News of Thursday, 3rd September 2026
મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં વહેલી સવારે ભૂકંપનો આંચકો: લોકોમાં ફફડાટ, રિક્ટર સ્કેલ પર ૩.૬ ની તીવ્રતા નોંધાઈ!
સિરોંચાના જંગલ વિસ્તારમાં ૧૦ કિમી ઊંડાઈએ નોંધાયું કેન્દ્રબિંદુ: નાગપલ્લી સુધી ધરા ધ્રૂજી, સદ્નસીબે કોઈ જાનહાનિ કે નુકસાન નહીં

ગઢચિરોલી | તા.૦૩: વિશ્વભરમાં ભૂકંપની ઘટનાઓમાં થઈ રહેલા સતત વધારા વચ્ચે મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાંથી એક આંચકાજનક અહેવાલ સામે આવ્યો છે. ગુરુવારે વહેલી સવારે આશરે ૪.૩૬ વાગ્યે ગઢચિરોલીના સિરોંચા અને અહેરી વિસ્તારમાં ભૂકંપનો તીવ્ર આંચકો અનુભવાયો હતો. મીઠા ઊંઘમાં સૂતેલા લોકો અચાનક ધરતી ધ્રૂજતાં ભયના માર્યા ઘરોની બહાર દોડી આવ્યા હતા.
નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી અનુસાર, આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૩.૬ માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનથી આશરે ૧૦ કિલોમીટરની ઊંડાઈએ સિરોંચા તાલુકાના આરક્ષિત જંગલ વિસ્તારમાં સ્થિત હતું. આ આંચકાની અસર નજીકના નાગપલ્લી ક્ષેત્ર સુધી અનુભવાઈ હતી. સ્થાનિક વહીવટીતંત્રે આપેલી પ્રાથમિક માહિતી મુજબ, આ ભૂકંપ હળવી તીવ્રતાનો હોવાથી સદ્નસીબે કોઈ જાનહાનિ કે મોટા માલસામાનના નુકસાનના સમાચાર નથી.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપની પ્રવૃત્તિઓમાં વધારો જોવા મળી રહ્યો છે. આ અગાઉ ૧૪ ઓગસ્ટે નાશિક જિલ્લામાં ૩.૪ ની તીવ્રતાનો અને ત્યારબાદ પાલઘરમાં ૩.૨ તથા ૩.૪ ની તીવ્રતાના આંચકા નોંધાયા હતા. અધિકારીઓના જણાવ્યા મુજબ, મહારાષ્ટ્રમાં સામાન્ય રીતે ઓછી તીવ્રતાના ભૂકંપ આવે છે, પરંતુ સતત આવતા નાના આંચકાઓ ચિંતાનો વિષય છે.
તજજ્ઞોના જણાવ્યા અનુસાર, પૃથ્વીના પેટાળમાં રહેલી ટેક્ટોનિક પ્લેટોની હિલચાલ, ટકરાવ કે ઘર્ષણના કારણે અંદર સંગ્રહિત થયેલી ઊર્જા અચાનક બહાર ફેંકાય છે, જેના પરિણામે ધ્રુજારી ઉત્પન્ન થાય છે. વહીવટીતંત્રે લોકોને શાંતિ જાળવવા અને ભૂકંપ સંબંધિત સુરક્ષાના નિયમોનું પાલન કરવા અપીલ કરી છે.
(4:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
