<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd May 2026

અમેરિકા-ઇરાન યુધ્‍ધથી ર૧ દેશોને આર્થિક ફટકોઃ ફુગાવો વધ્‍યો

યુરોઝોનમાં હાલ સીઝફાયર વચ્‍ચેે પણ વિકાસ દર નિરાસાજનકઃ પ્રથમ ૩ મહિનામાં ઉત્‍પાદન માત્ર ૦.૧ ટકા જ વધ્‍યુ

નવી દિલ્‍હીઃ  ભલે હાલમાં યુએસ-ઈરાન યુદ્ધમાં યુદ્ધવિરામ ચાલી રહ્યો હોય, પરંતુ તેની માઠી અસર વૈશ્વિક અર્થતંત્ર પર સ્પષ્ટપણે દેખાઈ રહી છે. આ ભીષણ સંઘર્ષના કારણે યુરોપ સહિત વિશ્વભરમાં તેલ અને ગેસના ભાવમાં તોતિંગ વધારો થયો છે. એપ્રિલ મહિનામાં દુનિયાના 21 દેશોમાં ફુગાવો વધ્યો છે, જેનું મુખ્ય કારણ ઉર્જા ક્ષેત્રે આવેલી તેજી છે. આ યુદ્ધ હવે વૈશ્વિક અર્થતંત્ર માટે એક મોટો ફટકો સાબિત થઈ રહ્યું છે.

યુએસ-ઈરાન યુદ્ધના કારણે તેલ અને ગેસના પુરવઠા માટે અત્યંત મહત્વનો ગણાતો દરિયાઈ માર્ગ, હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી ઈંધણના સપ્લાય પર ગંભીર અસર પડી છે. આ નાકાબંધીને કારણે બ્રિટન, ભારત, પાકિસ્તાન, શ્રીલંકા અને દક્ષિણ કોરિયા જેવા દેશોમાં પેટ્રોલ-ડીઝલ અને એલપીજી ના ભાવ આસમાને પહોંચ્યા છે. હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના લગભગ 20% તેલ પુરવઠાનું પરિવહન કરે છે, જે હવે ઠપ થતા હાહાકાર મચ્યો છે.

યુરો ચલણનો ઉપયોગ કરતા 21 દેશો અત્યારે સ્ટેગફ્લેશન ના ભય હેઠળ છે. યુરોસ્ટેટ ના અહેવાલ મુજબ, યુરોઝોનમાં વાર્ષિક ફુગાવો માર્ચમાં 2.6% હતો જે એપ્રિલમાં વધીને 3% થયો છે. ખાસ કરીને ઉર્જાના ભાવમાં 10.9% નો ધરખમ વધારો જોવા મળ્યો છે. ક્રૂડ ઓઈલના ભાવ જે યુદ્ધ પહેલા $73 પ્રતિ બેરલ હતા, તે હવે $120 ને પાર કરી ગયા છે.

માત્ર ફુગાવો જ નહીં, પણ વિકાસ દર પણ અત્યંત નિરાશાજનક રહ્યો છે. પ્રથમ ત્રણ મહિનામાં આર્થિક ઉત્પાદનમાં માત્ર 0.1% નો સાધારણ વધારો થયો છે. વધતા ફુગાવાને નિયંત્રિત કરવા માટે યુરોપિયન સેન્ટ્રલ બેંક (ECB) વ્યાજ દરમાં વધારો કરી શકે છે, પરંતુ તેનાથી વૃદ્ધિ દર વધુ ધીમો પડવાની ભીતિ સેવાઈ રહી છે.

(3:56 PM IST)