News of Tuesday, 6th October 2026
ચૂંટણી પંચ અને વિપક્ષી સાંસદોનો મામલો: ૨૪૦ સાંસદોની સંસદ ભવન એનેક્સીમાં બેઠકની માંગ: ચૂંટણી પંચે આ માંગણીને અસામાન્ય ગણાવી નકારી કાઢી
રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિપક્ષનો વિરોધ, ચૂંટણી પંચે કહ્યું કે મુલાકાત માટે નક્કી પ્રોટોકોલ જરૂરી

ચૂંટણી પ્રક્રિયા અને મતદાર યાદી સંબંધિત મુદ્દાઓને લઈને વિપક્ષી પક્ષો અને ચૂંટણી પંચ વચ્ચે ફરી તણાવ વધ્યો છે. વિપક્ષી નેતાઓએ ચૂંટણી પંચ સાથે બેઠકની માંગ કરી હતી, પરંતુ પંચે સ્પષ્ટતા કરી કે બપોરે ચાર વાગ્યા સુધી કોઈ રાજકીય પક્ષે નિયમિત રીતે મુલાકાત માટે સમય માગ્યો ન હતો.
ચૂંટણી પંચના જણાવ્યા મુજબ, બાદમાં દિલ્હી પોલીસ મારફતે જાણ થઈ કે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં આશરે ૨૪૦ સાંસદોનું પ્રતિનિધિમંડળ ચૂંટણી પંચને મળવા અને આવેદનપત્ર આપવા માગે છે. આ બેઠક માટે સંસદ ભવન એનેક્સી સ્થળ સૂચવાયું હતું. પંચે આ માંગને અસામાન્ય ગણાવી હતી.
પંચે કહ્યું કે રાજકીય પક્ષો અથવા સંયુક્ત પ્રતિનિધિમંડળો સાથેની બેઠક માટે વર્ષ બે હજાર પચ્ચીસમાં નક્કી પ્રક્રિયા બનાવવામાં આવી હતી. તેના મુજબ અધિકૃત પ્રતિનિધિ દ્વારા સમય માંગવામાં આવે છે અને બેઠક ચૂંટણી પંચના પરિસરમાં પરસ્પર સુવિધાજનક સમયે યોજાય છે. પંચના જણાવ્યા મુજબ, સંસદ ભવન એનેક્સીમાં ૨૪૦ સાંસદો સાથે બેઠક કરવાની માંગ પ્રોટોકોલ મુજબ સ્વીકારી શકાય તેવી નહોતી.
ચૂંટણી પંચે પોતાના વરિષ્ઠ અધિકારીને બેઠક સ્થળે મોકલી આવેદનપત્ર સ્વીકારવાની ઓફર કરી હોવાનું પણ કહ્યું, પરંતુ વિપક્ષી સાંસદોએ તે ઓફર સ્વીકારી નહોતી. બીજી તરફ, વિપક્ષે આરોપ લગાવ્યો કે તેઓ માત્ર ચૂંટણી પંચને પ્રશ્નો પૂછવા માગતા હતા, પરંતુ તેમને મળવાની તક આપવામાં આવી નહીં. વિરોધ દરમિયાન રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત અનેક નેતાઓને પોલીસે અટકાયત કર્યા બાદ રાજકીય ટકરાવ વધુ તીવ્ર બન્યો છે.
(11:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
