<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

ચોકલેટના માત્ર બે રૂપિયા વોલેટમાં અટકાવવા ઈ-કોમર્સ કંપનીને પડ્યા મોંઘા, ગ્રાહક આયોગે ફટકાર્યો 7,500 રૂપિયાનો દંડ

ગ્રાહકની મંજૂરી વિના બેંકને બદલે ડિજિટલ વોલેટમાં રિફંડ જમા કરવું સેવામાં ખામી ગણાયું; પંચકુલાની યુવતીની કાયદાકીય લડત રંગ લાવી

પંચકુલા, તા.25: હરિયાણાના પંચકુલામાં 24 વર્ષીય યુવતીએ જાન્યુઆરી 2026માં ઓનલાઈન ગ્રોસરી એપ પરથી મંગાવેલા ઓર્ડરમાં ચોકલેટ ન મળતા રિફંડ થયેલા કુલ 2 રૂપિયા કંપનીએ બેંક ખાતાને બદલે પોતાના ડિજિટલ વોલેટમાં જમા કરી દેતા, ગ્રાહક વિવાદ નિવારણ આયોગે કંપનીને કુલ 7,500 રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે.

વિગતો મુજબ, પંચકુલાની યુવતીએ 23 થી 25 જાન્યુઆરી 2026 દરમિયાન ઓનલાઈન ગ્રોસરી એપ પરથી 319 રૂપિયા અને 116 રૂપિયાના બે અલગ-અલગ ઓર્ડર કર્યા હતા. બંને ઓર્ડરમાં એક-એક ચોકલેટ ઉપલબ્ધ ન હોવાથી કંપનીએ બંને વખત 19-19 રૂપિયા રિફંડ કરવાની ખાતરી આપી હતી, પરંતુ બેંક ખાતામાં માત્ર 18-18 રૂપિયા જ જમા થયા હતા અને બાકીના 2 રૂપિયા ગ્રાહકની પરવાનગી વિના કંપનીના ડિજિટલ રિવોર્ડ વોલેટમાં નાખી દેવામાં આવ્યા હતા.

બેંક સ્ટેટમેન્ટ તપાસતા આ તફાવત સામે આવ્યા બાદ યુવતીએ 3 ફેબ્રુઆરીએ એપ પર ફરિયાદ નોંધાવી હતી અને ત્યારબાદ કાયદાકીય નોટિસ પણ પાઠવી હતી. કોઈ ઉકેલ ન આવતા તેણે પંચકુલા જિલ્લા ગ્રાહક વિવાદ નિવારણ આયોગ સમક્ષ ફરિયાદ દાખલ કરી હતી, જેમાં રજૂઆત કરી હતી કે જે માધ્યમથી ચૂકવણી કરવામાં આવી હોય, રિફંડ પણ તે જ માધ્યમમાં મળવું જોઈએ અને કંપની ગ્રાહકના નાણાં પોતાની મરજી મુજબ વોલેટમાં અટકાવી ન શકે.

બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ગ્રાહક આયોગે સ્પષ્ટ કર્યું હતું કે ગ્રાહકની સંમતિ વિના રિફંડની રકમ ડિજિટલ વોલેટમાં જમા કરવી એ સેવામાં ખામી સમાન છે. આયોગના ચુકાદા અનુસાર કંપનીએ યુવતીને માનસિક ત્રાસ અને વળતર પેટે 2,500 રૂપિયા તેમજ હરિયાણા રાજ્ય ગ્રાહક આયોગની ફ્રી લીગલ એડ સેવામાં 5,000 રૂપિયા મળી કુલ 7,500 રૂપિયા ચૂકવવાના રહેશે.

આ ઘટના એ વાતની સાક્ષી પૂરે છે કે ઓનલાઈન ખરીદીમાં રકમ નાની હોય કે મોટી, ગ્રાહકના અધિકારોનું ઉલ્લંઘન થાય ત્યારે કાયદાકીય માર્ગ અપનાવીને ન્યાય મેળવી શકાય છે. નાની રકમ જતી કરવાની સામાન્ય પ્રवृત્તિથી વિપરીત જઈને આ યુવતીએ કરેલી રજૂઆત અન્ય ગ્રાહકો માટે પણ પ્રેરણાદાયી બની છે.

આ ચુકાદા બાદ હવે ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ માટે રિફંડ પ્રક્રિયામાં પારદર્શિતા અને ગ્રાહકની સંમતિ જાળવવી અત્યંત જરૂરી બની છે, અન્યથા ભવિષ્યમાં પણ આવી ફરિયાદોમાં કડક વળતર અને દંડની કાર્યવાહી થઈ શકે છે. આદેશ મુજબ નિર્ધારિત રકમની ચુકવણી અને કાયદાકીય પ્રક્રિયા આગળ ધપાવવામાં આવશે.

(4:40 PM IST)