તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th July 2026
શિક્ષણ સચિવને હટાવાયા, હવે IAS અધિકારી સંભાળશે જવાબદારી
કેન્દ્ર સરકારે શિક્ષણ મંત્રાલયમાં મોટો વહીવટી ફેરફાર કર્યો

નવી દિલ્હી તા.૨૪: NEET પરીક્ષા અને કથિત પેપર લીક તથા પરીક્ષામાં થયેલી અનિયમિતતાઓને લઈને દેશભરમાં વિદ્યાર્થીઓના વિરોધ વચ્ચે કેન્દ્ર સરકારે શિક્ષણ મંત્રાલયમાં મોટો વહીવટી ફેરફાર કર્યો છે. કેન્દ્ર સરકારે ઉચ્ચ શિક્ષણ વિભાગના સચિવ વિનીત જોશીને તેમના પદ પરથી હટાવીને તેમની જગ્યાએ રાજસ્થાન કેડરના વરિષ્ઠ IAS અધિકારી નરેશ પાલ ગંગવારની નિમણૂક કરી છે. આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે વિદ્યાર્થીઓ પરીક્ષા પ્રણાલીમાં જવાબદારી અને સુધારાની માંગ સાથે સતત વિરોધ કરી રહ્યા છે.
કેન્દ્ર સરકારની નિમણૂકો સમિતિ (ACC) દ્વારા અનેક વરિષ્ઠ અધિકારીઓની નિમણૂક અને બદલીને મંજૂરી આપવામાં આવી છે. નરેશ પાલ ગંગવાર હવે ઉચ્ચ શિક્ષણ વિભાગના નવા સચિવ તરીકે જવાબદારી સંભાળશે. અગાઉ તેઓ રાજસ્થાન સરકાર તેમજ કેન્દ્ર સરકારમાં અનેક મહત્વપૂર્ણ હોદ્દા પર સેવા આપી ચૂક્યા છે. બીજી તરફ, વિનીત જોશીને હવે પંચાયતી રાજ મંત્રાલયમાં સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કેરળ કેડરના વરિષ્ઠ IAS અધિકારી ટી.કે. અનિલ કુમારને શાળા શિક્ષણ વિભાગના સચિવ તરીકે નિમવામાં આવ્યા છે.
નરેશ પાલ ગંગવાર તાલીમથી એન્જિનિયર છે. તેમણે રૂરકી યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશનમાં બીટેક, IIT દિલ્હીમાંથી કોમ્યુનિકેશનમાં એમટેક અને રાજસ્થાન યુનિવર્સિટીમાંથી અર્થશાષામાં એમએ કર્યું છે. તેમની લાંબી વહીવટી કારકિર્દીમાં તેમણે રાજસ્થાન અને કેન્દ્ર સરકારમાં અનેક મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે. તેઓ રાજસ્થાનમાં મુખ્ય સચિવ સ્તરની જવાબદારી ઉપરાંત પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયમાં સંયુક્ત સચિવ તરીકે પણ કામ કરી ચૂક્યા છે. પ્રદૂષણ નિયંત્રણ અને જોખમી પદાર્થોના સંચાલન જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ તેમણે કામગીરી કરી છે.
આ વહીવટી ફેરફારને NEET પરીક્ષાની કથિત અનિયમિતતાઓને લઈને ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલન વચ્ચે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીઓ અને વિપક્ષી પક્ષો પરીક્ષા વ્યવસ્થામાં જવાબદારી નક્કી કરવાની માંગ કરી રહ્યા છે. ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ સરકારના આ નિર્ણયનું સ્વાગત કર્યું અને તેને ‘મોદી ગેરંટી' ગણાવી. તેમણે કહ્યું કે પેપર લીક અથવા બેદરકારી માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. હવે નવા ઉચ્ચ શિક્ષણ સચિવ નરેશ પાલ ગંગવાર સામે પરીક્ષા વ્યવસ્થામાં વિશ્વાસ પુનઃસ્થાપિત કરવાની મોટી જવાબદારી રહેશે.
(10:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
