<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th July 2026

ગોવા જમીન કૌભાંડમાં EDનો સપાટો: બે પાદરીઓ અને સરકારી અધિકારીએ મળીને આચરી ₹૨૭ કરોડની મહાઠગાઈ!

પણજીના કરંઝાલમમાં એક પરિવારની કરોડોની કિંમતી જમીન આર્કડિયોસીસના નામે ટ્રાન્સફર કરી સસ્તામાં બિલ્ડરને પધરાવી દીધી: ફ્લેટ-દુકાનો વેચી ઊભી કરી ગુનાહિત કમાણી

પણજી:  ગોવાની સુંદર ધરતી પર જમીન પચાવી પાડવાના એક સનસનાટીપૂર્ણ કૌભાંડમાં ઇડીએ મોટી કાર્યવાહી કરી છે. EDની પણજી ઝોનલ ઓફિસે સ્પેશિયલ PMLA કોર્ટમાં આ મામલે સત્તાવાર ચાર્જશીટ દાખલ કરી છે. આ હાઈપ્રોફાઈલ કેસના આરોપીઓમાં કોઈ સામાન્ય ગુનેગાર નહીં, પરંતુ ગોવા અને દમણના આર્કડિયોસીસના બે ભૂતપૂર્વ પાદરીઓ (પ્રોક્યુરેટર) ફાધર આર્લિનો ડી મેલો અને ફાધર વિક્ટર કોન્સેઇકાઓ રોડ્રિગ્સ સામેલ છે. તેમની સાથે સિટી સર્વે ઓફિસના તત્કાલીન લેન્ડ રેકોર્ડ્સ ઇન્સ્પેક્ટર અને એક ખાનગી રિયલ એસ્ટેટ ફર્મે મળીને પણજીના પોશ વિસ્તાર કરંઝાલમમાં એક સ્થાનિક પરિવારની ૨,૪૭૯ ચોરસ મીટરની કિંમતી જમીન બનાવટી દસ્તાવેજોના આધારે આર્કડિયોસીસના નામે ટ્રાન્સફર કરી દીધી હતી.

EDની ઊંડી તપાસમાં બહાર આવ્યું છે કે પવિત્રતાના ઓઠા હેઠળ આચરાયેલી આ છેતરપિંડી બાદ, વર્ષ ૨૦૦૭માં આ કિંમતી જમીનને એક ખાનગી રિયલ એસ્ટેટ ડેવલપરને કોડીઓના ભાવે વેચી દેવામાં આવી હતી. ત્યારબાદ આ વિવાદિત જમીન પર એક આલીશાન કોમર્શિયલ અને રેસિડેન્શિયલ પ્રોજેક્ટ ઊભો કરી દેવામાં આવ્યો હતો. આરોપીઓએ આ પ્રોજેક્ટ હેઠળ બનેલા લક્ઝુરિયસ ફ્લેટ્સ અને દુકાનો ધડાધડ વેચીને અંદાજે ₹૨૭.૧૦ કરોડની માતબર રકમ અંકે કરી લીધી હતી અને કાયદાની આંખમાં ધૂળ નાખીને આ કાળી કમાણીનો જલસો કર્યો હતો.

કેન્દ્રીય તપાસ એજન્સીએ આ સમગ્ર કમાણીને મની લોન્ડરિંગ એક્ટ હેઠળ 'ગુનાની આવક'  તરીકે જાહેર કરીને ટાંચમાં લેવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. કાયદાના રક્ષક ગણાતા સરકારી અધિકારી અને સમાજમાં આદરણીય ગણાતા પાદરીઓની આ મિલીભગત ખુલ્લી પડતાં જ સમગ્ર ગોવામાં ભારે ચર્ચા જાગી છે. EDના આ આકરા પ્રહારે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે ગમે તેટલા પ્રભાવશાળી ચહેરા કે ધાર્મિક હોદ્દા પાછળ છુપાઈને કૌભાંડ આચરવામાં આવ્યું હોય, કાયદાના લાંબા હાથથી બચવું અશક્ય છે.

(7:22 PM IST)