર બંધ હશે તો ચિંતા કરવાની જરૂર નથી, અધિકારીઓ ફોર્મ ત્યાં જ મુકી જશે અને ફોર્મ કલેક્ટ કરવા માટે ઓછામાં ઓછા ત્રણ વખત ચક્કર લગાવશે. સૌથી રાહતની વાત એ છે કે દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીની સ્પષ્ટતા મુજબ, આ ફોર્મ સબમિટ કરતી વખતે હાલ કોઈ વધારાના દસ્તાવેજો આપવાની જરૂર નથી. વિગતો ઓનલાઈન પણ ચકાસી શકાશે.
આ મેગા ડ્રાઈવ બાદ, ૫ ઓગસ્ટના રોજ વચગાળાની (ડ્રાફ્ટ) મતદાર યાદી જાહેર કરવામાં આવશે. જો તેમાં કોઈ ક્ષતિ કે નામની ભૂલ જણાય, તો નાગરિકોને ૪ સપ્ટેમ્બર સુધી વાંધા-અરજી દાખલ કરવાનો સમય આપવામાં આવશે. તમામ સ્તરે ચકાસણી પૂર્ણ થયા બાદ, આ પાંચેય રાજ્યોની આખરી અને સુધારેલી અંતિમ મતદાર યાદી ૭ ઓક્ટોબરના રોજ સત્તાવાર રીતે પ્રસિદ્ધ કરવામાં આવશે. અગાઉના વર્ષોના ડેટા સાથે લિંકિંગ કરીને મતદાર યાદીને સંપૂર્ણપણે ક્ષતિરહિત બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
(9:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
