તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 23rd May 2026
ઇબોલા વાયરસનો કાળમુખો પ્રકોપ: અમેરિકામાં એન્ટ્રી પર ટ્રમ્પ સરકારનો અત્યંત આકરો પ્રતિબંધ; કોંગો, યુગાન્ડા અને દક્ષિણ સુદાનથી આવતા લોકો માટે સરહદો સીલ!
પબ્લિક હેલ્થ લો 'ટાઇટલ ૪૨' અંતર્ગત લીગલ ઇમિગ્રન્ટ્સ પર પણ મુકાયો વચગાળાનો પ્રતિબંધ; આફ્રિકન દેશોમાં ઝડપથી ફેલાતા રોગચાળાને પગલે વ્હાઇટ હાઉસનો સપાટો

વોશિંગ્ટન : કોરોના મહામારીના કપરા કાળ બાદ હવે વિશ્વ પર વધુ એક જીવલેણ વાયરસ 'ઇબોલા' (Ebola)નું જોખમ મંડરાઈ રહ્યું છે. આફ્રિકન દેશોમાં ઝડપથી ફેલાઈ રહેલા ઇબોલાના પ્રકોપને પગલે અમેરિકાની ટ્રમ્પ સરકારે દેશની સુરક્ષા કાજે એક અત્યંત મોટો અને કડક નિર્ણય લીધો છે. ટ્રમ્પ પ્રશાસને જાહેરાત કરી છે કે, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, યુગાન્ડા અથવા દક્ષિણ સુદાનમાં રહેતા કે ત્યાંથી પ્રવાસ કરીને આવતા બિન-નાગરિકો અને કેટલાક કાયદેસરના કાયમી રહેવાસીઓ (ગ્રીન કાર્ડ ધારકો)ના યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રવેશ પર વચગાળાનો પ્રતિબંધ મૂકવામાં આવશે. અમેરિકાના રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્રો (CDC) દ્વારા આ આકરો કદમ ઉઠાવવામાં આવ્યો છે.
આફ્રિકન દેશ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં ઇબોલા રોગચાળો અત્યંત દયનીય અને બેકાબૂ સ્તરે પહોંચી ગયો છે, જ્યાં અત્યાર સુધીમાં અંદાજે ૭૫૦ લોકો આ જીવલેણ વાયરસની ઝપેટમાં આવી ચૂક્યા છે અને ૧૭૭ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આરોગ્ય અધિકારીઓ માની રહ્યા છે કે આ વાયરસ છેલ્લા કેટલાક અઠવાડિયા કે મહિનાઓથી સુષુપ્ત રીતે ફેલાઈ રહ્યો હતો, જે હવે વિસ્ફોટક બન્યો છે. આ ઉપરાંત પડોશી દેશ યુગાન્ડામાં પણ ઇબોલાના બે પોઝિટિવ કેસ નોંધાતા અમેરિકા એલર્ટ મોડ પર આવી ગયું છે અને પોતાના દેશમાં સ્ક્રીનીંગ તેમજ દેખરેખની મર્યાદિત ક્ષમતા હોવાનું સ્વીકારીને આ કડક પ્રતિબંધો લાદી દીધા છે.
'ટાઇટલ ૪૨'નો ઉપયોગ કરીને સરહદો કરાઈ બંધ
ટ્રમ્પ વહીવટીતંત્રે આ અઠવાડિયાની શરૂઆતમાં જ અમેરિકાના પ્રખ્યાત જાહેર આરોગ્ય કાયદા ‘ટાઇટલ ૪૨’ (Title 42)નો ઉપયોગ કર્યો હતો. આ કાયદા હેઠળ છેલ્લા ૨૧ દિવસમાં કોંગો, યુગાન્ડા કે દક્ષિણ સુદાનમાં રહેલા કોઈ પણ ઇમિગ્રન્ટને અમેરિકામાં ઘૂસવા દેવામાં આવશે નહીં. જોકે, શરૂઆતમાં અમેરિકી નાગરિકો અને કાયદેસરના કાયમી રહેવાસીઓને આમાંથી મુક્તિ અપાઈ હતી, પરંતુ શુક્રવારે જાહેર કરાયેલી નવી નીતિ હેઠળ હવે ત્યાંથી આવતા કાયમી રહેવાસીઓ પર પણ ચોક્કસ સમયગાળા માટે પ્રતિબંધ લંબાવી દેવાયો છે.
જોકે, આ ભયાનક સ્થિતિ વચ્ચે પણ અમેરિકી નાગરિકોને પોતાના દેશમાં પરત ફરવાની મંજૂરી આપવામાં આવી છે, પરંતુ તેમના માટે પણ કડક મેડિકલ પ્રોટોકોલ નક્કી કરાયા છે. આ દરમિયાન ઇબોલાના દર્દીઓની સારવાર કરતા સંક્રમિત થયેલા એક અમેરિકી ડૉક્ટરમાં લક્ષણો દેખાતા તેમને તાત્કાલિક ઉચ્ચ તબીબી સારવાર માટે જર્મની લઈ જવામાં આવ્યા છે, જ્યારે તેમની સાથે તેમના પત્ની અને ચાર બાળકોને પણ આઇસોલેટ કરાયા છે. અન્ય એક શંકાસ્પદ ડૉક્ટરને ચેક રિપબ્લિક ખસેડાયા છે. દક્ષિણ સુદાનમાં ભલે હજુ સુધી કોઈ સત્તાવાર કેસ નથી મળ્યો, પરંતુ કોંગો અને યુગાન્ડા સાથેની તેની સરહદો અડેલી હોવાથી તેને પણ ‘હાઈ રિસ્ક’ ઝોનમાં મૂકીને અમેરિકાએ હાઈએલર્ટ જાહેર કર્યું છે.
(7:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
