તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 27th May 2026
ઈબોલાનો હાહાકારઃ કોંગો અને યુગાન્ડામાં ૯૦૦થી વધુ કેસઃ ૨૨૩ના મોત
હોસ્પિટલો પર હુમલા અને દર્દીઓના ભાગી જવાથી વૈશ્વિક સ્તરે ચિંતાની લહેર

નવી દિલ્હી, તા.૨૭: કોરોનાની કાળઝાળ યાદો હજુ ભૂંસાઈ નથી ત્યાં વિશ્વ પર ઈબોલા વાયરસના નવા અને અત્યંત ઘાતક બુંદીબુગ્યો સ્ટ્રેને તરાપ મારી છે. આફ્રિકન દેશો કોંગો અને યુગાન્ડામાં આ વાયરસ વરવું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે, જ્યાં અત્યાર સુધીમાં ૯૦૦ થી વધુ શંકાસ્પદ કેસ અને ૨૨૩થી વધુ લોકોના કરુણ મોત નિપજ્યા છે. વિશ્વ આરોગ્ય સંગઠન એ સ્થિતિની ગંભીરતાને જોતા તેને ઈન્ટરનેશનલ હેલ્થ ઇમરજન્સી જાહેર કરી છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે આ નવો સ્ટ્રેન અત્યંત દુર્લભ છે અને તેની સામે લડવા માટે હાલમાં વિશ્વ પાસે કોઈ સચોટ રસી કે ચોક્કસ ઈલાજ ઉપલબ્ધ નથી, જેના કારણે મળત્યુદર ૫૦% સુધી પહોંચવાની આશંકા છે.
આફ્રિકાના યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં સ્થિતિ વધુ વણસી રહી છે. કોંગોમાં સશષા બળવાખોરોના હુમલાને કારણે હોસ્પિટલોમાં આતંકનો માહોલ છે, જ્યાંથી જીવ બચાવવા માટે ઇબોલાના પોઝિટિવ દર્દીઓ પણ ભાગી રહ્યા છે. મુંગબ્વાલુ જનરલ હોસ્પિટલ પર થયેલા હુમલામાં આઈસોલેશન વોર્ડ સળગાવી દેવાતા ૧૮ દર્દીઓ લાપતા થયા છે, જે સમાજમાં સુપર-સ્પ્રેડર બની શકે છે. વધુમાં, ધાર્મિક માન્યતાઓને કારણે લોકો સુરક્ષા પ્રોટોકોલ તોડીને ચેપી મળતદેહોને હોસ્પિટલમાંથી છીનવી રહ્યા છે, જે વાયરસને જંગલની આગની જેમ ફેલાવવામાં મદદ કરી રહ્યા છે. યુરોપિયન દેશો અને અમેરિકાએ પહેલેથી જ પેસેન્જર ટ્રેકિંગ સિસ્ટમ એક્ટિવેટ કરી દીધી છે.
ભારત સરકારે પણ સંભવિત ખતરાને જોતા યુદ્ધના ધોરણે તૈયારીઓ શરૂ કરી દીધી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આફ્રિકન દેશોથી આવતા પ્રવાસીઓ માટે કોવિડ જેવા કડક પ્રોટોકોલ અને થર્મલ સ્ક્રીનીંગ ફરજિયાત બનાવ્યા છે. કેરળ સરકારે તો એક ડગલું આગળ વધીને ૨૧ દિવસનું ક્વોરેન્ટાઇન ફરજિયાત કર્યું છે. તાજેતરમાં બેંગલુરુમાં યુગાન્ડાથી આવેલી એક મહિલા શંકાસ્પદ જણાતા તંત્રના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા, જોકે રિપોર્ટ નેગેટિવ આવતા મોટી રાહત થઈ છે. સરકારે ભારતીય નાગરિકોને કોંગો, યુગાન્ડા અને દક્ષિણ સુદાનની મુસાફરી ન કરવા માટે કડક એડવાઈઝરી જારી કરી છે.
(3:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
