તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 23rd June 2026
કાન વીંધી નાખે તેવી બૂમ: ઓસ્ટ્રેલિયાના શખ્સે ૧૨૨.૪ ડેસિબલની ગર્જના સાથે તોડ્યો ૩૨ વર્ષ જૂનો રેકોર્ડ, બન્યો દુનિયાનો ‘સૌથી મોટેથી બૂમ પાડનારો માણસ’!
જેટ પ્લેનના અવાજ જેટલી તીવ્રતાથી ‘NOW’ કહીને ગિનીસ બુકમાં નોંધાવ્યું નામ; સતત સાત પ્રયાસો બાદ ગળું બેસી ગયું, અગાઉ મહિલા શિક્ષિકાના નામે હતો વર્લ્ડ રેકોર્ડ

કેનબેરા : તમે કોઈ વ્યક્તિને ગુસ્સામાં કે ખુશીમાં જોરથી બૂમો પાડતા ચોક્કસ જોયા હશે, પરંતુ શું તમે ક્યારેય એવી બૂમ વિશે સાંભળ્યું છે જેનો અવાજ કોઈ ચાલુ ચેઇનસો (કરવત), એમ્બ્યુલન્સના સાયરન કે પછી ટેક-ઓફ કરતા જેટ વિમાન જેટલો ભયાનક હોય? ઓસ્ટ્રેલિયાની રાજધાની કેનબેરામાં રહેતા ૫૮ વર્ષીય જોસેફ મેકગ્રેલ-બેટઅપ નામના વ્યક્તિએ આવો જ એક અસાધારણ અને કાનના પડદા ફાડી નાખે તેવો અદ્ભુત ગિનીસ વર્લ્ડ રેકોર્ડ (Guinness World Record) પોતાના નામે કર્યો છે. જોસેફે પૂરા ૧૨૨.૪ ડેસિબલ (dB) ના અવાજ સાથે ‘હવે’ (NOW) શબ્દની એવી પ્રચંડ બૂમ પાડી કે તે સત્તાવાર રીતે દુનિયાનો સૌથી મોટેથી બૂમ પાડનારો પુરુષ બની ગયો છે.
આ પરાક્રમ સાથે જોસેફે વર્ષ ૧૯૯૪ થી એટલે કે છેલ્લા ૩૨ વર્ષથી ઉત્તરી આયર્લેન્ડની એક શાળાના શિક્ષિકા અન્નાલિસા ફ્લાનાગન દ્વારા સ્થાપિત ૧૨૧.૭ ડેસિબલનો રેકોર્ડ તોડી નાખ્યો છે. તે સમયે મહિલા શિક્ષિકાએ કાન વીંધી નાખે તેવા અવાજમાં "શાંત" (Quiet) શબ્દની બૂમ પાડી હતી. આ નવા રેકોર્ડ બાદ જોસેફે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, "મને આનંદ છે કે અન્નાલિસા પોતાનો રેકોર્ડ જાળવી શકી, જેથી તે વિશ્વની સૌથી મોટેથી બોલતી મહિલા છે અને હું વિશ્વનો સૌથી મોટેથી બોલતો પુરુષ બન્યો છું."
ચેઇનસો અને જેટ પ્લેન જેટલો ઘાતક અવાજ
વિજ્ઞાન અને તબીબી નિષ્ણાતોના મતે, ૧૨૨.૪ ડેસિબલનું આ અવાજનું સ્તર માનવ શ્રવણશક્તિ માટે અત્યંત "પીડાદાયક અને ખતરનાક" શ્રેણીમાં આવે છે. ૧૨૦ ડેસિબલથી વધુનો અવાજ કોઈપણ રક્ષણાત્મક ગિયર કે હેડફોન વિના કાનના પડદાને ક્ષણવારમાં કાયમી નુકસાન પહોંચાડી શકે છે. વ્યવસાયે એર કન્ડીશનર ક્લીનર અને કેનબેરાના માનદ 'ટાઉન ક્રાયર' (રાજાના જમાનાના ઢંઢેરો પીટનાર) તરીકે સેવા આપતા જોસેફે જણાવ્યું કે, આ રેકોર્ડ માટે કોઈ પ્રેક્ટિસ થઈ શકે તેમ નહોતી. તેને આ પરફેક્ટ અવાજ મેળવવા માટે સતત સાત પ્રયાસો કરવા પડ્યા હતા, જેના કારણે આગામી બે દિવસ સુધી તેનો અવાજ સંપૂર્ણપણે બેસી ગયો હતો અને ગળામાં ભયંકર હોરર જેવી સ્થિતિ સર્જાઈ હતી.
બીજી વખત વિશ્વ રેકોર્ડ પોતાના નામે કર્યો
રસપ્રદ વાત એ છે કે, જોસેફ મેકગ્રેલ-બેટઅપે જીવનમાં બીજી વખત વિશ્વ રેકોર્ડ તોડ્યો છે. આ પહેલાં ૨૦૧૯ માં, તેણે તીરંદાજી (Archery) માં એક અદ્ભુત ગતિનો રેકોર્ડ બનાવ્યો હતો, જોકે બાદમાં એક સાત વર્ષના બાળકે તેનો એ રેકોર્ડ તોડી નાખ્યો હતો. ૨૦૧૭ થી કેનબેરાના સત્તાવાર ટાઉન ક્રાયર ‘લોર્ડ જોસેફ’ તરીકે ઓળખાતા જોસેફ વિવિધ સામાજિક કાર્યક્રમો અને કાર શોમાં જઈને પોતાની બુલંદ વાણીમાં જાહેરાતો કરે છે. ગત મે મહિનામાં એક રેડિયો સ્ટુડિયોમાં એકોસ્ટિક એન્જિનિયર અને સાક્ષીઓની હાજરીમાં આ અવાજ માપવામાં આવ્યો હતો, જેને ગિનીસ બુક દ્વારા મંજૂરી અપાઈ છે. જોસેફનું કહેવું છે કે તેને આ ટાઇટલ બચાવવામાં કોઈ રસ નથી કારણ કે ‘રેકોર્ડ તો બનવા માટે જ હોય છે!’
(6:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
