<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th April 2026

અમેરિકા-ઈરાન શાંતિ વાટાઘાટો નિષ્ફળ રહેતા વૈશ્વિક અર્થતંત્રમાં ભૂકંપ: કાચા તેલના ભાવ $100 ને પાર પહોંચવાની દહેશત

ઈસ્લામાબાદમાં 21 કલાકના મંથન બાદ પણ ‘ડેડલોક’ યથાવત રહેતા શેરબજાર અને રૂપિયા પર તોળાતું જોખમ: હોર્મુઝની સામુદ્રધુનીમાં સપ્લાય ચેઈન ખોરવાવાના ભયે ભારતીય ઓઈલ માર્કેટિંગ અને પેઈન્ટ સેક્ટરના શેરોમાં ગાબડાં પડવાની આશંકા

ઈસ્લામાબાદ: પાકિસ્તાનની ધરતી પર અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલેલી ૨૧ કલાકની મેરેથોન શાંતિ વાટાઘાટો કોઈપણ ઠોસ પરિણામ વગર આટોપી લેવામાં આવતા વિશ્વભરના નાણાકીય બજારોમાં ખળભળાટ મચી ગયો છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે ઈરાન સમક્ષ ‘ફાઈનલ ઓફર’ મૂકી હોવા છતાં તેહરાને વધુ ચર્ચાઓનો આગ્રહ રાખતા મડાગાંઠ સર્જાઈ છે. આ નિષ્ફળતાને કારણે છેલ્લા બે અઠવાડિયાથી ચાલી રહેલા યુદ્ધવિરામની સ્થિરતા પર મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા થયા છે. આંતરરાષ્ટ્રીય બજાર ખુલતાની સાથે જ ક્રૂડ ઓઈલના ભાવમાં તીવ્ર ઉછાળો જોવા મળી શકે છે, જેની સીધી અસર ભારત જેવા આયાત નિર્ભર દેશોના ફુગાવા અને અર્થતંત્ર પર પડવાની પૂરેપૂરી શક્યતા છે.

નાણાકીય વિશ્લેષકોના મતે આગામી ૪૮ કલાક વૈશ્વિક ઉર્જા બજાર માટે અત્યંત નિર્ણાયક સાબિત થશે. કાચા તેલના ભાવ જે અત્યાર સુધી $૯૦ ની નીચે રહેવાની અપેક્ષા હતી, તે હવે ઝડપથી $૧૦૦ ના સ્તરને સ્પર્શી શકે છે. હોર્મુઝની સામુદ્રધુની, જ્યાંથી વિશ્વના કુલ તેલ પુરવઠાનો પાંચમો ભાગ પસાર થાય છે, ત્યાં જો તણાવ વધશે તો વૈશ્વિક તેલ અને ગેસ બજારને મોટો આંચકો લાગી શકે છે. વોશિંગ્ટન અને તેહરાન વચ્ચેના વિરોધાભાસી નિવેદનો રોકાણકારોમાં મૂંઝવણ વધારી રહ્યા છે, જેના કારણે ડોલર મજબૂત બની શકે છે અને ભારતીય રૂપિયો નબળો પડવાની ભીતિ છે. ખાસ કરીને તેલના ભાવ વધતા ઓઈલ માર્કેટિંગ કંપનીઓ અને એવિએશન સેક્ટર પર દબાણ વધશે.
શેરબજારમાં પણ આ ભૌગોલિક તણાવની અસર જોવા મળશે, જોકે નિષ્ણાતો માને છે કે બજારમાં ૩ થી ૫ ટકાનો ઘટાડો રોકાણની નવી તક બની શકે છે. સોહમ એસેટ મેનેજર્સના મતે, બજાર હજુ પણ આશાવાદી છે કે અમેરિકા પર ઉકેલ લાવવા માટે આંતરરાષ્ટ્રીય દબાણ છે, તેથી બજારમાં કોઈ મોટો કડાકો થવાની શક્યતા ઓછી છે. જોકે, ભૂતપૂર્વ રાજદૂત મીરા શંકરે ચેતવણી આપી છે કે ઉર્જાની અછત અને લાંબા ગાળાના સપ્લાય પ્રેશર માટે દેશોએ તૈયાર રહેવું જોઈએ. ઈરાન અને અમેરિકા વચ્ચે વાતચીતના દ્વાર હજુ સંપૂર્ણ બંધ નથી થયા, પરંતુ વર્તમાન અનિશ્ચિતતાને જોતા ભારતીય રોકાણકારોએ સાવચેતીપૂર્વક આગળ વધવાની જરૂર છે.

(3:05 PM IST)