તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th July 2026
બંગાળમાં મહાભૂકંપ: EDની અત્યાર સુધીની સૌથી મોટી સર્જિકલ સ્ટ્રાઈક, TMC ફંડિંગ કેસમાં ₹440 કરોડના બેંક ખાતાઓ સીલ કરાતા ખળભળાટ
ચાર્ટર્ડ પ્લેન સપ્લાય કરનારી એવિએશન કંપની સહિત અનેક ઠેકાણે કેન્દ્રીય દળોની હાજરીમાં દરોડા, મમતા બેનર્જી અને અભિષેક બેનર્જીના નાણાકીય વ્યવહારો હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના રડાર પર

કોલકાતા: પશ્ચિમ બંગાળના રાજકારણમાં તે સમયે ભારે ખળભળાટ મચી ગયો, જ્યારે ઇડી એ મની લોન્ડરિંગ કેસમાં અત્યાર સુધીની સૌથી મોટી કડક કાર્યવાહી હાથ ધરી હતી. તૃણમૂલ કોંગ્રેસ ના ફંડિંગ અને શંકાસ્પદ નાણાકીય વ્યવહારો સાથે જોડાયેલા કથિત કૌભાંડની તપાસ કરી રહેલી ED ની ટીમોએ સપાટો બોલાવીને આશરે ₹૪૪૦ કરોડની માતબર રકમ ધરાવતા અનેક બેંક ખાતાઓને કાયમ માટે ફ્રીઝ (સીલ) કરી દીધા છે. કેન્દ્રીય સુરક્ષા દળોના કડક બંદોબસ્ત વચ્ચે કોલકાતા સહિત રાજ્યના વિવિધ સંવેદનશીલ સ્થળોએ એકસાથે દરોડા પાડવામાં આવ્યા છે, જેના કારણે બંગાળનું રાજકીય તાપમાન અચાનક ચરમસીમાએ પહોંચી ગયું છે.
આ હાઈપ્રોફાઈલ દરોડા દરમિયાન એક ખાનગી એવિએશન (ઉડ્ડયન) કંપનીની ઓફિસ પણ ED ના સકંજામાં આવી છે. આ કંપની પર આરોપ છે કે તેણે ભૂતકાળમાં મમતા બેનર્જી અને તૃણમૂલ કોંગ્રેસના શક્તિશાળી સાંસદ અભિષેક બેનર્જી સહિતના વરિષ્ઠ નેતાઓને ચાર્ટર્ડ પ્લેન અને ખાનગી વિમાનોની સુવિધા પૂરી પાડી હતી. તપાસ એજન્સી હવે એ શોધવાનો પ્રયાસ કરી રહી છે કે આ લક્ઝુરિયસ હવાઈ મુસાફરી માટે ચૂકવવામાં આવેલા લાખો-કરોડો રૂપિયાનો અસલી સ્ત્રોત કયો હતો. વાસ્તવમાં, આ કરોડો રૂપિયાના ફંડનો વિવાદ વિધાનસભા ચૂંટણીમાં ટીએમસીની હાર બાદ પક્ષના જ આંતરિક જૂથવાદને કારણે સપાટી પર આવ્યો હતો, જેમાં ભૂતકાળના મંત્રી અરુણ બિસ્વાસે બેંકિંગ ક્ષેત્રે પત્ર લખીને નાણાંના દુરુપયોગની આશંકા વ્યક્ત કરી હતી.
આ સમગ્ર મામલો જ્યારે કોલકાતા હાઈકોર્ટમાં પહોંચ્યો ત્યારે કોર્ટે પણ મમતા બેનર્જી જૂથને કોઈપણ પ્રકારની વડગાળાની રાહત આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો, જેનાથી ED ના હાથ વધુ મજબૂત થયા છે. ટીએમસીના બળવાખોર ધારાસભ્યોએ બંગાળ પોલીસને લેખિત ફરિયાદ કરી હતી કે આ કરોડો રૂપિયા સામાન્ય જનતા અને વેપારીઓ પાસેથી કથિત ખંડણી તેમજ ભ્રષ્ટાચાર દ્વારા એકત્રિત કરવામાં આવ્યા હતા. આ મામલે હવે બંગાળમાં જોરદાર રાજકીય યુદ્ધ શરૂ થઈ ગયું છે, જેમાં ટીએમસીએ આ કાર્યવાહીને કેન્દ્ર સરકારનો રાજકીય દ્વેષ ગણાવ્યો છે, જ્યારે ભાજપે આકરો પ્રહાર કરતા કહ્યું છે કે ભ્રષ્ટાચારીઓ ગમે તેટલા શક્તિશાળી હોય, કાયદો પોતાના નિયમ મુજબ જ કામ કરશે અને પાપનો ઘડો ચોક્કસ ફૂટશે.
(8:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
