તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 16th October 2026
SIR વિવાદ વચ્ચે ચૂંટણી પંચની મોટી જાહેરાતઃ ગુજરાત સહિત ૧૭ રાજ્યોમાં શરૂ થશે SSR
યાદીમાં એવા રાજ્યો પણ સામેલ છે જ્યાં આગામી વર્ષ ૨૦૨૭ માં વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની

નવી દિલ્હી તા.૧૬: દેશમાં એસઆઈઆર (Special Intensive Revision SIR) ને લઈને ચાલી રહેલા વિવાદ અને રાજકીય ચર્ચાઓ વચ્ચે ગુરુવારે ચૂંટણી પંચે એક અત્યંત મહત્વનો નિર્ણય લીધો છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા દેશના ૧૭ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાતા યાદીઓની સમીક્ષા માટે ‘વિશેષ સંક્ષિપ્ત પુનરીક્ષણ' (SSR) યોજવાની જાહેરાત કરવામાં આવી છે. આ યાદીમાં એવા રાજ્યો પણ સામેલ છે જ્યાં આગામી વર્ષ ૨૦૨૭ માં વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે. ચૂંટણી પંચે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગુજરાત, મણિપુર અને ગોવા સહિતના રાજ્યોના મુખ્ય નિર્વાચન અધિકારીઓને પત્ર લખીને સ્પષ્ટ કર્યું છે કે આ સુધારણા કાર્યક્રમ માટે ૧ જાન્યુઆરી ૨૦૨૭ ને પાત્રતા તિથિ ગણવામાં આવશે.
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, આ વિશેષ સંક્ષિપ્ત પુનરીક્ષણ (SSR) નો મુખ્ય હેતુ તમામ પાત્ર નાગરિકો, ખાસ કરીને યુવાનો અને પ્રથમ વખત મતદાન કરનારાઓને મતદાતા યાદીમાં ઉમેરવાનો છે. આ ઉપરાંત યાદીમાં રહેલી ભૂલો સુધારવા અને નામ કે સરનામામાં સુધારા-વધારાની પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવાનો છે. ઉલ્લેખનીય છે કે ૪૦૩ સભ્યો ધરાવતી ઉત્તર પ્રદેશ વિધાનસભાનો કાર્યકાળ આગામી વર્ષે ૨૨ મે ના રોજ પૂર્ણ થઈ રહ્યો છે. જ્યારે ૬૦ સભ્યો ધરાવતી મણિપુર, ૪૦ સભ્યો ધરાવતી ગોવા, ૧૧૭ સભ્યો ધરાવતી પંજાબ અને ૭૦ સભ્યો ધરાવતી ઉત્તરાખંડ વિધાનસભાનો કાર્યકાળ માર્ચ ૨૦૨૭ માં પૂર્ણ થશે. ‘લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯૫૦' હેઠળ ચૂંટણી પંચને વિધાનસભાનો કાર્યકાળ પૂર્ણ થવાના ૬ મહિના પહેલાં ચૂંટણી યોજવાની સત્તા મળેલી છે.
ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે કે જે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં હાલમાં SIR ની પ્રક્રિયા ચાલી રહી છે અથવા હાલમાં જ પૂર્ણ થઈ છે, ત્યાં SSR ના કાર્યક્રમની તારીખો હવામાન અને સ્થાનિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને યોગ્ય સમયે જાહેર કરવામાં આવશે. આ રાજ્યોની યાદીમાં આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, ચંદીગઢ, દાદરા અને નાગર હવેલી, દમણ અને દીવ, હરિયાણા, ઝારખંડ, કર્ણાટક, મહારાષ્ટ્ર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, દિલ્હી, ઓડિશા, સિક્કિમ, ત્રિપુરા અને તેલંગાણાનો સમાવેશ થાય છે. આ સિવાય હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ જેવા પહાડી વિસ્તારોમાં પણ હવામાનની સ્થિતિ જોઈને સમીક્ષા કાર્યક્રમ જાહેર કરાશે.
૨ નવેમ્બરથી શરૂ થઈ રહેલા આ SSR કાર્યક્રમ દરમિયાન એવા યુવાનોને પણ એડવાન્સમાં અરજી કરવાની તક મળશે, જેઓ આગામી વર્ષે ૧ એપ્રિલ, ૧ જુલાઈ અને ૧ ઓક્ટોબર સુધીમાં ૧૮ વર્ષની ઉંમર પૂર્ણ કરવા જઈ રહ્યા છે. આ પદ્ધતિથી નવી પેઢીના મતદારોને મતદાતા યાદીમાં જોડાવવું વધુ સરળ બનશે.
(11:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
