<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th October 2026

બિહારના રાજકારણમાં ભૂકંપ: પ્રશાંત કિશોરની 'જન સૂરજ' પાર્ટીની શાનદાર એન્ટ્રી : શું ભાજપ-RJD સામે ઉભી થશે નવી ત્રીજી શક્તિ?

દરભંગા બેઠક પર કમાલ કરીને MLCમાં ખાતું ખોલાવનાર PKની પાર્ટીને સારણમાં લાગ્યો મોટો ઝટકો : આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં બિહારના રાજકીય સમીકરણો ઝડપથી બદલાવા લાગ્યા

પટણા :: બિહારની રાજનીતિમાં અત્યારે જો કોઈ સૌથી મોટું નામ ચર્ચામાં હોય તો તે છે પ્રશાંત કિશોર (PK) અને તેમની નવસર્જિત 'જન સૂરજ પાર્ટી'. બિહાર વિધાન પરિષદ  ની ચૂંટણીના પરિણામોએ રાજ્યના રાજકીય ફલક પર એક નવા યુગની શરૂઆત કરી દીધી છે. જન સૂરજ પાર્ટીએ તમામ ૮ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારીને પોતાની મજબૂત ઉપસ્થિતિ નોંધાવી હતી, જેમાંથી દરભંગા શિક્ષક મતવિસ્તારમાં સુરેશ પ્રસાદ રાયે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને વર્તમાન MLC મદન મોહન ઝાને ૩૨૪ મતોથી કારમી હાર આપીને પાર્ટીને વિધાન પરિષદમાં ઔપચારિક પ્રવેશ અપાવ્યો છે. આ ઐતિહાસિક જીત માત્ર એક બેઠક પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે પરંપરાગત રાજકીય પક્ષો માટે એક સ્પષ્ટ ચેતવણી સમાન છે કે હવે બિહારના રાજકારણમાં એક મજબૂત ત્રીજા વિકલ્પની સફર શરૂ થઈ ચૂકી છે.

એક તરફ દરભંગામાં ભવ્ય જીત મળી તો બીજી તરફ સારણ શિક્ષક બેઠક પર પાર્ટીના વર્તમાન MLC અફાક અહેમદની હારથી જન સૂરજની કેટલીક મર્યાદાઓ પણ ઉજાગર થઈ છે. સારણમાં અપક્ષ ઉમેદવાર રાહુલ રાજે બાજી મારી લીધી, જે દર્શાવે છે કે માત્ર પ્રશાંત કિશોરની લોકપ્રિયતા કે સક્રિયતાથી દરેક ક્ષેત્રમાં જાદુ ચાલતો નથી, પરંતુ તેના માટે મજબૂત બૂથ સ્તરનું સંગઠન અનિવાર્ય છે. આ ચૂંટણીમાં RJD અને કોંગ્રેસ જેવા પરંપરાગત પક્ષોનું પ્રદર્શન પણ ખાસ ઉત્સાહજનક રહ્યું નથી. RJD એ પટણા સીટ પર ભાજપના દિગ્ગજ નવલ કિશોર યાદવને હરાવીને એક બેઠક મેળવી ખરી, પરંતુ એકંદરે વિપક્ષી હરોળમાં ખળભળાટ મચી ગયો છે. કોંગ્રેસે પોતાની વર્ષો જૂની દરભંગા બેઠક ગુમાવવી પડી છે, જે તેમના માટે મોટો રાજકીય આંચકો છે.

આ ચૂંટણી પરિણામો દર્શાવે છે કે પ્રશાંત કિશોર મુસ્લિમ, યાદવ અને અન્ય વંચિત સામાજિક સમૂહોમાં પોતાની પકડ મજબૂત કરવાના જે પ્રયાસો કરી રહ્યા છે, તેને જમીની સ્તરે સ્વીકૃતિ મળવાની શરૂ થઈ ગઈ છે. જોકે, માત્ર એક બેઠક જીતી લેવાથી જન સૂરજ બિહારની મુખ્ય 'ત્રીજી શક્તિ' તરીકે સ્થાપિત થઈ જશે તેવું માનવું ઉતાવળ ગણાશે. આગામી સમયમાં જો પાર્ટીએ ભાજપ અને NDA તેમજ RJD-JDU ના મજબૂત ગઢને હચમચાવવો હશે, તો તેણે પોતાના સંગઠનને વધુ ધારદાર બનાવવું પડશે અને ઉમેદવારોની વિશ્વસનીયતા સાબિત કરવી પડશે. આ ચૂંટણી પરિણામોએ બિહારના રાજકારણમાં એક રોમાંચક ત્રિપાંખીયા જંગના એંધાણ આપી દીધા છે.

(11:57 PM IST)