News of Wednesday, 25th November 2026
શેરબજારમાં જોરદાર ભૂકંપ : 11 દિવસ પહેલા રાજીનામું આપનારા હુઆંગની એનવીડિયામાં વાપસી થતાની સાથે જ એક જ દિવસમાં તેમની સંપત્તિમાં 33.7 અબજ ડોલર એટલે કે લગભગ ₹3.13 લાખ કરોડનો જોરદાર ઉછાળો
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હુઆંગને પાછા લાવવા માટે જાહેરમાં દબાણ કર્યું હતુ : હવે હુઆંગ 3 ડિસેમ્બરે સેનેટ બેંકિંગ કમિટી સમક્ષ જુબાની આપશે : કોઈપણ ટેક કંપની માટે આ અત્યાર સુધીનો સૌથી મોટો એક દિવસીય વધારો ગણાવાયો

નવી દિલ્હી તા.૨૫ : દુનિયાના સૌથી મોટા ચિપમેકર એનવીડિયાના CEO જેન્સન હુઆંગે એવો કમબેક કર્યો છે કે આખી વોલ સ્ટ્રીટ હચમચી ગઈ છે, માત્ર 11 દિવસ પહેલા રાજીનામું આપનારા હુઆંગની એનવીડિયામાં વાપસી થતાની સાથે જ એક જ દિવસમાં તેમની સંપત્તિમાં 33.7 અબજ ડોલર એટલે કે લગભગ ₹3.13 લાખ કરોડનો જોરદાર ઉછાળો આવ્યો છે, ફોર્બ્સના રિયલ-ટાઈમ બિલિયોનેર રેન્કિંગ મુજબ સોમવાર, 23 નવેમ્બરે બજાર બંધ થતા સુધીમાં તેમની કુલ સંપત્તિ $143.8 અબજ પર પહોંચી ગઈ હતી, અને તેઓ દુનિયાના 13મા સૌથી ધનિક વ્યક્તિ બની ગયા હતા, 12 નવેમ્બરે તેમણે અનૈતિક સંબંધોના વિવાદ બાદ CEO, પ્રેસિડેન્ટ અને ડિરેક્ટર પદેથી રાજીનામું આપ્યું હતું, તે દિવસે તેમની સંપત્તિ $8.2 અબજ ઘટી હતી, ત્યારબાદ 9 નવેમ્બરે $162.2 અબજ હતી તે સંપત્તિ ઘટીને 20 નવેમ્બર સુધીમાં $110.1 અબજ પર આવી ગઈ હતી, પરંતુ સોમવારે એનવીડિયાના બોર્ડે સર્વાનુમતે તેમને ફરી CEO, પ્રેસિડેન્ટ અને ડિરેક્ટર તરીકે પુનઃસ્થાપિત કરવાની જાહેરાત કરતા જ શેરબજારમાં ભૂકંપ આવ્યો, એનવીડિયાનો શેર એક જ દિવસમાં 31.48% ઉછળીને $165.05 પર બંધ થયો, જે 2003 પછીનો સૌથી મોટો એક દિવસીય ઉછાળો છે, આ ઉછાળાથી કંપનીના માર્કેટ કેપમાં એક જ દિવસમાં લગભગ $952 અબજનો વધારો થયો અને તે $3.98 ટ્રિલિયન પર પહોંચી ગયું, બ્લૂમબર્ગ મુજબ કોઈપણ ટેક કંપની માટે આ અત્યાર સુધીનો સૌથી મોટો એક દિવસીય વધારો છે, હુઆંગ એનવીડિયાના લગભગ 3.5% શેર ધરાવે છે, એટલે શેરમાં આવેલો ઉછાળો સીધો તેમની સંપત્તિમાં દેખાય છે, આ રેલીની અસર આખા અમેરિકન બજાર પર પડી, S&P 500 ઇન્ડેક્સ 4.7% વધ્યો અને નાસ્ડેક 100 ઇન્ડેક્સ 6.9% વધ્યો, જે એપ્રિલ 2025 પછીનો શ્રેષ્ઠ દિવસ હતો, રસપ્રદ વાત એ છે કે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હુઆંગને પાછા લાવવા માટે જાહેરમાં દબાણ કર્યું હતું, અને આ રેલીથી તેમના એનવીડિયા હોલ્ડિંગમાં પણ $15 મિલિયન સુધીનો ફાયદો થયો હોવાનું કહેવાય છે, હવે હુઆંગ 3 ડિસેમ્બરે સેનેટ બેંકિંગ કમિટી સમક્ષ જુબાની આપશે.
(4:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
