તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th July 2026
બંગાળના રાજકારણમાં ભૂકંપ: તમે પાછા આવો, હું એક કલાકમાં રાજીનામું આપી દઈશ : બળવાખોરોને અભિષેક બેનર્જીનો ખુલ્લો પડકાર
વિધાનસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસની કારમી હાર બાદ શરૂ થયેલા આંતરિક બળવા વચ્ચે રાષ્ટ્રીય મહાસચિવ આક્રમક મૂડમાં : એનસીપીઆઈ (NCPI) માં ગયેલા સાંસદો અને ધારાસભ્યો પર ઈડી-સીબીઆઈના પ્રોટેક્શનનો ગંભીર આક્ષેપ

કોલકાતા: પશ્ચિમ બંગાળના સત્તાવાર રાજકીય ગલિયારાઓમાં અત્યાર સુધીનો સૌથી મોટો હડકંપ મચી ગયો છે. વિધાનસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના પરાજય બાદ પાર્ટીમાં સર્જાયેલી ભયાનક ભાગદોડ અને આંતરિક બળવા વચ્ચે મમતા બેનર્જીના ભત્રીજા અને ટીએમસીના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જીએ શનિવારે બપોરે તમામ બળવાખોર નેતાઓને અત્યંત સનસનાટીપૂર્ણ ખુલ્લો પડકાર ફેંક્યો છે. કાલીઘાટ સ્થિત હાઈકમાન્ડ છોડીને ગયેલા નેતાઓને આક્રમક ટોણમાં આઈના બતાવતા અભિષેકે જાહેરાત કરી છે કે, જો બળવાખોરો પક્ષમાં પાછા ફરવા તૈયાર હોય, તો તેઓ માત્ર એક જ કલાકની અંદર પોતાના તમામ સત્તાવાર હોદ્દા પરથી રાજીનામું આપી દેશે.
વાસ્તવમાં, ચૂંટણી પરિણામો બાદ તૃણમૂલ કોંગ્રેસ બે આખા ફાડિયામાં વહેંચાઈ ગઈ છે. કાકોલી ઘોષ દસ્તીદાર અને સુદીપ બેનર્જી સહિત પક્ષના ૨૦ જેટલા દિગ્ગજ સાંસદો કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ સાથે ગુપ્ત બેઠક યોજીને એનસીપીઆઈ (NCPI) માં જોડાઈ ચૂક્યા છે. બીજી તરફ, ઉલુબેરિયા પૂર્વના ધારાસભ્ય ઋતબ્રત બેનર્જી અને એન્ટાલીના ધારાસભ્ય સંદીપન સાહાએ બળવાની હદ વટાવીને પોતાને જ "અસલી તૃણમૂલ" જાહેર કરી દીધા છે અને "નવું તૃણમૂલ બ્લોક" બનાવીને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતાનું પદ પણ કબજે કરી લીધું છે. આ તમામ નેતાઓએ પાર્ટી છોડતી વખતે આઈપેક (I-PAC) એજન્સી અને અભિષેક બેનર્જીના અતિશય અહંકાર તેમજ ઘમંડને પરાજય માટે મુખ્ય જવાબદાર ગણાવી તેમના પર સીધું નિશાન સાધ્યું હતું.
પોતાના પર સતત થઈ રહેલા આ પ્રહારો સામે શનિવારે મૌન તોડતા અભિષેક બેનર્જીએ ગર્જના કરી હતી કે, "જો તમને મારાથી જ સમસ્યા છે, તો હું હારની સંપૂર્ણ જવાબદારી સ્વીકારું છું. તમે ૧૯ તારીખે કે ૨૦ તારીખે ગમે ત્યારે પાછા આવો, હું મારી ખુરશી છોડી દઈશ. પરંતુ વાસ્તવિકતા એ છે કે તમારામાંથી કોઈ પાછું નહીં આવે, કારણ કે ત્યાં જઈને અભિષેક બેનર્જીને ગાળો આપવાનો જ તમારો મોટો સોદો થયો છે જેથી તમને ED કે CBI પકડી ન શકે." અમતલામાં બળવાખોરો દ્વારા પાર્ટી ઓફિસ તોડી પાડવા અંગે તેમણે ન્યૂટનનો નિયમ ટાંકીને ચેતવણી આપી કે દરેક સમાન અને વિરુદ્ધ પ્રતિક્રિયા હોય છે અને વર્ષ ૨૦૩૧ માં જ્યારે તેઓ ફરી સત્તા પર આવશે ત્યારે આ તમામ કાનૂની કાર્યવાહીનો વ્યાજ સહિત બદલો લેવામાં આવશે. સમગ્ર વિવાદ વચ્ચે પક્ષના સર્વોચ્ચ નેતા મમતા બેનર્જીએ પોતાના ભત્રીજા સાથે અડગ ઊભા રહેવાનો સ્પષ્ટ સંદેશ આપતાં બંગાળનું રાજકારણ ચરમસીમાએ ગરમાયું છે.
(10:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
