તા. ૪ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૮ શુક્રવાર
News of Monday, 16th November 2026
૨૫ કરોડ કમાયા છતાં ૬૪ વર્ષે મફતમાં નોકરી ! પોતાની કંપની વેચીને આશરે પચીસ કરોડ રૂપિયા કમાયેલા મુંબઈના ૬૪ વર્ષીય ઉદ્યોગપતિએ નિવૃત્તિ લેવાને બદલે યુવાનોના સ્ટાર્ટઅપમાં પગાર વિના ઇન્ટર્ન તરીકે કામ શરૂ કર્યું : ઉંમર નહીં, ઉત્સાહ મહત્વનો હોવાનો અનોખો દાખલો\*
ઓટિસ ડિસોઝાએ યુવાન ઉદ્યોગસાહસિકની કંપનીમાં જોડાઈ અનુભવ વહેંચવાનું પસંદ કર્યું : ક્યારેક કર્મચારીઓને માર્ગદર્શન આપે છે તો ક્યારેક કોફી પણ બનાવે છે

મુંબઈ : સામાન્ય રીતે કરોડો રૂપિયા કમાયા પછી લોકો નિવૃત્તિ લઈને આરામદાયક જીવન જીવવાનું પસંદ કરે છે. પરંતુ મુંબઈના ૬૪ વર્ષીય ઉદ્યોગપતિ ઓટિસ ડિસોઝાએ આ માન્યતાને પડકારતો પ્રેરણાદાયી નિર્ણય લીધો છે. તેઓ હવે એક યુવાનના સ્ટાર્ટઅપમાં કોઈ પગાર લીધા વિના ઇન્ટર્ન તરીકે કામ કરે છે.
ડિસોઝાએ પોતાની ઇવેન્ટ અને એક્સપિરિયન્સ માર્કેટિંગ કંપની ‘ફાઉન્ટનહેડ એક્સપિરિયન્સ’ વર્ષ ૨૦૧૫માં ડેન્ટ્સુને વેચી હતી. તેમના જણાવ્યા મુજબ આ સોદામાં તેમને આશરે રૂપિયા ૨૫ કરોડ મળ્યા હતા. આર્થિક રીતે સદ્ધર બન્યા છતાં નિવૃત્તિ બાદ જીવનમાં કંઈક ખૂટતું હોવાનું તેમને લાગતું હતું.
તેમની મુલાકાત ૨૬ વર્ષીય ઉદ્યોગસાહસિક જોશુઆ સેલિન્સ સાથે થઈ હતી. જોશુઆ મુંબઈમાં ‘હોબી ટ્રાઇબ’ નામનું સ્ટાર્ટઅપ ચલાવે છે. બંને વચ્ચે ઉંમરનો લગભગ ચાર દાયકાનો તફાવત હોવા છતાં વિચારસરણીમાં સામ્ય જોવા મળ્યું.
હવે ડિસોઝા યુવાન કર્મચારીઓને જીવન અને વ્યવસાય અંગે માર્ગદર્શન આપે છે. ક્યારેક ઓફિસમાં કોફી પણ બનાવે છે. તેમના મતે જીવનના અનુભવનું મૂલ્ય પૈસા કરતાં ઘણું વધારે છે. આ અનોખી ઘટનાને પગલે બીજા નિવૃત્ત વ્યાવસાયિકોએ પણ આવા અવસરો અંગે રસ દર્શાવ્યો છે.
(11:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
