તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 26th May 2026
વડાપ્રધાન મોદીના પ્રેસ કોન્ફરન્સ ન યોજવા મુદ્દે એડિટર્સ ગિલ્ડની આકરી ટીકા: મીડિયાને દુશ્મન ન સમજવા સરકારને સલાહ
યુરોપ પ્રવાસ દરમિયાન પત્રકારોના સવાલોના જવાબો ન આપવાને ગિલ્ડે શરમજનક ગણાવ્યું, ૧૨ વર્ષથી એકપણ ખુલ્લી પત્રકાર પરિષદ ન સંબોધવા બદલ વ્યક્ત કરી ચિંતા

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના તાજેતરના યુરોપ પ્રવાસમાં નોર્વે અને નેધરલેન્ડના પત્રકારો સાથે થયેલા ઘર્ષણ બાદ એડિટર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયાએ કેન્દ્ર સરકારની આકરી ઝાટકણી કાઢી છે. ગિલ્ડે સ્પષ્ટ કર્યું છે કે મીડિયાનું કામ સત્તાધારીઓને જવાબદાર ઠેરવવાનું છે, જેથી સરકારે તેમને વિરોધી માનવાનું બંધ કરવું જોઈએ. ૧૨ વર્ષના શાસનમાં એકપણ ખુલ્લી પ્રેસ કોન્ફરન્સ ન યોજવી તે લોકશાહી માટે ખેદજનક બાબત હોવાનું નિવેદનમાં જણાવાયું છે.
વડાપ્રધાનશ્રીના તાજેતરના નોર્વે અને નેધરલેન્ડના પ્રવાસ દરમિયાન ભારતીય અધિકારીઓ અને વિદેશી પત્રકારો વચ્ચે થયેલી તીખી ચર્ચાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. દેશની અગ્રણી સંસ્થા એડિટર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયાએ આ ઘટનાને અત્યંત શરમજનક ગણાવી છે. ગિલ્ડે એક સત્તાવાર નિવેદન જારી કરીને કેન્દ્ર અને રાજ્ય સરકારોમાં પત્રકારોના સવાલો પ્રત્યે વધી રહેલી અસહિષ્ણુતા સામે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.
એડિટર્સ ગિલ્ડના નિવેદનમાં જણાવાયું છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમના ૧૨ વર્ષથી વધુના કાર્યકાળમાં એકપણ ઓપન પ્રેસ કોન્ફરન્સને સંબોધી નથી, જે એક દુઃખદ અને ખેદજનક બાબત છે. લોકશાહીમાં પત્રકારોને પ્રશ્નો પૂછવાનો પૂરેપૂરો અધિકાર છે અને સરકારને લોકો પ્રત્યે જવાબદાર ઠેરવવી એ મીડિયાની પાયાની ફરજ છે.
નોર્વે અને નેધરલેન્ડ વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સમાં અનુક્રમે પ્રથમ અને બીજા ક્રમે આવે છે. નોર્વેના પ્રવાસમાં એક સ્થાનિક પત્રકાર હેલે લિંગ સ્વેન્ડસેને વડાપ્રધાનને પત્રકારના સવાલો ન લેવા અંગે પ્રશ્ન કર્યો હતો, જેનો જવાબ આપ્યા વિના વડાપ્રધાન ત્યાંથી નીકળી ગયા હતા. આ ઘટના બાદ ભારતીય અધિકારીઓ અને સ્થાનિક મીડિયા વચ્ચે થયેલું ઘર્ષણ ભારતની આંતરરાષ્ટ્રીય છબી માટે નુકસાનકારક હોવાનું ગિલ્ડે નોંધ્યું છે.
એડિટર્સ ગિલ્ડે કેન્દ્ર સરકારને સ્પષ્ટ શબ્દોમાં અપીલ કરી છે કે મીડિયાને પોતાનો શત્રુ અથવા વિરોધી માનવાનું બંધ કરે. લોકશાહી દેશમાં પત્રકારત્વ પરના નિયંત્રણો માત્ર સમાજને જ નહીં, પરંતુ દેશના અર્થતંત્રને પણ મોટું નુકસાન પહોંચાડે છે. વિશ્વ પ્રેસ સ્વતંત્રતા સૂચકાંકમાં ભારતનું કથળતું સ્થાન પણ આ બાબતની ચાડી ખાય છે અને પત્રકારો માટે સતત સાંકડી થઈ રહેલી જગ્યા લોકશાહી માટે ખતરા સમાન છે.
એડિટર્સ ગિલ્ડના પ્રમુખ સંજય કપૂર, મહામંત્રી રાઘવન શ્રીનિવાસન અને ખજાનચી તેરેસા રહેમાન દ્વારા આ નિવેદન બહાર પાડવામાં આવ્યું છે.*
(9:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
