<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th September 2026

કેજરીવાલ પરિવારને ચૂંટણી પંચનો ધડાકો: SIR પ્રક્રિયા હેઠળ અરવિંદ કેજરીવાલ સહિત પરિવારના ૫ સભ્યોને નોટિસ

દિલ્હીમાં મતદાર યાદી સુધારણા ઝુંબેશ ‘SIR 2026’ વચ્ચે નવી દિલ્હી વિધાનસભાના ૧૧૦ મતદારોને ઝટકો: 'અનમેપ્ડ વિથ લાસ્ટ SIR' શ્રેણી હેઠળ દસ્તાવેજો રજૂ કરવા ચૂંટણી પંચનો આદેશ

નવી દિલ્હી:  દિલ્હી મ્યુનિસિપલ અને આગામી રાજકીય ગરમાવા વચ્ચે ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) 2026 ની પ્રક્રિયામાં મોટો રાજકીય ધડાકો થયો છે. આમ આદમી પાર્ટી ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ તેમના પરિવારના પાંચ સભ્યોને ચૂંટણી અધિકારીઓ દ્વારા કાનૂની નોટિસ ફટકારવામાં આવી છે. નવી દિલ્હી વિધાનસભા મતવિસ્તાર (નંબર ૪૦) ના સેગમેન્ટમાં આવતા કેજરીવાલ પરિવારના તમામ સભ્યોના નામ ‘અનમેપ્ડ વિથ લાસ્ટ SIR’ (છેલ્લા એસ.આઈ.આર. સાથે મેપ ન થયેલ) ની શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે.

ચૂંટણી પંચના આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર, આ નોટિસ માત્ર અરવિંદ કેજરીવાલ પૂરતી મર્યાદિત નથી પરંતુ તેમની પત્ની સુનિતા કેજરીવાલ, પિતા ગોવિંદ રામ કેજરીવાલ, માતા ગીતા દેવી અને ૨૫ વર્ષીય પુત્ર પુલકિત કેજરીવાલને પણ બજાવવામાં આવી છે. આ ચોક્કસ પોલિંગ સેગમેન્ટમાં કુલ ૧૧૦ મતદારોને આવી જ નોટિસ આપવામાં આવી છે. ૧ ઓક્ટોબર, ૨૦૨૬ ને લાયકાત તારીખ ગણીને સમગ્ર દિલ્હીમાં મતદાર યાદીનું ઊંડાણપૂર્વક પુનરાવર્તન અને ચકાસણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત જૂના ડેટાબેઝ સાથે વિગતો ન મળતા આ કાર્યવાહી હાથ ધરાઈ છે.

તંત્રએ સ્પષ્ટતા કરી છે કે ‘અનમેપ્ડ’ શ્રેણીમાં નોટિસ મળવાથી મતદાર યાદીમાંથી નામ આપોઆપ રદ્દ થઈ જતું નથી, પરંતુ સંબંધિત નાગરિકે પોતાની નાગરિકતા, સરનામું અને વય સંબંધિત પુરાવા અધિકારીઓ સમક્ષ રજૂ કરવા પડે છે. જોકે, સમગ્ર દિલ્હીમાં લાખો મતદારોને આવી નોટિસો ઈશ્યુ કરવામાં આવતા આ મામલો ભારે વિવાદસ્પદ બન્યો છે અને સુપ્રીમ કોર્ટના દરવાજા સુધી પહોંચ્યો છે. આપ  પક્ષે આ પ્રક્રિયા સામે વિરોધ નોંધાવ્યો છે, જ્યારે ચૂંટણી પંચે તેને બોગસ મતદારો દૂર કરવા અને મતદાર યાદી પારદર્શક બનાવવાની સામાન્ય વહીવટી પ્રક્રિયા ગણાવી છે.

(8:01 PM IST)