તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 19th April 2026
બંગાળમાં EDનો સપાટો: પોલીસ DCP અને ઉદ્યોગપતિને ત્યાં દરોડા
કોલસા કૌભાંડમાં કેન્દ્રીય તપાસ એજન્સીની લાલ આંખ, ચૂંટણી ટાણે જ કોલકાતા પોલીસના ઉચ્ચ અધિકારીના નિવાસસ્થાને સર્ચ ઓપરેશનથી ફફડાટ

કોલકાતા:પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના ધમધમાટ વચ્ચે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મની લોન્ડરિંગ અને કોલસાની દાણચોરીના મામલે આક્રમક કાર્યવાહી હાથ ધરી છે. વહેલી સવારથી જ EDની ટીમોએ કોલકાતા પોલીસના ડેપ્યુટી કમિશનર (DCP) શાંતનુ સિંહા બિસ્વાસ અને જાણીતા ઉદ્યોગપતિ જય કામદારના ઠેકાણાઓ પર દરોડા પાડતા સમગ્ર રાજ્યના વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. લાંબા સમયથી ચાલી રહેલી કોલસા કૌભાંડની તપાસમાં હવે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સુધી તપાસનો આંચકો પહોંચતા રાજકીય ગરમાવો પણ તેજ બન્યો છે.
આ સર્ચ ઓપરેશન દરમિયાન એક નાટકીય દ્રશ્ય પણ જોવા મળ્યું હતું. ઉદ્યોગપતિ જય કામદારના બેહાલા સ્થિત નિવાસસ્થાને જ્યારે તપાસ ટીમ પહોંચી ત્યારે ઘરને તાળું મારેલું હતું અને અંદર એક કૂતરો હોવાથી અધિકારીઓ અંદર પ્રવેશી શક્યા નહોતા. પરિણામે, EDની ટીમને ગેટની બહાર અંદાજે 40 મિનિટ સુધી રાહ જોવાની ફરજ પડી હતી. બીજી તરફ, DCP શાંતનુ બિસ્વાસના બે અલગ-અલગ સ્થળો પર અધિકારીઓ દ્વારા દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે. તપાસ એજન્સીને આશંકા છે કે કોલસાની ગેરકાયદે દાણચોરીમાંથી ઉભા કરાયેલા નાણાંના વ્યવહારમાં આ બંનેની સીધી કે આડકતરી સંડોવણી હોઈ શકે છે.
મહત્વનું છે કે, કોલસાની દાણચોરીના કેસમાં અગાઉ પણ અનેક મોટા માથાઓની પૂછપરછ કરવામાં આવી છે અને શાંતનુ સિંહા બિસ્વાસનું નામ તપાસમાં ઉછળતા તેમને સમન્સ પણ પાઠવવામાં આવ્યા હતા. હાલમાં EDના અધિકારીઓ જપ્ત કરાયેલા ડિજિટલ પુરાવા અને ફાઈલોના આધારે કૌભાંડના મૂળ સુધી પહોંચવા પ્રયાસ કરી રહ્યા છે. ચૂંટણીના માહોલમાં થયેલી આ કાર્યવાહીને કારણે હવે બંગાળમાં સત્તાધારી પક્ષ અને વિપક્ષો વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર શરૂ થઈ ગયો છે, જેનાથી આગામી દિવસોમાં આ કેસમાં નવા ખુલાસા થવાની પૂરેપૂરી શક્યતા છે.
(11:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
