News of Friday, 27th November 2026
નેતન્યાહૂને હટાવવા આઇઝેનકોટના પ્રયાસોને વેગ: ડેમોક્રેટ્સના ટેકા બાદ પણ બહુમતી માટે ૨૫ બેઠકો ઘટે છે
યાશર પાર્ટી અને ડેમોક્રેટ્સ વચ્ચે ગઠબંધન કરાર; ડેમોક્રેટ્સને ચાર મંત્રી પદ, ૬ ડિસેમ્બરની સમયમર્યાદા પહેલાં ૬૧ બેઠકોનો આંકડો પાર કરવા કવાયત

જેરુસલેમ, તા.૨૭: ઇઝરાયલમાં નવી સરકાર રચવાના પ્રયાસો હેઠળ યાશર પાર્ટીના નેતા ગાદી આઇઝેનકોટે ગુરુવારે યૈર ગોલાનની ડેમોક્રેટ્સ પાર્ટી સાથે મહત્વપૂર્ણ કરાર કરીને સંસદીય બહુમતી તરફ આગળ વધવાની કવાયત તેજ કરી છે, જોકે ૬૧ બેઠકોના જરૂરી આંકડા સુધી પહોંચવા માટે તેમને હજુ પણ ૨૫ બેઠકોની જરૂર છે. પ્રારંભિક ૨૮-દિવસના આદેશની અંતિમ તારીખ ૬ ડિસેમ્બર નજીક આવતા આઇઝેનકોટ વધારાના પક્ષોનું સમર્થન મેળવવા માટે સક્રિય બન્યા છે.
યાશર પાર્ટી અને ડેમોક્રેટ્સ દ્વારા જારી કરાયેલા સંયુક્ત નિવેદનમાં ગઠબંધન કરાર પર હસ્તાક્ષર કરવાની સહમતિ દર્શાવાઈ છે. આ સમજૂતી મુજબ નવી સરકારમાં ડેમોક્રેટ્સને ચાર મંત્રી પદ ફાળવવામાં આવશે, જેમાં વિસ્તૃત રાષ્ટ્રીય સુરક્ષા મંત્રાલય, શ્રમ અને કલ્યાણ, સંદેશાવ્યવહાર તેમજ સંસ્કૃતિ અને રમતગમત મંત્રાલયનો સમાવેશ થાય છે, જ્યારે સામાજિક સમાનતા મંત્રાલયનું નિરીક્ષણ પણ તેમની પાસે રહેશે.
આંકડાકીય દૃષ્ટિએ જોઈએ તો, 'ઇઝરાયેલ બેતેનુ' અને 'ડેમોક્રેટ્સ' સાથેની સમજૂતી બાદ ૧૨૦ સભ્યોની નેસેટમાં આઇઝેનકોટના ગઠબંધનનું સંખ્યાબળ ૩૬ બેઠકો પર પહોંચ્યું છે. ૨૦૨૬ની ચૂંટણીમાં યાશર પાર્ટીએ ૨૧, ડેમોક્રેટ્સે ૮ અને ઇઝરાયેલ બેતેનુએ ૭ બેઠકો જીતી હતી, પરંતુ સરકાર રચવા માટે જરૂરી ૬૧ બેઠકો સુધી પહોંચવા હજુ ૨૫ સાંસદોનો ટેકો જરૂરી છે.
બીજી તરફ, અલ્ટ્રા-ઓર્થોડોક્સ UTJ પાર્ટીના બે જૂથો પૈકી ડેગેલ હાટોરાહના રબ્બીનિક નેતાઓએ આઇઝેનકોટ સાથે સત્તાવાર ગઠબંધન વાટાઘાટો શરૂ કરવા લીલી ઝંડી આપી છે, જોકે હાલ માત્ર એક જ જૂથે રસ દાખવ્યો છે. આ ઉપરાંત નાફતાલી બેનેટની 'બીયાચાદ' પાર્ટી સાથે પણ વાતચીત ચાલી રહી છે, જ્યારે 'રામ' પક્ષને પણ જોડવાની ગણતરી છે.
પૃષ્ઠભૂમિમાં ગોલાને વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂની લિકુડ પાર્ટી સાથે એકતા સરકાર અંગે યાશરની સમાંતર વાટાઘાટોના વિરોધમાં બે દિવસ અગાઉ વાટાઘાટો સ્થગિત કરી હતી, ત્યારબાદ આ નવો ગઠબંધન કરાર સામે આવ્યો છે. રાજકીય સમીકરણો ઝડપથી બદલાઈ રહ્યા હોવાથી સત્તાની રમત રસપ્રદ બની છે.
હવે ૬ ડિસેમ્બરની અંતિમ સમયમર્યાદા પૂર્વે આઇઝેનકોટ 'બીયાચાદ', 'UTJ' અને 'રામ' પક્ષોમાંથી જરૂરી ૨૫ બેઠકોનું સમર્થન મેળવીને સરકાર રચવામાં સફળ થાય છે કે કેમ તેના પર સૌની નજર રહેશે. આગામી દિવસોમાં થનારી ગઠબંધન વાટાઘાટો ઇઝરાયલના આગામી રાજકીય નેતૃત્વની દિશા નક્કી કરશે.
(5:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
