<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th April 2026

અમેરિકન રાજકારણમાં ભૂકંપ: સંરક્ષણ સચિવ પીટ હેગસેથ વિરુદ્ધ મહાભિયોગની તૈયારી

ઈરાન યુદ્ધ વચ્ચે 7 પાનાના પ્રસ્તાવમાં પાંચ ગંભીર આરોપો સાથે હેગસેથને પદ પરથી હટાવવા ડેમોક્રેટ્સની વ્યૂહરચના: ટ્રમ્પ શાસનના બે દિગ્ગજોની વિદાય બાદ હવે હેગસેથ પર લટકતી તલવાર

વોશિંગ્ટન : અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની વચ્ચે ટ્રમ્પ વહીવટીતંત્રના સંરક્ષણ સચિવ પીટ હેગસેથની મુશ્કેલીઓમાં ધરખમ વધારો થયો છે. વિપક્ષી ડેમોક્રેટિક સાંસદ યાસ્મીન અન્સારીએ હેગસેથ વિરુદ્ધ 7 પાનાનો મહાભિયોગ (Impeachment) પ્રસ્તાવ રજૂ કરવાની જાહેરાત કરી છે. આ પ્રસ્તાવમાં હેગસેથ પર બંધારણીય શપથના ઉલ્લંઘન અને ઈરાનમાં નાગરિક વિસ્તારો, જેમ કે શાળાઓ અને હોસ્પિટલો પર હુમલા કરવાના પાંચ ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે. ખાસ કરીને 'સિગ્નલ ગેટ' હેઠળ ગુપ્ત માહિતી લીક થવાના મામલે તેમની સખત ટીકા થઈ રહી છે.

ટ્રમ્પ સરકારમાં અત્યાર સુધીમાં એટર્ની જનરલ પામ બોન્ડી અને હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરી ક્રિસ્ટી નોએમને પદ પરથી દૂર કરવામાં આવ્યા છે, જેના કારણે હેગસેથના ભવિષ્ય પર પણ સવાલો ઉઠી રહ્યા છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે ટ્રમ્પ વહીવટીતંત્ર યુદ્ધમાં થઈ રહેલી જાનહાનિ અને આંતરરાષ્ટ્રીય દબાણને કારણે હેગસેથ પર દોષનો ટોપલો ઢોળી શકે છે. જોકે, હેગસેથને પદ પરથી હટાવવા માટે સેનેટ અને હાઉસ બંનેમાં બે-તૃતીયાંશ બહુમતીની જરૂર પડશે, જે હાલમાં ડેમોક્રેટ્સ માટે એક મોટો પડકાર છે.

યુદ્ધના મેદાનમાં અમેરિકન સૈનિકોની સુરક્ષા જોખમમાં મૂકવા અને કોંગ્રેસની પરવાનગી વિના સૈન્ય કાર્યવાહી કરવાના આક્ષેપોએ વોશિંગ્ટનમાં ભારે હોબાળો મચાવ્યો છે. હેગસેથ પર આરોપ છે કે તેમણે સૈન્યમાં વિવિધતા નાબૂદ કરવાનો પ્રયાસ કર્યો છે, જેની અસર લશ્કરના નૈતિક મનોબળ પર પડી રહી છે. હવે જોવાનું એ રહેશે કે રિપબ્લિકન પાર્ટી આ મુશ્કેલ સમયમાં હેગસેથનો સાથ આપે છે કે પછી યુદ્ધના પરિણામો જોતા તેમને પણ પામ બોન્ડીની જેમ સત્તાના ગલિયારામાંથી બહારનો રસ્તો બતાવવામાં આવે છે.

(7:43 PM IST)