<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th September 2026

ચૂંટણી પંચનો મોટો ડિજિટલ નિર્ણય: SIR પ્રક્રિયા વચ્ચે BLO એપમાં 'માર્ક VIP' સુવિધા શરૂ, મતદારોના નામની બાજુમાં દેખાશે 'સ્ટાર' (*) માર્ક

વીઆઈપી કલ્ચર કે સિસ્ટમની સુરક્ષા? કેન્દ્રીય મંત્રીઓ, ન્યાયાધીશો અને દિગ્ગજોના નામો ભૂલથી કાઢી ન નખાય તે માટે ઈસીઆઈ દ્વારા બહુ-સ્તરીય ચકાસણી સિસ્ટમ દાખલ કરાઈ

નવી દિલ્હી : દેશના ૧૬ રાજ્યો અને ૩ કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચાલી રહેલા 'સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન' (SIR) અભિયાન વચ્ચે ભારતીય ચૂંટણી પંચ (ECI) દ્વારા એક મહત્વપૂર્ણ અને ચર્ચાસ્પદ ડિજિટલ અપડેટ કરવામાં આવ્યું છે. ચૂંટણી પંચે બૂથ લેવલ ઓફિસર્સ (BLOs) માટેની મોબાઈલ એપ્લિકેશનમાં શાંતિથી એક નવું "માર્ક VIP" મોડ્યુલ ઉમેરી દીધું છે. આ નવા ફીચર દ્વારા ડોર-ટુ-ડોર વેરિફિકેશન કરતી વખતે બીએલઓ અધિકારીઓ દેશના હાઈ-પ્રોફાઈલ અને અગ્રણી નાગરિકોની પ્રોફાઈલ પર એક 'એસ્ટરિસ્ક' (*) અથવા સ્ટાર માર્ક લગાવી શકશે.

 

અરવિંદ કેજરીવાલ અને એસ. જયશંકર જેવા નેતાઓને નોટિસ મળતાં લેવાયો નિર્ણય

 

ચૂંટણી પંચને આ ડિજિટલ ફેરફાર કરવાની જરૂર એટલા માટે પડી કારણ કે SIRની પ્રારંભિક સુધારણા પ્રક્રિયા દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા, વિદેશ મંત્રી એસ. જયશંકર, પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને ચૂંટણી કમિશનર એસ.એસ. સંધુ જેવા બંધારણીય હોદ્દેદારો અને કેન્દ્રીય મંત્રીઓને પણ મતદાર યાદીમાં વિસંગતતાઓની નોટિસ પાઠવવામાં આવી હતી. તકનીકી કે વહીવટી ભૂલના કારણે આવા હાઈ-પ્રોફાઈલ નાગરિકોના નામ મતદાર યાદીમાંથી ભૂલથી કપાઈ ન જાય તે માટે આ સિસ્ટમ અમલી બનાવવામાં આવી છે.

 

ત્રણ સ્તરની ચકાસણી બાદ જ મળશે 'VIP' ટેગનું એપ્રૂવલ

 

BLO એપમાં માત્ર બટન દબાવવાથી જ કોઈને VIP ટેગ નહીં મળી જાય, પરંતુ તેની પાછળ મજબૂત બહુ-સ્તરીય સિસ્ટમ કામ કરશે. બીએલઓ દ્વારા ભલામણ કરાયેલી પ્રોફાઈલની પ્રથમ ચકાસણી AERO (સહાયક ચૂંટણી નોંધણી અધિકારી) અને ERO સ્તરે થશે. ત્યારબાદ સંબંધિત રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) કાર્યાલય દ્વારા આખરી મંજૂરી અપાશે. આ મંજૂરી મળ્યા બાદ ભૌતિક ફોર્મ ભરેલું ન હોય તો પણ તે નાગરિકનું નામ ડ્રાફ્ટ યાદીમાં સુરક્ષિત રીતે ઉમેરી દેવાશે.

 

કોનો સમાવેશ થશે અને શું મળશે રાહત?

 

ચૂંટણી પંચના નિયમો મુજબ સાંસદો, ધારાસભ્યો, બંધારણીય હોદ્દેદારો, વરિષ્ઠ ન્યાયાધીશો, આઈએએસ-આઈપીએસ અધિકારીઓ ઉપરાંત રમતગમત, કલા, સાહિત્ય અને પત્રકારત્વના ક્ષેત્રના દિગ્ગજોને આ શ્રેણીમાં સ્થાન મળશે. એકલા દિલ્હીમાં જ આવા ૩,૦૦૦ જેટલા VIP મતદારો હોવાનો અંદાજ છે. આ ટેગ ધરાવતા નાગરિકોને જો કોઈ વાંધા નોટિસ મળશે તો તેમણે સુનાવણી કેન્દ્રો પર ધક્કા નહીં ખાવા પડે, વહીવટી ટીમો જાતે જઈને દસ્તાવેજો ચકાસશે. જોકે, ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે VIP ટેગનો અર્થ એ નથી કે તેઓ કાયદાથી ઉપર છે; સરનામા કે કાગળોમાં ભૂલ હશે તો નિયમાનુસાર પ્રક્રિયા હાથ ધરાશે.

 

(7:09 PM IST)