<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th October 2026

બિહારના રાજકારણમાં ભૂકંપ: JDUએ બાહુબલી ધારાસભ્ય અનંત સિંહને 6 વર્ષ માટે પાર્ટીમાંથી બરતરફ કર્યા : સભ્યપદ રદ કરવા પણ ભલામણ!

પટના ગ્રેજ્યુએટ ચૂંટણીમાં પાર્ટીના અધિકૃત ઉમેદવાર સામે મોરચો ખોલવો અને વિરોધી પક્ષના ઉમેદવારને ટેકો આપવો અનંત સિંહને ભારે પડ્યો

પટના :  બિહારના રાજકારણમાં હાલમાં એક પછી એક મોટા ધડાકા થઈ રહ્યા છે, જેડીયુ દ્વારા મોકામાના વિવાદાસ્પદ અને લોકપ્રિય બાહુબલી ધારાસભ્ય અનંત કુમાર સિંહ વિરુદ્ધ અત્યંત કડક કાર્યવાહી કરવામાં આવી છે. બિહાર વિધાન પરિષદની ચૂંટણીના એક દિવસ બાદ જ JDU પ્રદેશ પ્રમુખ ઉમેશ સિંહ કુશવાહની સહીવાળા પત્ર દ્વારા અનંત સિંહનું પ્રાથમિક સભ્યપદ તાત્કાલિક અસરથી રદ કરીને તેમને આગામી 6 વર્ષ માટે પાર્ટીમાંથી બહારનો રસ્તો દેખાડી દેવામાં આવ્યો છે. માત્ર પક્ષમાંથી નિષ્કાસન જ નહીં, પરંતુ પાર્ટીએ ભારતીય બંધારણની દસમી અનુસૂચિ હેઠળ બિહાર વિધાનસભાના અધ્યક્ષને પત્ર લખીને અનંત સિંહનું ધારાસભ્ય પદ પણ રદ કરવાની સત્તાવાર ભલામણ કરી દેતા રાજકીય તાપમાન ચરમસીમાએ પહોંચી ગયું છે.

આ આખી ઘટમાળ પાછળ તાજેતરમાં પૂર્ણ થયેલી પટના ગ્રેજ્યુએટ મતવિસ્તારની ચૂંટણી મુખ્ય કારણ બની છે, જ્યાં JDUએ પોતાના દિગ્ગજ નેતા નીરજ કુમારને મેદાનમાં ઉતાર્યા હતા. પરંતુ ધારાસભ્ય અનંત સિંહે પાર્ટીના આદેશોને ખુલ્લેઆમ નજરઅંદાજ કરીને નીરજ કુમાર વિરુદ્ધ મોરચો ખોલી દીધો હતો અને વિરોધી પક્ષ 'જન સૂરજ'ના ઉમેદવાર ડૉ. અનુજ સિંહને ખુલ્લેઆમ ટેકો જાહેર કર્યો હતો. મતદાનના દિવસે તો હદ થઈ ગઈ જ્યારે અનંત સિંહે નીરજ કુમાર પર આકરા પ્રહારો કરતા તેમનો કિલ્લો તૂટી ગયાનો દાવો કર્યો હતો અને મતદાન પૂરું થતાં પહેલા જ પોતાના સત્તાવાર નિવાસસ્થાને સમર્થકો સાથે ફટાકડા ફોડીને ઉત્સવ ઉજવ્યો હતો, જેને JDU મોવડી મંડળે ગંભીર શિસ્તભંગ અને પક્ષવિરોધી પ્રવૃત્તિ ગણાવી હતી.

બીજી બાજુ, પાર્ટી દ્વારા કોઈપણ પ્રકારની ગાજ વરસે તે પહેલા જ અનંત સિંહે પોતાના તેવર સ્પષ્ટ કરી દીધા હતા અને બેધડક નિવેદન આપ્યું હતું કે, "હું ઈચ્છું છું કે JDU મારી સામે કાર્યવાહી કરે, મને ન તો મરવાનું દુઃખ છે કે ન તો જીવવાનો આનંદ." તેમણે નીરજ કુમાર પર ગંભીર આરોપો લગાવતા કહ્યું હતું કે તેમને જાણી જોઈને હેરાન કરવામાં આવ્યા છે અને ખોટી એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી છે. હવે જ્યારે JDUએ તેમની સામે સકંજો કસીને સભ્યપદ રદ કરી દીધું છે, ત્યારે આગામી દિવસોમાં બિહારની રાજનીતિમાં આ 'બાહુબલી' અને સત્તાધારી પક્ષ વચ્ચેનો આ વિવાદ કયા નવો વળાંક લે છે તે જોવું રસપ્રદ રહેશે.

(6:54 PM IST)