તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 8th May 2026
ઓનલાઈન સટ્ટાબાજીના સામ્રાજ્ય પર EDનો હથોડોઃ રૂ.૧,૦૦૦ કરોડના કૌભાંડમાં દિલ્હી-બેંગલુરુમાં દરોડા
‘પોકેટ ૫૨' જેવા પ્લેટફોર્મ દ્વારા ખેલાડીઓ સાથે છેતરપિંડી અને મની લોન્ડરિંગના નેટવર્કનો પર્દાફાશ : મોડી રાત સુધી ચાલેલા મેગા ઓપરેશનમાં ૧૮ સ્થળોએ દરોડા અને ૩ માસ્ટરમાઈન્ડની ધરપકડ

નવી દિલ્હી, તા.૮: ઈડીએ દેશભરમાં ચાલી રહેલા ગેરકાયદેસર ઓનલાઈન સટ્ટાબાજીના નેટવર્ક પર સર્જિકલ સ્ટ્રાઈક કરતા ખળભળાટ મચી ગયો છે. દિલ્હી, NCR અને બેંગલુરુ સહિત કુલ ૧૮ સ્થળોએ સપાટો બોલાવતા એજન્સીએ રૂ.૧,૦૦૦ કરોડના મની લોન્ડરિંગ રેકેટનો પર્દાફાશ કર્યો છે. ગુરુવારે વહેલી સવારથી શરૂ થયેલી આ કાર્યવાહી શુક્રવારે મધરાત સુધી સતત ચાલી હતી, જેમાં EDના અધિકારીઓએ અત્યંત ગુપ્તતા જાળવીને મોટા માથાઓ પર સકંજો કસ્યો હતો. આ દરોડા દરમિયાન ત્રણ મુખ્ય આરોપીઓ - દીપક સિંહ અહલાવત, પળથ્વી કુમાર અને વિકાસ તનેજાની ધરપકડ કરવામાં આવી છે, જેઓ આ કાળા કારોબારના મહત્વના કડી હોવાનું મનાય છે.
તપાસમાં બહાર આવ્યું છે કે આ આખું નેટવર્ક અત્યંત જટિલ રીતે કાર્યરત હતું. બેંગલુરુ પોલીસમાં નોંધાયેલી અનેક જ્ત્ય્ના આધારે EDએ જ્યારે તપાસ હાથ ધરી ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી. ખાસ કરીને પોકેટ ૫૨ જેવા ગેમિંગ પ્લેટફોર્મ દ્વારા નિર્દોષ ખેલાડીઓ સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી. આ પ્લેટફોર્મ્સ પર માત્ર પરિણામો સાથે છેડછાડ જ નહોતી થતી, પરંતુ ખેલાડીઓ જીતેલા નાણાં પાછા ન ખેંચી શકે તેવા ટેકનિકલ અવરોધો પણ ઊભા કરવામાં આવતા હતા. એજન્સીએ દરોડા દરમિયાન મોટી માત્રામાં ડિજિટલ પુરાવા, ગુપ્ત દસ્તાવેજો અને ઈલેક્ટ્રોનિક ઉપકરણો જપ્ત કર્યા છે, જે આ ૧,૦૦૦ કરોડના વ્યવહારોના મૂળ સુધી પહોંચવામાં મદદરૂપ થશે.
EDની આ કાર્યવાહી માત્ર વર્તમાન કેસ પૂરતી સીમિત નથી, પરંતુ ગયા વર્ષે કરવામાં આવેલા દરોડા સાથે પણ જોડાયેલી છે. મેસર્સ ગેમ્સક્રાફ્ટ ટેકનોલોજી અને નિર્દેશક નેટવર્ક્સ જેવી કંપનીઓ એજન્સીના રડાર પર છે. આરોપ છે કે આ કંપનીઓએ ગેમિંગના બહાને મોટા પાયે નાણાંની હેરાફેરી કરી છે અને વિદેશી ખાતાઓમાં ભંડોળ ડાયવર્ટ કર્યું છે. આ કાર્યવાહીથી ઓનલાઈન ગેમિંગ અને સટ્ટાબાજીના વ્યવસાયમાં સંકળાયેલા અન્ય લોકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. આગામી દિવસોમાં આ કેસમાં વધુ મોટા ખુલાસા થાય તેવી અને અન્ય ધરપકડની શકયતા પણ નકારી શકાય તેમ નથી.
(3:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
