તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 21st June 2026
NEET-UG પુનઃપરીક્ષા પહેલા શિક્ષણ મંત્રીની અપીલ: વિદ્યાર્થીઓ તણાવમુક્ત રહીને આપે પરીક્ષા
વિપક્ષના આક્ષેપો વચ્ચે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનો વિદ્યાર્થીઓને સંદેશ: સફળ સંચાલનનો વિશ્વાસ અપાવ્યો

નવી દિલ્હી : દેશભરમાં આશરે ૨૨.૮ લાખ વિદ્યાર્થીઓ આજે NEET-UG ની પુનઃપરીક્ષા આપી રહ્યા છે. પરીક્ષાના માત્ર થોડા કલાકો પહેલા, કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને તમામ ઉમેદવારોને ભય અને તણાવથી દૂર રહીને શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપવા અપીલ કરી છે. તેમણે NTA અને વહીવટીતંત્ર પર પૂર્ણ વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું કે વિદ્યાર્થીઓ તેમની ક્ષમતા મુજબ ચોક્કસપણે સારું પ્રદર્શન કરશે.
આ મહત્વપૂર્ણ પરીક્ષા પૂર્વે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો, જેમાં રાહુલ ગાંધીએ નાગપુરના એક વિદ્યાર્થીને અબુ ધાબી કેન્દ્ર ફાળવવા મુદ્દે સરકાર અને NTA પર પ્રહાર કર્યા હતા. જોકે, NTA એ સ્પષ્ટતા કરી હતી કે ડિજિટલ રેકોર્ડ મુજબ ઉમેદવારના રજિસ્ટર્ડ લોગિન દ્વારા જ તે કેન્દ્રની પસંદગી કરવામાં આવી હતી. આ વિવાદ બાદ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને વિપક્ષી નેતાઓને જવાબદારીપૂર્વક વર્તવા અને પરીક્ષા સમયે વિદ્યાર્થીઓમાં ખોટી ચિંતા ન ફેલાવવા તાકીદ કરી હતી.
મંત્રીએ ભારપૂર્વક કહ્યું કે, "ભારતની નવી પેઢીના ભવિષ્ય સાથે રાજકારણ ન થવું જોઈએ અને કોઈએ વિદ્યાર્થીઓની મજાક ન ઉડાવવી જોઈએ." તેમણે ઉમેર્યું હતું કે શિક્ષણ સંસ્થાઓ અને વહીવટીતંત્ર પારદર્શક રીતે પરીક્ષા યોજવા માટે સંપૂર્ણ સજ્જ છે. પરીક્ષા બાદ વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રકારના માનસિક દબાણ વગર આગળ વધે તેવી નેમ તેમણે વ્યક્ત કરી હતી.
હાલમાં NTA દ્વારા લેવાયેલા કડક સુરક્ષા પગલાં અને સુધારાઓને કારણે પરીક્ષાની પ્રક્રિયામાં વધુ પારદર્શિતા આવવાની આશા છે. આ સાથે જ મંત્રીએ CBSE ના પરિણામોની પ્રક્રિયા પણ અંતિમ તબક્કે હોવાનું જણાવ્યું હતું અને બાકી રહેલા વિદ્યાર્થીઓના મૂલ્યાંકનની પ્રક્રિયા પણ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી. આગામી સમયમાં આ પરીક્ષાનું પરિણામ વિદ્યાર્થીઓના ભવિષ્ય અને મેડિકલ પ્રવેશના માર્ગોને નવી દિશા આપશે.
(1:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
