તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd November 2026
રિલાયન્સ - અનિલ અંબાણી ગ્રુપ સામે ઇડી (ED)નો મોટો સપાટો : દાસો ફાલ્કન ૨૦૦૦ અને એમબ્રાયર લીગસી ૬૫૦ વિમાન સહિત વધુ રૂ. ૫૧૦ કરોડની મિલકતો ટાંચમાં લેવાતાં જપ્તીનો કૂલ આંકડો રૂ. ૨૩,૧૦૦ કરોડે પહોંચ્યો
બેંક ફ્રોડ અને ફેમા હેઠળની તપાસમાં ઈડીનો કડક સકંજો : મહારાષ્ટ્ર અને તામિલનાડુ સ્થિત જમીનો, ઓફીસ, પવનચક્કીઓ તથા બેંક ડિપોઝિટ સીઝ કરાઈ : અત્યાર સુધીમાં ૧૦ આરોપીઓ ગિરફ્તાર

નવી દિલ્હી: રિલાયન્સ અનિલ અંબાણી ગ્રુપની કંપનીઓ વિરુદ્ધ ચાલી રહેલી ગંભીર નાણાકીય ગેરરીતિઓ અને બેંક ફ્રોડની તપાસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કાર્યવાહીનો ધમધમાટ વધુ તેજ બનાવવામાં આવ્યો છે. એજન્સી દ્વારા તાજેતરમાં હાથ ધરાયેલા સપાટામાં અંબાણી ગ્રુપના બે અતિ કિંમતી પ્રાઇવેટ ચાર્ટર્ડ એરક્રાફ્ટ (દાસો ફાલ્કન ૨૦૦૦ અને એમબ્રાયર લીગસી ૬૫૦) સહિત વધુ રૂ. ૫૧૦ કરોડની મિલકતો સત્તાવાર રીતે અટેચ કરવામાં આવી છે. આ નવીનતમ કાર્યવાહી સાથે જ પીએમએલએ (PMLA) અને ફેમા (FEMA) ની કડક જોગવાઈઓ હેઠળ અત્યાર સુધીમાં અનિલ અંબાણી ગ્રુપની જપ્ત કરાયેલી મિલકતોનો આંકડો રૂ. ૨૩,૧૦૦ કરોડની સપાટીએ પહોંચી ગયો છે.
વિવિધ બેંક કૌભાંડમાં કાનૂની શિકંજો કડક:
ઈડીના ઉચ્ચ અધિકારીઓ પાસેથી મળતી વિગતો અનુસાર, તાજેતરમાં ટાંચમાં લેવાયેલી સંપત્તિઓ મુખ્યત્વે બે મોટા ફ્રોડ કેસો સાથે જોડાયેલી છે. જેમાંથી રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડ અને રિલાયન્સ કમર્શિયલ ફાઇનાન્સ લિમિટેડના બેંક ફ્રોડ કેસમાં રૂ. ૨૬૩.૦૫ કરોડની મિલકતો તથા રિલાયન્સ કમ્યુનિકેશન લિમિટેડના બેંક ફ્રોડ કેસમાં રૂ. ૨૪૭.૧૨ કરોડની સંપત્તિઓ સીઝ કરાઈ છે. આ ટાંચમાં પ્રાઇવેટ વિમાનો ઉપરાંત બેંક બેલેન્સ, ફિક્સ ડિપોઝિટ, સ્થાવર મિલકતો, રીસીવેબલ્સ અને કરોડો રૂપિયાના રોકાણોનો સમાવેશ થાય છે.
મહારાષ્ટ્ર અને તામિલનાડુમાં પથરાયેલી સંપત્તિઓ સીઝ:
ઈડીની તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરકોમ (RCOM) કેસના સંદર્ભમાં મહારાષ્ટ્રમાં આવેલા ૨ પ્રાઇવેટ ચાર્ટર્ડ વિમાન, ૬ મોટો જમીનનો વિસ્તાર અને એક કોમર્શિયલ ઓફિસ સ્પેસ ટાંચમાં લેવામાં આવ્યા છે. આ ઉપરાંત આરસીએફએલ (RCFL) અને આરએચએફએલ (RHFL) કેસમાં તામિલનાડુ ખાતે સ્થાપિત ૨ વિશાળ પવનચક્કીઓ (વિન્ડમિલ), બેંક ખાતામાં રહેલી સિલક, ફિક્સ ડિપોઝિટ્સ તેમજ વિવિધ રોકાણો અટેચ કરી દેવાયા છે.
જનતાના નાણાંનો દુરુપયોગ અને શેલ કંપનીઓ દ્વારા નાણાંનું ડાઇવર્ઝન:
ઈડી દ્વારા આ કાનૂની કાર્યવાહીની શરૂઆત સીબીઆઈ દિલ્હી, ઈઓડબલ્યુ (EOW) દિલ્હી અને ઈઓડબલ્યુ મુંબઈ દ્વારા દાખલ કરાયેલી વિવિધ એફઆઈઆર તેમજ ફેમા હેઠળના કેસોના આધારે કરવામાં આવી હતી. જેમાં રિલાયન્સ કમ્યુનિકેશન લિમિટેડ, રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડ, રિલાયન્સ કમર્શિયલ ફાઇનાન્સ લિમિટેડ, રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ, રિલાયન્સ પાવર લિમિટેડ અને રિલાયન્સ કેપિટલ લિમિટેડ જેવી કંપનીઓની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. એજન્સીના રિપોર્ટ મુજબ ગ્રુપ દ્વારા બેંકોમાંથી મેળવેલા પબ્લિક ફંડની ભારે ગેરરીતિ આચરવામાં આવી હતી. આઈબીસી કાયદાનો દુરુપયોગ કરી મિલકતો પ્રમોટર્સના અંગત વપરાશ માટે રાખવામાં આવી હતી અને દેશના નાણાં વિદેશના ટેક્સ હેવન દેશોમાં ડાયવર્ટ કરીને પ્રમોટર્સ અને તેમના પરિવારે પોતાના અંગત ફાયદા માટે વાપર્યા હતા.
૧૦ આરોપીઓની ધરપકડ અને ૭ ચાર્જશીટ દાખલ:
બેંકિંગ સિસ્ટમ અને સરકારી તંત્ર સાથે આચરવામાં આવેલા આ કૌભાંડમાં અત્યાર સુધીમાં ઈડી દ્વારા ૧૦ જેટલા જવાબદાર વ્યક્તિઓની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યા છે. સાથોસાથ પીએમએલએ કાયદા હેઠળ ૬ કાનૂની ચાર્જશીટ (પ્રોસિક્યુશન કમ્પ્લેઇન્ટ) અને ફેમા કાયદા હેઠળ ૧ ફરિયાદ સત્તાવાર કોર્ટમાં દાખલ કરી દેવામાં આવી છે. તપાસ એજન્સી દ્વારા આ કેસમાં હજુ પણ વધુ મિલકતો અને અન્ય સંડોવાયેલા સભ્યો સુધી પહોંચવા સઘન તપાસ જારી રાખવામાં આવી છે.
(9:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
