તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 31st May 2026
પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન અને કડક તપાસની અસર: હવે અંધારામાં ઘૂસેલા બાંગ્લાદેશીઓ સરહદે ઉમટ્યા, વતન પાછા ફરવા કરી રહ્યા છે કાલાવાલા
ભારત-બાંગ્લાદેશ હકીમપુર બોર્ડર પર કૂલી-મજૂરો સહિત સેંકડો ઘૂસણખોરોની લાગી લાંબી લાઈનો; સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન અને નવી સરકારના ડરથી સાચી ઓળખ જાહેર કરવા મજબૂર

કોલકાતા, ૩૧ : પશ્ચિમ બંગાળમાં તાજેતરમાં થયેલા રાજકીય પરિવર્તન અને સરકારી દસ્તાવેજોની કડક ચકાસણીને પગલે એક સમયે રાત્રિના અંધારામાં ભારતમાં ગેરકાયદેસર રીતે પ્રવેશેલા બાંગ્લાદેશી ઘૂસણખોરો હવે દિવસના અજવાળામાં સ્વેચ્છાએ પોતાના વતન પાછા ભાગી રહ્યા છે. કોલકાતાથી આશરે ૯૦ કિલોમીટર દૂર ઉત્તર ૨૪ પરગણા જિલ્લામાં આવેલી ભારત-બાંગ્લાદેશ હકીમપુર સરહદ ચોકી (બોર્ડર આઉટપોસ્ટ) પર આજકાલ સેંકડો બાંગ્લાદેશી નાગરિકો પોતપોતાના સામાનના બંડલ અને બેગ લઈને એકઠા થયા છે. તેઓ ધરપકડના ડરથી બચવા માટે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ના જવાનો અને સ્થાનિક પોલીસ સમક્ષ પોતાના અસલી બાંગ્લાદેશી દસ્તાવેજો રજૂ કરીને તેમને સુરક્ષિત રીતે સરહદ પાર કરવા દેવા માટે આજીજી કરી રહ્યા છે.
આ સરહદી ચોકી પર વતન વાપસી માટે લાઈનમાં ઉભેલા બાંગ્લાદેશના ખુલના જિલ્લાના મૂળ રહેવાસી હારુન શેખે પોતા આપવીતી જણાવતા કહ્યું કે, "વર્ષ ૨૦૨૦ માં લોકડાઉન દરમિયાન મેં એક એજન્ટને ₹૪,૦૦૦ આપીને મારા પરિવાર સાથે ગુપ્ત રીતે સરહદ પાર કરી હતી અને બિરાતી વિસ્તારના દેવીનગરમાં કડિયાકામ કરતો હતો. પરંતુ બંગાળમાં મતદાર યાદીની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા દરમિયાન અમારી પોલ ખૂલી ગઈ અને હવે અહીં નવી ભાજપ સરકારની રચના થતાં અમારી પાસે પાછા ફરવા સિવાય કોઈ ચારો નથી." હારુને જેલમાં સડવાને બદલે સુરક્ષિત વતન મોકલવાની વ્યવસ્થા કરવા બદલ વહીવટીતંત્રનો આભાર પણ માન્યો હતો.
આવી જ સ્થિતિનો સામનો કરી રહેલા અન્ય એક ઘૂસણખોર મોહમ્મદ સોહેલ ગાઝીએ જણાવ્યું કે તે ત્રણ વર્ષ પહેલાં ₹૧૫,૦૦૦ આપીને પરિવાર સાથે આવ્યો હતો અને બસીરહાટમાં મજૂરી કરતો હતો. બંગાળની વર્તમાન રાજકીય સ્થિતિ બદલાતા જ હવે અહીં રહેવું અશક્ય બન્યું છે. જોકે, મૂળ દસ્તાવેજો ન હોવાથી ઘણાને મુશ્કેલી પડી રહી છે. આ ઉપરાંત, કોલકાતાના મટિયાબુર્જમાં ઘરેલુ કામ કરતી રોઝાના બીબીની ઓળખ જાહેર થતાં જ મકાનમાલિકે તેને નોકરીમાંથી કાઢી મૂકી હતી, જેથી તે પણ પોતાના ૧૮ વર્ષના પુત્ર સાથે બાંગ્લાદેશ જવા સરહદે પહોંચી છે.
આ અસાધારણ સ્થિતિને નિયંત્રિત કરવા માટે પંગાળ પોલીસ દ્વારા હકીમપુર બોર્ડર પોસ્ટ પર એક ખાસ કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે. ત્યાં તૈનાત એક ઉચ્ચ પોલીસ અધિકારીએ સત્તાવાર વિગતો આપતા જણાવ્યું છે કે, "અહીં આવતા તમામ શંકાસ્પદ લોકોના ફોટોગ્રાફ્સ લેવામાં આવી રહ્યા છે અને તેમની પાસે બાંગ્લાદેશી નાગરિકતા સાબિત કરતા પુરાવા માંગવામાં આવે છે. જેમના દસ્તાવેજો સાચા ઠરે છે, તેમનો ડેટા ‘ફોરેનર આઇડેન્ટિટી પોર્ટલ’માં દાખલ કરી દેશનિકાલની વ્યવસ્થા થાય ત્યાં સુધી તેમને હોલ્ડિંગ સેન્ટરોમાં રાખવામાં આવે છે." અત્યાર સુધીમાં આ વ્યવસ્થિત પ્રક્રિયા હેઠળ ૩૦૦ થી વધુ ઘૂસણખોરોને બાંગ્લાદેશ મોકલી અપાયા છે, જ્યારે પુરાવા ન હોય તેવા લોકોને બાંગ્લાદેશમાં રહેતા સંબંધીઓ દ્વારા ચકાસણી પત્રો મંગાવવા સૂચના અપાઈ છે.
ભૂતકાળમાં સરહદ પારથી થતી આ ગેરકાયદેસર ઘૂસણખોરી અને નકલી ભારતીય ઓળખપત્રો બનાવવાની પ્રવૃત્તિ દેશની આંતરિક સુરક્ષા માટે મોટો પડકાર હતી, જેનો ઉપયોગ સરકારી યોજનાઓનો લાભ લેવા માટે થતો હતો. પરંતુ વર્તમાન સમયમાં વહીવટીતંત્ર અને BSF ની સંયુક્ત કડકાઈના કારણે આ ગેરકાયદેસર માળખું તૂટી પડ્યું છે. બોર્ડર પર તૈનાત એક વરિષ્ઠ BSF અધિકારીએ સ્પષ્ટ કર્યું છે કે, નાગરિકતા ચકાસણીની સમગ્ર કાયદાકીય પ્રક્રિયા રાજ્ય વહીવટીતંત્ર સંભાળી રહ્યું છે અને BSF સરહદ પર ચુસ્ત ચોકીપહેરો રાખી રહી છે, જેથી કોઈ પણ ઘૂસણખોર કાયદાની નજરમાંથી બચીને ગેરકાયદેસર રીતે સરહદ ન ઓળંગી જાય.
(12:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
