તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 3rd July 2026
EDનો ઐતિહાસિક સપાટો: પોન્ઝી કૌભાંડીનું ખાનગી વિમાન ₹૩ કરોડમાં વેચાયું
₹૭૯૨ કરોડના કૌભાંડમાં સંડોવાયેલા ફાલ્કન ગ્રુપના હોકર ૮૦૦A જેટની ફિલ્મી ઢબે હરાજી : મની લોન્ડરિંગના ઇતિહાસમાં પહેલીવાર જપ્ત કરાયેલું વિમાન વેચીને પીડિત રોકાણકારોને ન્યાય અપાવવાની કવાયત

હૈદરાબાદ: દેશના આર્થિક ગુનેગારો અને મની લોન્ડરિંગ કરનારાઓ માટે ઇડીએ લાલ આંખ કરી છે. એક અત્યંત અભૂતપૂર્વ અને ઐતિહાસિક કાર્યવાહીમાં, ED ના હૈદરાબાદ ઝોનલ ઓફિસે એક પોન્ઝી કૌભાંડના આરોપીના જપ્ત કરાયેલા લક્ઝરી વિમાન 'હોકર ૮૦૦A' ની ઈ-ઓક્શન દ્વારા સફળતાપૂર્વક હરાજી કરી છે. MSTC લિમિટેડના સરકારી પ્લેટફોર્મ પર થયેલી આ હરાજીમાં વિમાન ₹૩ કરોડની બોલીમાં વેચાયું છે. અગાઉ ક્યારેય મની લોન્ડરિંગના કેસમાં જપ્ત થયેલું વિમાન વેચવામાં આવ્યું ન હતું, પરંતુ આ વખતે એજન્સીએ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને કૌભાંડીઓની સંપત્તિને તિજોરીમાં જમા કરવાને બદલે તેને વટાવીને પીડિતોને મદદરૂપ થવાનો માર્ગ અપનાવ્યો છે.
આ સમગ્ર મામલાની શરૂઆત ૭ માર્ચ, ૨૦૨૫ના રોજ હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ED દ્વારા હાથ ધરાયેલા દરોડાથી થઈ હતી. કેપિટલ પ્રોટેક્શન ફોર્સ પ્રાઇવેટ લિમિટેડના વડા અમરદીપ કુમાર અને તેના ફાલ્કન ગ્રુપ પર ઇન્વોઇસ ડિસ્કાઉન્ટિંગના નામે રોકાણકારોને આકર્ષક વળતરનું વચન આપીને ₹૭૯૨ કરોડનું તોતિંગ પોન્ઝી કૌભાંડ આચરવાનો આરોપ છે. તપાસમાં બહાર આવ્યું હતું કે કંપનીએ કોઈ પણ વાસ્તવિક બિઝનેસ કર્યા વિના માત્ર કાગળ પરના વ્યવહારો બતાવીને સામાન્ય લોકોના કરોડો રૂપિયા હડપ્યા હતા. આ ગેરકાયદેસર રીતે મેળવેલા નાણાંમાંથી જ આ હોકર ૮૦૦A જેટ ખરીદવામાં આવ્યું હોવાની શંકાના આધારે EDએ તેને ટાંચમાં લીધું હતું.
હવે, આ હરાજીમાંથી મળેલી ₹૩ કરોડની રકમને સુરક્ષિત રાખીને PMLA કોર્ટની વિશેષ પરવાનગી મેળવ્યા બાદ સીધી અસરગ્રસ્ત રોકાણકારોને વળતર રૂપે આપવામાં આવશે. EDએ આ કાર્યવાહી દ્વારા સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગુનેગારોની ગેરકાયદેસર સંપત્તિ માત્ર કાગળ પર જપ્ત નહીં થાય, પરંતુ તેને વેચીને પણ પીડિતોના પૈસા પાછા અપાવવામાં આવશે. અમરદીપ કુમારના મુખ્ય સહયોગીઓ અને CEOની ધરપકડ બાદ હવે આ હરાજીએ કૌભાંડીઓમાં ફફડાટ ફેલાવી દીધો છે. આ કેસ આવનારા સમયમાં આર્થિક ગુનાઓ સામે લડવા માટે એક મજબૂત દાખલો બેસાડશે.
(11:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
