તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Saturday, 25th April 2026
EDની મોટી કાર્યવાહીઃ રહેજા ડેવલપર્સના ૭ ઠેકાણા પર દરોડા
ઘર ખરીદનારાઓ સાથે છેતરપિંડીનો આરોપ

નવી દિલ્હી,તા.૨૫: દિલ્હી-NCRમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રની જાણીતી કંપની રહેજા ડેવલપર્સ વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ(ED) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ૨૫ એપ્રિલના રોજ EDના દિલ્હી ઝોનલ યુનિટે કંપનીના માલિક નવીન રહેજા, તેના પુત્ર નયન રહેજા અને અન્ય ડિરેકટરો સાથે સંકળાયેલા સાત સ્થળો પર દરોડા પાડ્યા હતા. જેમાં નોઈડા, ગ્રેટર નોઈડા, સૈનિક ફાર્મ્સ અને ન્યુ ફ્રેન્ડ્સ કોલોની જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે.
આ દરોડા અંદાજે ૨૫૦૦ કરોડ રૂપિયાની છેતરપિડી અને મની લોન્ડરિગના ગંભીર આરોપોને પગલે પાડવામાં આવ્યા છે.
તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, રહેજા ડેવલપર્સે તેના 'રહેજા રેવંતા'(Raheja Revanta) પ્રોજેકટ સહિત અન્ય પ્રોજેકટ્સમાં આશરે ૪૫૦૦ ઘર ખરીદનારાઓ પાસેથી ૨૫૦૦ કરોડ રૂપિયા જેટલી માતબર રકમ ઉઘરાવી હતી. જોકે, વર્ષો વીતી જવા છતાં અને પૂરેપૂરું પેમેન્ટ લીધા પછી પણ બિલ્ડરે ગ્રાહકોને ફલેટનો કબજો સોંપ્યો નથી. આ મામલે સૌપ્રથમ દિલ્હી પોલીસના ઇકોનોમિક ઓફેન્સ વિગ(EOW) દ્વારા ફરિયાદ નોંધાઈ હતી, જેના આધારે હવે EDએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિગ એકટ(PMLA) હેઠળ તપાસ તેજ કરી છે.
EDને આશંકા છે કે ગ્રાહકો પાસેથી એકત્રિત કરવામાં આવેલા નાણાંનો ઉપયોગ પ્રોજેકટ પૂરો કરવાને બદલે અન્ય જગ્યાએ ડાયવર્ટ કરવામાં આવ્યો છે. હાલમાં ચાલી રહેલી તપાસ દરમિયાન અધિકારીઓ નાણાકીય રેકોર્ડ્સ, પ્રોજેકટના ડોકયુમેન્ટ્સ અને ઇલેકટ્રોનિક પુરાવાઓ શોધી રહ્યા છે જેથી ફંડના દુરુપયોગનો પત્તો લગાવી શકાય. NCR માર્કેટમાં ઘરના સપના જોતા હજારો મધ્યમવર્ગીય પરિવારો સાથે થયેલી આ છેતરપિડી સામેની આ કાર્યવાહીથી રિયલ એસ્ટેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે. જોકે, આ દરોડા અંગે રહેજા ડેવલપર્સ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી
(3:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
