<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th July 2026

મધરાતે મહારાષ્ટ્રના નાસિકમાં ભૂકંપના આંચકાથી ધરા ધ્રૂજી, ગાઢ નિંદ્રામાંથી જાગીને ઘરની બહાર દોડ્યા લોકો

કળવણ, સુરગાણા અને ડીંડોરી વિસ્તારોમાં ૨૦ થી ૩૦ સેકન્ડ સુધી નોંધાયું કંપન, સદનસીબે જાનમાલનું કોઈ નુકસાન નહીં થતા પ્રશાસને રાહતનો શ્વાસ લીધો

નાસિક, : મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં ગત મોડી રાત્રે અચાનક ધરતી ધ્રૂજવા લાગતા ગાઢ નિંદ્રામાં સૂતેલા લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો અને ડરના માર્યા તેઓ ઘરની બહાર દોડી આવ્યા હતા. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારીના જણાવ્યા અનુસાર, રાત્રે ૧૧:૫૬ વાગ્યે કળવણ તાલુકાના દલવટ વિસ્તારમાં અંદાજે ૨૦ થી ૩૦ સેકન્ડ સુધી ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા.

ભૂકંપની આ અણધારી અસર માત્ર એક વિસ્તાર પૂરતી સીમિત ન રહેતા સુરગાણા અને ડીંડોરી તાલુકામાં પણ વ્યાપક પ્રમાણમાં જોવા મળી હતી. સુરગાણાના બોરગાંવ અને શહેરી વિસ્તારમાં રાત્રે ૧૧:૫૫ વાગ્યે તેમજ વહેલી સવારે ૨:૪૫ વાગ્યે સરાડ અને ચિખલી જેવા વિસ્તારોમાં ફરી કંપન નોંધાયું હતું. ડીંડોરીના નાનાશી અને બડગીચા પાડામાં પણ જમીન હલી જવાથી લોકોની ઊંઘ હરામ થઈ ગઈ હતી અને સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

કુદરતી આપત્તિના આ બનાવ બાદ વહીવટીતંત્ર અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગ તાત્કાલિક એલર્ટ મોડ પર આવી ગયા છે અને સઘન તપાસ હાથ ધરી છે. સરાડ ખાતે આવેલી સરકારી આશ્રમ શાળાની દીવાલમાં સામાન્ય તિરાડો પડવા સિવાય જિલ્લામાં ક્યાંય પણ ગંભીર જાનમાલનું નુકસાન થયાના અહેવાલ નથી. સ્થાનિક પ્રશાસન દ્વારા હાલ સમગ્ર સ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે

(10:51 AM IST)