News of Friday, 13th November 2026
મહાદેવ ઓનલાઈન બુક ગેરકાયદેસર બેટિંગ સિન્ડિકેટના પ્રમોટર સૌરભ ચંદ્રાકરની EDએ દબોચ્યો :7 દિવસની કસ્ટડીમાં મોકલાયો
સૌરભ ચંદ્રાકર અને તેનો અન્ય સાથી પ્રમોટર રવિ ઉપ્પલ દુબઈ સ્થિત મુખ્ય મથકથી મહાદેવ ઓનલાઈન બુક નામની અનેક ગેરકાયદેસર ઓનલાઈન બેટિંગ વેબસાઈટ્સ ચલાવતા

મહાદેવ ઓનલાઈન બુક ગેરકાયદેસર બેટિંગ સિન્ડિકેટના સહ-માલિક અને પ્રમોટર સૌરભ ચંદ્રાકરની ED દ્વારા ધરપકડ કરવામાં આવી છે. EDએ 13.11.2026ના રોજ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)-2002ની કલમ 19 હેઠળ આ કાર્યવાહી કરી હતી. રાયપુરની વિશેષ કોર્ટે સૌરભ ચંદ્રાકરને પૂછપરછ માટે 19.11.2026 સુધી એટલે કે 7 દિવસની ED કસ્ટડીમાં મોકલી આપ્યો છે. આ સિન્ડિકેટનો તે પ્રથમ પ્રમોટર છે જેને ભારત પરત લાવવામાં આવ્યો છે.
EDની તપાસ મુજબ, સૌરભ ચંદ્રાકર અને તેનો અન્ય સાથી પ્રમોટર રવિ ઉપ્પલ દુબઈ સ્થિત મુખ્ય મથકથી મહાદેવ ઓનલાઈન બુક નામની અનેક ગેરકાયદેસર ઓનલાઈન બેટિંગ વેબસાઈટ્સ ચલાવતા હતા. આ માટે ભારત અને સંયુક્ત આરબ અમીરાત (UAE)માં બેટિંગ પેનલની ફ્રેન્ચાઈઝી બનાવવામાં આવી હતી. આ પ્લેટફોર્મ પર ખેલાડીઓ પાસેથી મળતી રકમ અન્ય લોકોના નામે ખોલાયેલા બેંક ખાતાઓમાં જમા કરવામાં આવતી હતી અને ત્યારબાદ હવાલા મારફતે ભારતની બહાર મોકલવામાં આવતી હતી.
EDએ 20.10.2023ના રોજ દાખલ કરેલી તેની મુખ્ય ફરિયાદમાં આ બેટિંગ સિન્ડિકેટની દર મહિનાની કમાણી અંદાજે 450 કરોડ રૂપિયા આંકી હતી.
EDના જણાવ્યા અનુસાર, સપ્ટેમ્બર 2023માં સમન્સ જારી થવા છતાં સૌરભ ચંદ્રાકર તપાસ એજન્સી સમક્ષ હાજર થયો નહોતો અને સતત તપાસથી બચતો રહ્યો હતો. EDની અરજી પર વિશેષ PMLA કોર્ટે 04.09.2023ના રોજ તેની સામે બિન-જામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું, જેના પગલે EDની વિનંતી પર ઈન્ટરપોલે પણ તેની સામે રેડ નોટિસ જારી કરી હતી.
સૌરભે આ વોરંટને છત્તીસગઢ હાઈકોર્ટમાં પડકાર્યું હતું, પરંતુ 22.03.2025ના રોજ તેની અરજી ફગાવી દેવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું કે ભારતીય પાસપોર્ટ હોવા છતાં તેણે વાનુઆતુનો પાસપોર્ટ મેળવ્યો હતો. તેણે વિશેષ કોર્ટમાં એવો દાવો પણ કર્યો હતો કે 28.06.2022ના રોજ તેણે ભારતીય નાગરિકતા છોડી દીધી હતી.
EDએ સૌરભને ભારત પરત લાવવા માટે ભારત અને ઓમાન વચ્ચેની પ્રત્યાર્પણ સંધિ હેઠળ કાર્યવાહી કરી હતી. વિશેષ કોર્ટ મારફતે ઓમાનને પ્રત્યાર્પણની વિનંતી મોકલવામાં આવી હતી, જેના આધારે 08.10.2026ના રોજ મસ્કતની અપીલ કોર્ટે તેના ભારત પ્રત્યાર્પણનો આદેશ આપ્યો હતો.
ભારતીય દૂતાવાસ તરફથી સૌરભની ભારતીય નાગરિકતાની પુષ્ટિ થયા બાદ ઓમાનની કોર્ટે નાગરિકતા છોડવા અંગેની તેની દલીલ ફગાવી દીધી હતી. કોર્ટના રેકોર્ડ મુજબ, તેને મસ્કત ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી નકલી મુસાફરી દસ્તાવેજો દ્વારા બહાર જવાનો પ્રયાસ કરતી વખતે ઝડપી લેવામાં આવ્યો હતો.
(10:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
