<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th October 2026

સાઉદી અરેબિયાના બચાવ માટે ઇજિપ્તની સૈન્ય સહાયની તૈયારી : પશ્ચિમ એશિયામાં યુદ્ધ વધુ વિસ્તરવાનો ખતરો: સંસદમાં લશ્કરી કાર્યવાહીની મંજૂરી અંગે ચર્ચા સોમવારે પણ ચાલુ રહેશે

બીજી તરફ હુતી બળવાખોરોના નિયંત્રણ હેઠળની યમનની સંસદે ઇજિપ્તને લશ્કરી હસ્તક્ષેપ સામે ચેતવણી આપી: ઇજિપ્ત યુદ્ધમાં જોડાશે તો તેની પોતાની રાષ્ટ્રીય સુરક્ષા જોખમમાં મુકાઈ શકે છે

કૈરો: પશ્ચિમ એશિયામાં યુદ્ધ વધુ વિસ્તરવાની આશંકા વચ્ચે ઇજિપ્તએ સાઉદી અરેબિયાને સુરક્ષા માટે જરૂરી તમામ સંભવિત સહાય આપવાની સત્તાવાર તૈયારી દર્શાવી છે. રાષ્ટ્રપ્રમુખ અબ્દેલ ફતાહ અલ સીસીની અધ્યક્ષતામાં રવિવારે મળેલી રાષ્ટ્રીય સંરક્ષણ પરિષદની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કરાયો હતો. યમનના હુતી બળવાખોરોના હુમલાઓ સામે સાઉદી અરેબિયાને જરૂર પડે તો લશ્કરી સહાય આપવા સંસદની મંજૂરી મેળવવાની પ્રક્રિયા શરૂ થઈ છે. જોકે સૈનિકો મોકલવાનો અંતિમ નિર્ણય હજુ લેવાયો નથી.

સાઉદી અરેબિયા ઉપર યમનના હુતી બળવાખોરોના સતત મિસાઇલ અને માનવરહિત વિમાનોના હુમલાઓ વચ્ચે ઇજિપ્તે રવિવારે મહત્વપૂર્ણ રાજદ્વારી અને સંરક્ષણ સંબંધિત જાહેરાત કરી છે.

રાષ્ટ્રપ્રમુખ અબ્દેલ ફતાહ અલ સીસીની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય સંરક્ષણ પરિષદની બેઠક મળી હતી. તેમાં વડાપ્રધાન, સંસદના અધ્યક્ષ, સંરક્ષણમંત્રી અને લશ્કરી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠક બાદ રાષ્ટ્રપ્રમુખના કાર્યાલયે જાહેર કર્યું હતું કે સાઉદી અરેબિયાની સુરક્ષા, સ્થિરતા, પ્રાદેશિક અખંડિતતા, સંસાધનો અને ઇસ્લામના પવિત્ર ધાર્મિક સ્થળોની સુરક્ષા માટે ઇજિપ્ત તમામ જરૂરી અને શક્ય સહાય પૂરી પાડવા તૈયાર છે.

ઇજિપ્તના રાષ્ટ્રપ્રમુખે સંસદનું તાત્કાલિક સત્ર બોલાવવાની માગ કરી હતી. ઇજિપ્તના બંધારણ પ્રમાણે વિદેશમાં લશ્કરી કાર્યવાહી માટે સંસદની મંજૂરી જરૂરી છે.

રવિવારે આ મુદ્દે સંસદીય કાર્યવાહી હાથ ધરાઈ હતી. જોકે અંતિમ નિર્ણય લેવાયો નથી અને ચર્ચા સોમવારે પણ ચાલુ રાખવામાં આવશે.

બીજી તરફ હુતી બળવાખોરોના નિયંત્રણ હેઠળની યમનની સંસદે ઇજિપ્તને લશ્કરી હસ્તક્ષેપ સામે ચેતવણી આપી છે. ઇજિપ્ત યુદ્ધમાં જોડાશે તો તેની પોતાની રાષ્ટ્રીય સુરક્ષા જોખમમાં મુકાઈ શકે છે એવો દાવો કરવામાં આવ્યો છે.

ઇજિપ્તના રાષ્ટ્રપ્રમુખે સ્પષ્ટ કર્યું છે કે તેમનો દેશ કોઈની સામે યુદ્ધ શરૂ કરવા માગતો નથી. સાઉદી અરેબિયા તરફથી વિનંતી કરવામાં આવશે તો તેની સુરક્ષા માટે સહાય આપવાનો હેતુ છે

(11:10 AM IST)